Abtak Media Google News

મહાદેવ જે ઈચ્છે તે જ કાશીમાં થાય છે

વારાણસીમાં મોદીએ કાશી વિશ્વધામના નવા પરિસરનું લોકાર્પણ કર્યું : મોદીએ ગંગાતટનો પ્રવાસ કરી માઁ ગંગાની ગોદમાં ડૂબકી લગાવી

વિશ્વનાથ ધામનું આ સમગ્ર પરિસર માત્ર એક ભવન નહિ ભારતની પ્રાચિનતાનું પ્રતિક છે, ઉર્જાશીલતાનું પ્રતિક છે અહીં ભવ્ય ભૂતકાળના ગૌરવનો અનુભવ થશે : વડાપ્રધાન

અબતક, નવી દિલ્હી : વારાણસીમાં મોદીએ કાશી વિશ્વધામના નવા પરિસરનું લોકાર્પણ કર્યું છે. મોદીએ મંદિરમાં મંત્રોચ્ચાર સાથે પૂજા કરી હતી. પૂજા કર્યા બાદ વડાપ્રધાને મંદિરના નિર્માણમાં સામેલ શ્રમિકો પર ફૂલોની વર્ષા કરીને તેમનું સન્માન કર્યું હતું અને તેમની સાથે બેસીને ફોટો પણ ખેંચાવ્યો હતો.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે હું બનારસ આવ્યો હતો ત્યારે મને વિશ્વાસ હતો. મને મારા કરતા બનારસના લોકો પર વિશ્વાસ હતો. કેટલાક લોકો કહેતા હતા કે કેવી રીતે થશે? આ તો થશે જ નહીં. મોદી જેવા અનેક લોકો આવીને જતા રહ્યા. બનારસ વિશે ધારણાઓ બનવા લાગી. આ જડતા બનારસની ન હતી.

Pmmodi 3 અંગત સ્વાર્થ માટે બનારસ પર આરોપ લગાવવામાં આવ્યા. તેમણે કહ્યું કે કાશી તો કાશી છે, કાશી અવિનાશી છે. કાશીમાં એક જ સરકાર છે, જેના હાથમાં ડમરું છે, તેની સરકાર છે. જ્યાં ગંગા પોતાની ધારા બદલીને વહેતી હોય, તે કાશીને ભલા કોણ રોકી શકે? અહીં બધુ મહાદેવની ઈચ્છાથી થાય છે. જે પણ કઈ થયું તે બધુ મહાદેવે કર્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે આપણા પુરાણોમાં કહ્યું છે કે જેવો કોઈ કાશીમાં પ્રવેશ કરે છે તમામ બંધનોથી મુક્ત થઈ જાય છે. ભગવાન વિશ્વેશ્વરના આશીર્વાદ, એક અલૌકિક ઉર્જા અહીં આવતા જ આપણા અંતરાત્માને જાગૃત કરી દે છે. તેમણે વધુમાં કહ્યું કે તમે જ્યારે અહીં આવશે તો ફક્ત આસ્થાના દર્શન નહીં કરો. પ્રાચીનતા  અને નવીનતા એક સાથે સજીવ થઈ રહી છે, કેવી રીતે પુરાતનની પ્રેરણાઓ ભવિષ્યને દિશા આપી રહી છે તેના પણ સાક્ષાત દર્શન વિશ્વનાથ ધામ પરિસરમાં આપણે કરી રહ્યા છીએ.Pmmodi 4

પીએમ મોદીએ કહ્યું કે એવું લાગે છે કે આપણું સમગ્ર ચેતન બ્રહ્માંડ સાથે જોડાયેલું છે. વિશ્વનાથ ધામના આ આયોજનથી સમગ્ર વિશ્વ જોડાયેલું છે. આજે ભગવાન શિવનો પ્રિય દિવસ સોમવાર છે. આજે એક નવો ઈતિહાસ રચાઈ રહ્યો છે. અહીં આજે જે આસપાસ પ્રાચિન મંદિર લુપ્ત થઈ ગયા હતા તેમને ફરીથી સ્થાપવામાં આવ્યા છે. વિશ્વનાથ ધામનું આ સમગ્ર પરિસર માત્ર એક ભવન નથી. તે ભારતની પ્રાચિનતાનું પ્રતિક છે, ઉર્જાશીલતાનું પ્રતિક છે. અહીં તમને તમારા ભૂતકાળના ગૌરવનો અનુભવ થશે.

મોદીએ કહ્યું કે હવે 50-60 હજાર ભક્તો મંદિર અને મંદિર પરિસરમાં આવી શકશે. ભવ્ય મંદિરની વિશેષતા આકાશને સ્પર્શી રહી છે. મોદીએ કહ્યું કે બાબા તેમના ભક્તોની સદીઓની સેવાથી ખુશ થયા છે માટે તેમણે આજના દિવસે આપણને આશીર્વાદ આપ્યા છે. આ પહેલા તેણે કહ્યું કે મેં બાબાની સાથે સાથે કાલભૈરવ જીના દર્શન પણ કર્યા છે. દેશવાસીઓ માટે તેમના આશીર્વાદ લઈને આવ્યો છું. કાશીમાં કંઈ ખાસ, કંઈ નવું હોય, તે તેમને પૂછવું જરૂરી છે. હું પણ કાશીના કોતવાલના ચરણોમાં વંદન કરું છું.Pmmodi 2

મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી હતી. આ પહેલાં વડાપ્રધાન મોદી ક્રૂઝ બોટમાં સવાર થઈને લલિતા ઘાટ પહોંચ્યા હતા. તેમણે અહીં ગંગામાં ડૂબકી લગાવી હતી. તેઓ કાલભૈરવ મંદિરની પૂજા કર્યા બાદ ખિડકિયા ઘાટ પહોંચ્યા હતા. ખિડકિયા ઘાટને હાલમાં જ મનોરમ ઘાટ તરીકે વિકસાવવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં મંત્રોચ્ચાર સાથે પૂજા કરીને ગંગાજળથી બાબા વિશ્વનાથને અભિષેક કર્યો હતો.

પીએમ મોદી અને સીએમ યોગીએ ગંગાના કિનારાની મુલાકાત લીધી અને તેમણે સમગ્ર કિનારાનો પ્રવાસ કર્યો. પીએમ મોદી અહીંથી એક ક્રૂઝ બોટમાં સવાર થઈને સીએમ યોગી આદિત્યનાથ સાથે લલિતા ઘાટ પહોંચ્યા હતા.વડાપ્રધાન મોદીએ લલિતા ઘાટ પર ઉપસ્થિત લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. આ પછી તેમણે અહીં ભગવા વસ્ત્રો ધારણ કર્યાં હતાં. તેમણે ગંગા નદીમાં ડૂબકી લગાવી હતી. તેમણે ગંગા નદીમાં સ્નાન કર્યા પછી પૂજન કર્યું હતું. આ દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સમગ્ર ઘાટ એસપીજીને સોંપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.