Abtak Media Google News

કલેકટર કચેરી દ્વારા કામ અંગે નિયમિત લેવાતો રિવ્યૂ, હાઇવે ઓથોરિટીને પણ ગતિમાં કામ કરવાનું સૂચન

અબતક, રાજકોટરાજકોટ-અમદાવાદ હાઇ-વે પર ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતના બનાવો વધી ગયા હતા. જેથી આ માર્ગને ચારમાંથી છ માર્ગીય કરવાની જરૂરિયાત વધી ગઇ હતી. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સૌરાષ્ટ્રના આ મુખ્ય રસ્તાને સિક્સલેન કરવા મંજૂરી મળતા કામ શરૂ કરવામાં આવ્યું હતુ. હવે આ કામ વહેલાસર પૂર્ણ થાય તે માટે કલેકટર તંત્રએ કવાયત હાથ ધરી છે.

અમદાવાદ-બામણબોર-રાજકોટ માર્ગને રૂ. 3488 કરોડના ખર્ચે સિક્સલેન કરવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. રોડના બાંધકામનો ખર્ચ અંદાજિત રૂ.2638 કરોડ થશે.કન્ટીજન્‍સી સહિત જમીન સંપાદન વગેરે મળી રૂ.3488 કરોડનો ખર્ચ કરાશે. આ હાઈ-વેનું કામ અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગયું હોત. પણ કોરોના નડી જતા આ કાર્યમાં બ્રેક આવી હતી.

આ સિક્સલેનમાં રાજકોટ જિલ્લાની સરહદમાં આવતા ગામોમાં જમીન સંપાદનની કાર્યવાહી પણ સુપેરે પૂર્ણ કરી દેવામાં આવી છે. આ કામગીરી સિટી-2 પ્રાંત ચરણસિંહ ગોહિલ દ્રારા કરવામાં આવી હતી. સિક્સ લેન હાઇવેના કામ અંગે કલેકટર તંત્ર દ્વારા નિયમિત રિવ્યુ લેવામાં આવે છે. ઉપરાંત હાઇવે ઓથોરિટીને પણ ગતિમાં કામ કરવાનું સૂચન પણ આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ રાજકોટ હાઇવેને સિક્સલેન કરવાનું કામ પૂર્ણ થયે પરિવહન ખૂબ સરળ બનશે. સૌરાષ્ટ્રને અમદાવાદ તથા પાટનગર ગાંધીનગરને જોડતા આ સિક્સલેન રોડથી લોકોને ખૂબ સરળતા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.