Abtak Media Google News

કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી એવા સૈફૂદ્દિન સોઝે પોતાના પુસ્તક વિમોચન વખતે દેશની આઝાદીના ઇતિહાસને તોડી મરોડીને રજુ કરી, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ વિશે પાયાવિહોણા-જુઠ્ઠા નિવેદનો કર્યા તેની સામે ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા બુધવારે અમદાવાદ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજે ભાજપ દ્વારા રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

Advertisement

ભાજપના પ્રદેશ અધ્યક્ષ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, અખંડ ભારતના શિલ્પી અને લોહપુરૂષ સરદાર સાહેબ પાકિસ્તાનને કાશ્મીર સોંપી દેવા માંગતા હતા તેવું પાયાવિહોણું નિવેદન કરીને કોંગ્રેસના પૂર્વ જળસંશાધન મંત્રી સૈફૂદ્દિન સોઝે સમગ્ર ગુજરાત અને દેશની જનતાનું અપમાન કર્યુ છે.

અહેમદ પટેલના ૨૦૧૯ની ચૂંટણી અંગેના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં વાઘાણીએ જણાવ્યુ હતુ કે, સોનીયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલને મારે કહેવું છે કે, દેશની ચૂંટણી જીતવાની તો વાત જવા દો, પરંતુ ભરૂચ લોકસભા, વિધાનસભા કે ભરૂચ નગરપાલિકાની ચૂંટણી પણ જીતાડી શકવાની ક્ષમતા ન ધરાવનારાઓ દેશના લોકપ્રિય વડાપ્રધાન તેમજ વૈશ્વિક નેતા નરેન્દ્રભાઇ મોદીને હરાવવાની વાતો કરે તે હાસ્યાસ્પદ છે. લોકકલ્યાણકારી નીતિઓ, પ્રજાભિમૂખ શાસન અને દેશની જનતાના આશીર્વાદી ૨૦૧૯ લોકસભા ચૂંટણીઓમાં પણ પુન: ભાજપાનો ભવ્ય વિજય થશે અને નરેન્દ્રભાઇ મોદી દેશની વિકાસયાત્રા આગળ વધારશે તે નિશ્ચિત છે.

આજના આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને કર્ણાવતી મહાનગરના પ્રભારી આઇ.કે.જાડેજા, ઝોન મહામંત્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા સહિત સંસદસભ્યો, ધારાસભ્યો, કોર્પોરેટરો, મહાનગરના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. ઉપસ્તિ સૌ કાર્યકરોએ નીચે મુજબના નારાઓ દ્વારા આક્રોશ વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.