Abtak Media Google News

લોકોમાં રોષ: યોગ્ય ન થાય તો આંદોલનના ભણકારા

ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામને છેલ્લા એક વર્ષ થયા એસ.ટી.બસ નિગમ દ્વારા ઓરમાયું વર્તન કરતા 25 હજારની વસ્તી ધરાવતા ભાયાવદર ગામના લોકોમાં રોષ ફેલાયો છે. જો યોગ્ય નહિ થાય તો લોકોમાં આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. આ બાબતે ધારાસભ્ અને સાંસદ સભ્યો પ્રજાના પ્રશ્ર્ને આગળ આવવું જોઇએ તેવી પ્રજાની માંગણી છે.

Advertisement

તાલુકામાં સૌથી વધુ વસ્તી ધરાવતું અને આગામી સમયમાં તાલુકાની બુલંદ માંગ સાથે રાજ્ય સરકાર સામે માંગ ઉઠાવનાર ભાયાવદર ગામને એસ.ટી. નિગમ દ્વારા કોરોના સમય પછી ઓરમાયું વર્તન કરતા લોકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે અને ચૂંટાયેલા જન પ્રતિનિધીઓ આ બાબતે આગળ આવે તેવું જનતા ઇચ્છી રહી છે. ભાયાવદર શહેરમાં 25 હજારની વસ્તી ધરાવતું તાલુકામાં સૌથી મોટું શહેર છે.

આ ગામના વિદ્યાર્થીઓ વેપારીઓ અને ગ્રામજનોને ઉચ્ચ અભ્યાસ, ખરીદી અને મોટા દવાખાનાના કામ માટે જૂનાગઢ તેમજ રાજકોટ જવું પડતું હોય છે. છેલ્લા બાવીસ વર્ષ થયા ઢાંક ગામથી વાયા ભાયાવદરથી જૂનાગઢ એસ.ટી.બસ ચાલતી હતી પણ કોરોના કાળમાં એસ.ટી. દ્વારા બસો બંધ કરાઇ હતી ત્યારબાદ સમગ્ર રાજ્યમાં એસ.ટી. બસ સ્ટેન્ડો ધમધમતા થઇ ગયા છે પણ ભાયાવદર ગામમાં 22 વર્ષ થયા ચાલતો એસ.ટી.નો રૂટ બંધ કરી દેવાતા લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે.

જ્યારે ભાયાવદરથી રાજકોટ જવા માટે 15 વર્ષથી વાયા ટીંબડી થઇને રાજકોટ લોકલ બસ મળતી હતી તે બપોર 3.30 કલાકે ભાયાવદરથી વાયા ટીંબડી થઇ રાજકોટ જવા માટે મળતી હતી તે બસ બંધ કરી દેવાતા લોકોને ડબલ ભાડા આપી ટ્રાવેલ્સમાં મુસાફરી કરવાનો ફરજીયાત વારો આવ્યો છે. ભાયાવદરના વિદ્યાર્થીઓ, વેપારીઓ અને મોટા દર્દના દર્દીઓને રાજકોટ કે જૂનાગઢ જવું હવે ખૂબ જ મુશ્કેલને ખર્ચાળ થઇ ગયું છે. સવારે ઢાંકથી આવતી બસ વાયા ઉપલેટા થઇ જૂનાગઢ જતી હતી તે બસ બંધ થઇ જતા લોકોને ફરજીયાત ઉપલેટા બસ બદલવી પડે છે. આને કારણે દર્દીઓ અને વિદ્યાર્થીઓને પારવાર મુશ્કેલી ભોગવવી પડે છે. જ્યારે ભાયાવદરથી રાજકોટ જવા માટે સવારે અને બપોરે બે લોકલ બસ ટ્રાવેલ્સમાં ડબલ ભાડા આપી મુસાફરી કરી રહ્યા છે. ભાયાવદર-રાજકોટ બસનું લોકલ ભાડું 60 રૂપિયા છે જ્યારે ભાયાવદર-રાજકોટ ટ્રાવેલ્સમાં જવા માટે 130 રૂપિયા લોકો ચૂકવી રહ્યા છે. નમાલી નેતાગીરીને કારણે લોકો આજે ડબલ ભાડા આપી મુશ્કેલી ભોગવી રહ્યા છે.

એસ.ટી. વિભાગ દ્વારા ભાયાવદર ગામ માટે શા માટે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે. તે એક ચર્ચાનો વિષય છે. એસ.ટી. વિભાગને આટલેથી સંતોષ ન હોય તેમ સવારે 6.15 ઉપલેટા-વડાળી, બપોરે 12 વાગે ઉપલેટા-મોજ ખીજડીયા, બપોરે 3.45 કલાકે ઉપલેટા-માત્રાવડ, 4 વાગે ઉપલેટા-બરડીયા અને 5.46 સે ઉપડતી ઉપલેટા છતર ગામની બસો પણ બંધ કરી દેવાતા ભાયાવદરના ગામના લોકોને હાલાર પંથકમાં જવા માટે સાવ પાબંધી કરી દેવામાં આવી છે. તેવી રીતે ભાયાવદરથી હાલારના 20 જેટલા ગામોના નાના વેપારીઓ અને વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હતા.  તેઓ આ બસો બંધ થવાથી ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.

લોક આંદોલનના ભણકારા

એસ.ટી. તંત્ર દ્વારા ભાયાવદર ગામને ઓરમાયું વર્તન કરતા ગામના આગેવાનો અને વેપારીમાં રોષ જોવા મળી રહ્યો છે. ગમે ત્યારે આ રોષ બહાર આવી આંદોલનના મંડાણમાં ફેરવાઇ જાય તો નવાઇ નહિ.

એસ.ટી. અને ટ્રાવેલ્સ સંચાલકોની મિલીભગત?

લોકોમાં એવી ચર્ચા ઉઠવા પામી છે. ભાયાવદર વાયા ટીંબડી રાજકોટ લોકલ બસને પૂરતો ટ્રાફીક મળવા છતા શા કારણે આ રૂટ બંધ કરી દેવામાં આવી છે. આ રૂટ બંધ થવાથી લોકોએ 60ના બદલે 130 રૂપિયા ભાડું ચૂકવાની ફરજ પડી રહી છે ત્યારે એસ.ટી. અને ટ્રાવેલ્સ સંચાલકોની મિલી ભગત તો નહિં હોય ને?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.