Abtak Media Google News

ભકતોની ભિતરની ભવ્ય ભાવનાઓને ચરિતાર્થ કરતા વિશિષ્ટ અને વિવિધ જાતના હિંડોળાનો ભાવિકો એક મહીનો લ્હાવો લેશે

ઝુલો ઝુલો હરિવર  હિંડોળે…

રાધા નામકી ભકિત ન્યારી રાસ ભકિત પાય

‘યા’કહતે હી રમણ શ્યામ તો પીછે દોડત આય,

ભકિત રસામૃત અનુસાર ભકિતના ૬૪ અંગ પૈકી ૫૬મો અંગ (પ્રકાર) એટલે ‘હિંડોળા’શ્રી કૃષ્ણજીના ફૂલ, હોળી, રથયાત્રા, જલયાત્રા વિગેરેમાં મોંધેરો મન-ભાવન, ચિત્ત-લુભાવન, મહત્વનો મહોત્સવ એટલે ‘હિંડોળાં’

હરિને હૈયાના હિંચકે, હિરની દોરીએ હે તે હિંચવવા એનું નામ ‘હિંડોળા’ રાધા-માધાનો મીઠો મધુરો મિલનોત્સવ એટલે હિંડોળા

અષાઢ વદ બીજ થી આ અમુલા અવરસનો આરંભ થાય છે, અને શ્રાવણ વદ બીજે એનો વિધિવત વિજયોત્સવ ઉજવાય છે. ઘણી જગ્યાએ એક માસ સુધી આ મંગલમય મહોત્સવ મનાવાય છે. અમુક વૈષ્ણવોના કથન અનુસાર વ્રજમાં આ અવરસ મહોત્સવ ચાલીસ દિવસ સુધી  મનાવાય છે.

વૈષ્ણવ અને સ્વામીનારાયણ સંપ્રદાયમાં આનું અનેરુ મહાત્મય છે. કહેવાય છે કે, ભગવાન શ્રીરામના સમયથી આ ઉત્સવ ઉમંગ ભેર ઉજવાય છે. અયોઘ્યા વાસીઓ અને ‘ઝુલણ’યા ઝુલા ઉત્સવ કહે છે. જયારે વૈષ્ણવ સંપ્રદાય અનુસાર શ્રી કૃષ્ણચંદ્રજીની આરાધીકા રાધીકાજીની સેવાનો અમુલો અવરસ છે. માધાની રાધા એટલે ભકિતની ધારા, પ્રેમની ધારા, પ્રકૃતિ પરના પ્યારનો પ્રક્રિયા વર્ષા રૂપી પધારેલ વહાલાને વહાલપથી વધાવવા એના પ્રેમ પોખણા લેવા, પ્રકૃતિ સોળે કલાએ ખીલે છે યાને સોળે શિંગાર સજૃ છે અને પોતાના પ્રાણ પ્યારા પાસે પ્રેમનો પાલવ પાથરે છે. આ અતૂટ પ્યારનો આવિષ્કાર અને પ્રગટી પણાનો પાટોત્સવ, હ્રદયોત્સવ એટલે હિંડોળા મહોત્સવ હિંડોળા એટલે વાહલાનું પૂજનોત્સવ

વૈષ્ણવી પરંપરામાં રસેશ્ર્વરની રાસલીલા સાથે પણ આ ઉત્સવને જોડવામાં આવ્યો છે. અમુક જગ્યાએ પ્રથમ નારદજી એ ઠાકોરજીને ઝુલે ઝુલાવ્યા હતા એવું પણ કથા છે.

આ હિંડોળાઓ ભકતોની ભિતરની ભવ્ય ભાવનાઓને ચરિતાર્થ કરતાં વિશિષ્ટ અને વિવિધ જાત-જાતના અને ભાત-ભાતના બનાવવામાં આવે છે. પરમાત્માએ એક પણ વસ્તુ એવી નથી બનાવી જે પ્રાણી માત્રને ઉપયોગી ન હોય, અને એટલે જ તારુ આપેલું તુજ ને અર્પણની ભાવના સાથે ફળ, ફૂલ, ફ્રુટથી માંડી વિવિધ સામગ્રીની વણઝારથી આ હિંડોળાને સજાવવામાં આવે છે.

નંદાલયમાં અષાઢ સુદ એકમથી હિંડોળા શરુ થાય છે. સામાન્યત ચાંદીના હિંડોળાથી આની શરુઆત થાય છે. આ હિંડોળા બે સ્થંભ યા ચાર સ્થંભના બને છે. (ચાર સ્થંભ ચાર વેદ તરીકે પણ ઓળખાય છે) નારદપૂરા શાસ્ત્રમાં આનું વર્ણન છે.

શ્રાવણ સુદ એકમ સુધી ઠાકોરજી ગીરીરાજ ઉપર ઝુલણ ઝુલે છે એકમથી નોમ સુધી નંદ કિશોર કુંજ ગલીઓમાં હિંચકે હિંચે છે. જયારે શ્રાવણ સુદ નોમથી શ્રાવણ વદ બીજ સુધી બ્રજબિહારી કૃષ્ણ કનહાઇ યમુના મહારાણીની પાળે કદમની ડાળે ઝુલે છે. વૈષ્ણવોની આવી આસ્થા અને ભવ્ય ભાવનાઓને લઇ, વૃંદાવનમાં વાસુદેવની વિવિધ લીલાઓ અને વિરહની સ્મૃતિ રુપે વિવિધ સ્થળે વિવિધ પ્રકારના પ્રેમાળ અને હેતાળ હૈયે હિંડોળા બનાવાય છે.

બાંકે બિહારીજીના મંદીરમાં વિશેષ દર્શન

વૃંદાવનમાં હજારો મંદીરો છે. દરેક મંદીરોઆ હિંડોળા મહોત્સવ મનાવે છે, પરંતુ બાંકે બિહારીજીના મંદિરનો નજારો કંઇ ઔર જ હોય છે. સ્વામી હરિદાસજીના લાડલા ઠાકુરના હિંડોળા જોવા એ પણ જીંદગીનો એક લહાવો છે. આ બાંકે બિહારીની દર્શનની પણ એક અનોખી વિશિષ્ટતા છે. અક્ષય તૃતિયાના દિવસે તેમના ચરણના દર્શન થાય છે. જન્માષ્ટમી વ્રતોત્સવની રાત્રિના ચોથા પ્રહરમાં વર્ષમાં ફકત એક દિવસ મંગળા આરતી થાય છે એ જ રીતે હરિયાળી ત્રીજ થી શ્રાવણી પૂર્ણિમા સુધી વ્રજના તમામ મંદીરો તેમજ ઘરોમાં બાંકે બિહારીજી ઝુલણ ઝુલે છે.  હરિયાળી ત્રીજના તો આ દિવ્ય દર્શન માટે લાખો વૈષ્ણવો આસ્થા ભેર ઉમટે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.