Abtak Media Google News

નેપોલિય બોનાપોર્ટ તેના ગુલામ દેશની માતાઓને બુલંદ અવાજે કહ્યું હતુ કે, ‘તમે મને એક સો આદર્શ માતાઓ આપો, હું તમને તમારા દેશની આઝાદી આપીશ.’

આપણા દેશની આઝાદીના દૂત સુભાષચંદ્ર બોઝે તેમની આઝાદ હિન્દ ફોજના સેનાની તરીકે મહિલાને પસંદ કર્યા હતા.

એક અંગ્રેજી કહેવત છે કે, ‘અ હેન્ડ ધેર રોકસ ક્રેડલ, રૂલ્સ, ધ વર્લ્ડ’ ગુજરાતીમાં એ કહેવત આ પ્રમાણે છે; ‘જે કર ઝૂલાવે પારણું તે વિશ્ર્વ ઉપર રાજ કરે.’

સંસ્કૃતિમાં પણ કહેવાયું કે, “યત્ર નાર્યસ્તુ પૂજયતે, તત્ર હેમન્તે દેવતા:

“પ્રત્યેક મહાપુરૂષની પાછળ મહિલાની સહાય હોય છે. એક કહેવત પણ દેશમાં સારી પેઠે પ્રચલિત છે.

આપણા દેશની સરિતાઓને આપણા ઋષિમૂનિઓએ ‘લોકમાતા’ છે અને એમાં સ્નાન કરનારાઓ પૂણ્યસ્નાન કરે છે, એવી ધર્મભીની માન્યતા છે.

કવિ બોટાદકરે લખ્યું છે કે, જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.’ જસોદા માતાના ઉછેરની તેજસ્વિતા અને પ્રભુતા શ્રી કૃષ્ણમાં પ્રતિબિંબિત થતુ હરકોઈ નિહાળી શકે છે.

આબ ધુ એ વાતની પ્રતીતિ કરાવે છે કે, એક સો શિક્ષક બરાબર એક માતા છે.

આપણી યુગ જૂની એક કહેવત છે કે સો શિક્ષક બરાબર એક માતા, આ કહેવત ભવ્ય છે. કેટલી વૈદિક વિચાર ધારાથી ભીંજાયેલી છે.! બાળકને શિશુ કાળથી કેળવાયેલી અને વાત્સલ્યથી ભરપૂર માતા કેવા દિવ્યને ઉચ્ચ સંસ્કાર આપી શકે છે. કુમળા છોડને વાળીએ તેમ વળે.તેમ નાના બાળકને પ્રથમ સંસ્કાર રૂપી શિક્ષણ અને ઉચ્ચ ગુણો ફકત પોતાની પ્રેમાળ માતા જ આપી શકે છે.

અગાઉના જમાનામાં જેમ આપણી ઋષિ સંસ્થા પોતાના આશ્રમમાં ભણતા શિષ્યોને પોતાના જ જીવન વ્યવહાર મારફત હરતા, ફરતા, જમતા, સ્નાન કરતા, વૃક્ષનું અને ગૂણનું, આકાશી પદાર્થોનું અને ખેતી પશુપાલન અને દવા, રોગ, ઉપચાર, હિંમત, સદાચાર, વિધા, સંયમ, સ્નેહ, ભાઈચારો વગેરેના પાઠો વિદ્યાર્થીને ખબર ન પડે તે રીતે દૈનિક જીવન વ્યવહારનાં ક્રમથી જ મળી જતા શિષ્યને કયારેય એમ ન લાગતુ કે ગૂરૂજી મને આ શિખવે છે. પણ ઔપચારિક વાતો અને વ્યવહારથી જીવનનું દિવ્ય શિક્ષણ સંસ્કારનાં આવરણથી મઢીને અપાઈ જતુ.

તેવી રીતે માતા પોતાના સુંદર અને પ્રેમાળ આ નાનકડા પુષ્પને રમાડતા, ખવડાવતા, સુવડાવતા, અને વાતો, વાર્તા કરતા કરતા ઉતમ અને ભવ્ય સંસ્કારની મૂડી બાળકના મન પ્રદેશમાં મૂકી દે તો બાળપણમાં મેળવેલા આ સુગંધીત સંસ્કાર તેના આગળના જીવનમાં બાળકમાંથી બનેલા કિશોર, યુવાનીમાં એવો તો તેને સારો નાગરીક બનાવી શકે જેથી તે બાળક મોટો થતા તેજસ્વી, ઉચ્ચ વિચાર વાળો, વિનયી, ઉદાર, લોખંડી મનોબળ વાળો બને.

ઘણી બહેનો બાળકને ડરાવીને સુવડાવે છે. તે બરોબર નથી. બાળકને સુવડાવતી વખતે સુંદર વાકયો બોલી અને પ્રેમાળ હાથ ફેરવી નિર્ભય બનાવીને સુવડાવવું જોઈએ.

બીજુ બાળક જમવા બેસે ત્યારે બેસવાની રીત, જમવાની રીત, સફાઈની રીત વગેરે ઉપર પૂરતુ ધ્યાન આપી જયા જયાં ટકોરની જરૂર પડે ત્યાં ત્યાં સમજાવીને સુધારવી રાત્રે પ્રમાણીકતાના, નિર્ભયતાના, સચ્ચાઈના અને ભાવાત્મક એકતા જળવાય તેવી સુંદર અને બાળકો સમજી શકે તેવી હળવી ભાષામાં વાર્તા અચુક કહેવી.

બીજુ વાતવાતમાં બાળકને ઉતારી ન પાડવું કે તું તો આવું છે. ને તું તો તેવું છે, તેને બદલે બાળકને જયા જયાં કહેવાની જરૂર ઉભી થાય ત્યાં ત્યાં સરળ અને મમતાળુ ભાષામાં બાળકને ઉત્સાહીત કરી સમજાવવું. ઘણા બાળકો હાથ પગ ધોવામાં કે ન્હાવામાં આળસુ હોય તેવા પ્રસંગે ધીરજથી કામ લઈ ને પણ તે તેમાં રૂચી દાખવે તેવી ટેવો પાડવી જ.

બાળકના દેખાતા કે સાંભળતા ઘરનાં વડીલોએ ખોટી વાતો કે, ઝગડો કે બાળમાનસને શંકીત કરે તેવો વ્યવહાર ન કરવો. કારણકે બાળકમા અનુકરણીય શકિત સતેજ હોય છે.

ઉપરાંત બાળખોને જે કુટુંબ જે કોઈ ધર્મ પાળતુ હોય તે ધર્મ અને જે કોઈ દેવ દેવી ને માનતુ હોય તે વિશેની સાચી અને આધ્યાત્મિક વાતો કરી બાળ માનસ ઉપર ઈશ્ર્વર શ્રધ્ધા વધે તે માટે નાના નાના શ્ર્લોકો કે એવું બોલાવવું.

ટુંકમાં બાળકોને આચાર વિચાર અને ઉછેરમાં મમતાની મૂર્તિ એવી જનની જો ધારે તો ઉમદા સંસ્કાર પાડી ઉતમ નાગરીક સરજી શકે છે. માટે જ કહેવત સાચી છે કે એક માતા બરાબર સો શિક્ષક.

શિયાળામાં તેલમાલિશ, આંજણ, કડવી દવા, વગેરે કરી ને પૌષ્ટિક ખોરાક આપીને આરોગ્ય જાળવો વિચાર અને મમત્વની છાંટમાં ભીજવીને સ્નેહ સદગુણ વિકસે તેવી વાતો ને સમજણ આપો.

રોજ બરોજના બાળકનાં વર્તનનો અભ્યાસ કરી બાળકની કક્ષા નકકી કરી તે મુજબ જીવનનો ઢાંચો ગોઠવો તો તેજ માતા પિતાને તે બાળક યુવાન થતા એક તેજસ્વી, ઉચ્ચ વિદ્યાવાન અને નૈતિક જીવન જીવનાર સુપુત્ર પ્રાપ્ત થશે જ. સુવિચાર વાવેલુ ઉતમ બીજ આગળ જતા તંદુરસ્ત વૃક્ષ થશે અને છાંયો આપશે શીતળતા આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.