Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં પોરબંદર જિલ્લાનું સૌથી ઓછું 85.30 ટકા પરિણામ: સૌથી વધુ રાજકોટ જિલ્લામાં એ1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 402 નોંધાઇ: સૌથી ઓછા પોરબંદર જિલ્લામાં એ1 ગ્રેડ ધરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 11

અબતક, રાજકોટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે 8 વાગ્યે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. છેલ્લા દશકાનું સૌથી વધુ પરિણામ 86.91 ટકા નોંધાયું છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો 89.45 ટકા પરિણામ આવ્યું છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લામાંથી સૌથી વધુ પરિણામ બોટાદ જિલ્લાનું આવ્યું છે. ચાલુ વર્ષે બોટાદ જિલ્લાનું 93.87 ટકા પરિણામ સાથે સૌરાષ્ટ્રમાં અવ્વલ રહ્યું છે. આ ઉપરાંત સૌથી ઓછું પરિણામ પોરબંદર જિલ્લાનું 85.30 ટકા આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે એ1 ગ્રેડ ધરાવનાર સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા રાજકોટ જિલ્લામાં છે. રાજકોટમાં 402 વિદ્યાર્થીઓએ એ1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 2558 વિદ્યાર્થીઓએ એ2 ગ્રેડ મેળવ્યો છે. આ સાથે રાજકોટનું 88.72 ટકા પરિણામ આવ્યું છે.

Screenshot 2 5

આજે સવારથી જ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓમાં એક અનેરો માહોલ છવાયો છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોએ એકબીજાના મોં મીઠા કરાવીને ધો.12ના પરિણામની ઉજવણી કરી હતી. સાથોસાથ ગરબે ઘૂમીને પોતાનો આનંદ છલકાવ્યો હતો. સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં એ1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની વાત કરીએ તો અમરેલીમાં 23, જામનગરમાં 76, જૂનાગઢમાં 56, ભાવનગરમાં 151, રાજકોટમાં 402, સુરેન્દ્રનગરમાં 59, પોરબંદરમાં 11, બોટાદમાં 25, દ્વારકામાં 15, ગીર સોમનાથમાં 26 અને મોરબીમાં 48 વિદ્યાર્થીઓ નોંધાયા છે.આજે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. હવે આગામી 6 જૂન એટલે કે સોમવારે ધો.10નું પરિણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.