Abtak Media Google News

CM રૂપાણીની વધુ એક વિદ્યાર્થીઓ – વાલીઓલક્ષી જાહેરાત : 3.25 લાખ બાળકો અને 11 હજાર દિવ્યાંગોને 1500 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે

આર્થિક સહાયની રકમ બાળકોનાં વાલીઓનાં ખાતામાં સીધી જમા કરવામાં આવશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની એક અપીલે ગુજરાતભરમાંથી દાનની સરવાણી વહી : ત્રણ દિવસમાં 3500 જેટલા લોકોએ તથા સંસ્થાઓએ કરોડો રૂપિયાનું દાન આપ્યું

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના વાયરસને પગલે જાહેર થયેલ લોકડાઉનની સ્થિતિમાં આશ્રમશાળાઓ, સમરસ હોસ્ટલ, દિવ્યાંગ છાત્રાલયો અને બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા જે બાળકો પોતાના ઘેર ચાલ્યા ગયા છે તેમને એપ્રિલ માસનાં ખર્ચ પેટે વિદ્યાર્થીદીઠ રૂ. ૧૫૦૦ની સહાય આપવાની જાહેરાત કરી છે.રૂપાણી સરકાર આવા બાળકોનાં વાલીઓનાં બેંક ખાતામાં રકમ જમા કરાવશે. રાજ્યમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ, બિન અનામત વર્ગોનાં જે બાળકો હોસ્ટેલમાં, આશ્રમ શાળાઓમાં, નિવાસી શાળાઓમાં રહીને અભ્યાસ કરે છે તેમને રૂપાણી સરકાર નિયમિત ભોજન સહાય આપે છે. લોકડાઉનની હાલની પરિસ્થિતિમાં આ બાળકો પોતાના ઘરે ચાલ્યા ગયા છે કે શિફ્ટ થયા છે તેવા અંદાજે 3 લાખ 25 હજાર બાળકોને એપ્રિલ માસ દરમિયાન સહાય પેટે 1500 રૂપિયા આપવામાં આવશે. સાથે જ દિવ્યાંગ છાત્રાલયમાં રહેતા અને અભ્યાસ કરતા અને ઘરે જતા રહેલા 11 હજાર દિવ્યાંગ બાળકોને પણ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતિમાં એપ્રિલ મહિનામાં 1500 રૂપિયાની સહાય રૂપાણી સરકાર કરશે. જે રકમ બાળકોનાં વાલીઓનાં ખાતામાં સીધી જમા કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કોરોના વાઈરસ સામે લડવા અને લોકડાઉનની સ્થિતિમાં તાબડતોબ પ્રજાલક્ષી નિર્ણયો લઈ તેની જાહેરાતો કરી રહ્યાં છે. કોરોના વાયરસના કારણે અસરગ્રસ્તોને મદદ હેતુ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી રાહતનિધિમાં ફાળો આપવા અપીલ કરી છે. જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાંથી વિવિધ દાતાઓ, સંસ્થાઓ, કર્મચારીઓ સહિત અનેક લોકોએ આ રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપ્યો છે.

ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસમાં 3500 જેટલા લોકોએ તથા સંસ્થાઓએ કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. ગુજરાતના નાના-મોટા મંદિરો તેમજ ધાર્મિક સંસ્થાઓએ પણ કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે ગુજરાતના જાણીતા મંદિર સોમનાથ મંદિર ટ્રસ્ટ અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા રૂપિયા 1-1 કરોડનું દાન કર્યું છે. સંસ્થાઓની સાથોસાથ વ્યક્તિઓ પણ દાન આપી રહ્યા છે. આ દાનમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે વ્યક્તિગત રીતે 1 લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે. ધારાસભ્યોએ પણ 1થી 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઉપરાંત રાજ્યના કુંડળ સ્વામી નારાયણ મંદિર તરફથી પણ રૂપિયા 25 લાખના દાનની જાહેરાત કરવામાં આવી છે. ખોડલધામ અને સરદારધામ તરફથી 21-21 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત મોરારી બાપુ – 25 લાખ, બગદાણા આશ્રમ – 51 લાખ, પરબ આશ્રમ – 101 લાખ, સતાધાર આશ્રમ – 11 લાખ, વીરપુર જલીયાણ જોગી ટ્રસ્ટ – 50 લાખ, વલકુબાપુ આશ્રમ – 5 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે. આ સિવાય 3500થી વધુ નામી-અનામી ધાર્મિક સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા કરોડો રૂપિયાનું દાન કોરોનાની મહામારીથી લડવા કરવામાં આવ્યું છે.

કોરોના વાઈરસની મહામારી સામે લડવા મુખ્યમંત્રી રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપવા સૌ નાગરિકો – ઉદ્યોગગૃહો – વ્યાપારી એકમો તથા વિવિધ સંસ્થાઓને અપીલ કરવામાં આવે છે. રાજ્યમાં કોરોના વાયરસ સામે લડવા માટે જે લોકો ફંડ આપવા માંગે છે તે મુખ્યમંત્રી રાહતનીધિ ફંડમાં રકમ જમા કરાવી શકે છે. આ તમામ દાન ઈન્કમટેક્સની સેક્શન 80G અંતર્ગત કરમાંથી મુક્તિને પાત્ર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.