Abtak Media Google News

મેઘાની વાટમાં મુંઝાતો ભૂમિપુત્ર…! હવે સોચ કર, સમજ કર વાવેતર કર..!

જો આગામી સપ્તાહમાં વરસાદ નહીં થાય તો વાવેતર બળી જશે

જુનનાં પ્રથંમ સપ્તાહમાં વરસાદ ન આવ્યો, બીજામાં અને ત્રીજામાં પણ ન આવ્યો આખો જુન જ્યારે કોરો ગયો ત્યારે આપણા ગુજરાતીઓના જીવ તાળવે ચોંટયા હતા! ભારતમાં આ વખતે ચોમાસુ મોડું બેઠું છે. મોડે મોડેથી પણ દેશના મોટા ભાગના રાજ્યોમાં વરસાદની પધરામણી થઇ છે. જુલાઇ મહિનાના પ્રથમ અને બીજા સપ્તાહમાં સરેરાશ કરતા ૨૮ ટકા જેટલો વધારે વરસાદ થયો જેના કારણે ખેડૂતોને રાહત થઇ. જોકે હજુ પણ સરેરાશ કરતા ૧૪ ટકા ઓછો વરસાદ છે. આગળ જતાં મેઘરાજા આ ઘટ પુરે એવી પ્રાર્થના કરવાની રહી. આ તો વાત થઇ દેશના એકંદર ચોમાસાની. પણ સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર તથા જામનગર જેવા જિલ્લા તથા કચ્છડાથી મેહુલિયો હજુ પણ રિસાયેલો છે. અમુક વિસ્તારો હજું પણ એવા છે જે કોરાં પડ્યા છે. આવા વિસ્તારોમાં ખેડૂતોને સોચ કર, સમજ કર , વાવેતર કરની નીતિ અપનાવવી જોઇએ.  સૌરાષ્ટ્રમાં માત્ર ૧૯.૩૦ ટકા જેટલો જ વરસાદ યો છે હવે જગતાતની લકીરે ચિંતાના વાદળો ઘેરાયા છે.

હવે જો આગામી સપ્તાહમાં મેઘરાજા રાજી ન થાય તો શું? અગાઉ તો આવા સંજોગોમાં દુકાળ જાહેર થઇ જતા હતા. હવે નર્મદાના નીર આવ્યા બાદ સ્થિતીમાં થોડો સુધારો થયો છે. સુરેન્દ્રનગર પંથકમાં કેનાલના પાણી આવ્યા છે તેથી જેમણે વાવેતર કરી નાખ્યા છે તેમને કામચલાઉ રાહત થશે. પણ જેમના વાવેતર બાકી છે તેમને હવે ઓછા વરસાદ વાળા ગુવાર સીડ, એરંડા, રજકો, જુવાર કે બાજરા જેવા પાક લેવાનાં રહેશે. કારણ કે શંકર કપાસ, મગફળી, શેરડી કે સોયાબીન જેવા પાકને પાણી વધારે જોઇતું હોવાથી વાવેતર બળી જવાથી નુકસાન થઇ શકે છે.

જે પાકનાં વાવેતર થઇ શકે છે તેના પણ ભાવ ધીમી ગતિએ વધારા તરફી જોવા મળ્યા છે. એરંડાનાં વાયદા એક મહિના પહેલા એટલે કે ૧૬ મી જુન-૧૯ ના રોજ ક્વિન્ટલ દઠ ૫૩૦૦ રૂપિા હતા તે ૧૬ મી જુલાઇ-૧૯ ના રોજ ૫૬૬૫ રૂપિયાની સપાટી વટાવી ગયા છે. આ ઉપરાંત ઓક્ટબર-૧૯ના વાયદાનાં હાલમાં ભાવ ૫૮૦૦ રૂપિયા દેખાડે છે મતલબ કે ખેડૂત હાલમાં વાવેતર કરીને ઊતારાના અંદાજ મુજબ ઓક્ટોબર-૧૯ વાયદામાં વેચાણની પોઝીશન લઇ લે તો તેને સારૂ વળતર મળી શકે છે. આજ રીતે લોકોને અંદાજ આવ્યો કે હવે સોયાબીનના વાવેતર ઘટશે એટલે તુરત જ તેમાં પણ ધીમી તેજીના મંડાણ થયા છે. છેલ્લા ૧૫ દિવસમાં સોયાબીનનાં ભાવ ૩૪૫૦ રૂપિયા વાળા ૨૦૦ રૂપિયા વધીને ૩૬૫૦ ની સપાટી દેખાડી રહ્યા છે. હાજરમાં પણ ભાવ ૩૭૦૦ રૂપિયાની સપાટી દેખાડી રહ્યા છે. આગામી ઓક્ટોબર-૧૯ના વાયદા પણ ૩૬૫૦ રુપિયા છે. ગુવાર સીડનાં વાયદા પણ ૪૧૫૦ રૂપિયા વાળા ૧૫ દિવસમાં ૨૨૦ રૂપિયાનાં વધારા સાથે ચાર્ટમાં ૪૩૭૦ રૂપિયાનો આંકડો દેખાડી રહ્યા છે. એમ તો કપાસના ભાવ પણ ૧૧૧૦ રૂપિયા વાળા ૨૦ રૂપિયા વધીને ૧૧૩૦ની સપાટીએ પહોંચ્યા છે.

ખેડૂતો જો ચોમાસાની મુવમેંટનો વિશેષ અભ્યાસ કરે તો ઓછા પાણીએ પણ વધારે વળતર મેળવી શકે છે. ખાસ  કરીને એરંડા તથા ગુવાર સીડમાં ઓછી મહેનત તથા ઓછા પાણી અને નિભાવ ખર્ચ સાથે નિપજ લઇ શકાય છે. હવે જો ડાંગર, કપાસ કે શેરડીના ભાવમાં પણ ૨૦૦ રૂપિયા વધતા હોય અને એરંડા કે ગુવાર સીડનાં ભાવમાં પણ ૨૦૦ રૂપિયા વધતા હોય તો ઓછા ખર્ચ વાળા એરંડા તથા ગુવાર સીડના વાવેતરમાં જ ખેડૂતોને રસ પડે તે સ્વાભાવિક છે.  આમ તો સૌરાષ્ટ્રમાં જ્યાં નર્મદાની કેનાલ છે ત્યાં હવે ખેડૂતો ખરિફ તથા રવિ એમ બન્ને પાક લેતા હોય છે. તેથી આવકમાં રાહત રહે છે.

જો કે વિતેલી સિઝનમાં પાણીનીં ખેંચના કારણે નર્મદાની કેનાલમાં પાણી છોડવામાં સરકારે વિલંબ કર્યો તેથી ઘણા સ્થળોએ રવિ વાવેતરને નુકસાન થયું હતું. આજ રીતે મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદનું પાણી કેવડિયા અને મધ્ય ગુજરાત થઇને રાજકોટ પહોંચાડતા સમયે વિવિધ પ્રકારની માટી માથી પસાર થઇને આવતું હોવાથી તેની અસલી ફળદ્રુપતા ઘટાડી દેતું હોય છે.  આવા સંજોગોમાં ખેડૂતોએ જમીનની જરૂરિયાત પ્રમાણે જ પાણીનો ઉપયોગ કરવાનો રહેશે.

જુલાઇના પ્રથમ સપ્તાહમાં ઉપરવાસમાં સારો વરસાદ થયો હોવાથી સરદાર સરોવર ડેમની હાલની સપાટી ૧૨૧ મીટરે પહોંચી છે. ગુજરાતમાં હાલમાં રાજ્યના કુલ સરેરાશ ૮૧૬ મી.મી. વરસાદની તુલનાએ ૨૩ ટકા જેટલો વરસાદ થયો છે. પણ તે દક્ષિણ તથા મધ્ય ગુજરાતમાં થયો છે સૌરાષ્ટ્રના અમુક જીલ્લામાં હજુ  સિઝનનાં ૨૦ ટકા વરસાદના પણ વાંધા છે. કચ્છમાં તો માંડ છ ટકા વરસાદ થયો છે. રાજ્યમાં કુલ ૩૩ ટકા એટલે કે ૨૮.૨૪ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર પુરાં થયા છે. મધ્ય તથા ઉત્તર ગુજરાતમાં ૧૦મી જુલાઇ બાદના વરસાદથી રાહત થતાં વાવેતરની ગતિ તેજ બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.