Abtak Media Google News

પરિસ્થિતિ સુધરે પછી કાશ્મીર અને ધર્મના મુદ્દે પોતાના મત જાહેર કરે તે યોગ્ય

પાકિસ્તાનની હાલત અત્યારે એટલી ખરાબ છે કે ત્યાંના લોકોને બે ટંક ખાવાના પણ વાંધા પડી ગયા છે. તેવામાં પાકિસ્તાન હજુ પણ કાશ્મીર અને ધર્મના મુદ્દે ભારત સાથે શાબ્દિક રિતે ભીડવાના પ્રયાસો કરી રહ્યું છે. ખરેખર પાકિસ્તાને હવે પોતાના દેશની સ્થિતિ સુધારવા ઉપર જ ધ્યાન આપવું જોઈએ.

પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પાકિસ્તાન પહોંચતા જ અસલ રંગ દેખાડવાનું શરૂ કરી દીધુ છે. તેઓ શાંઘાઈ સહયોગ સંગઠનના વિદેશમંત્રીઓની બે દિવસની બેઠકમાં સામેલ થવા માટે ગુરુવારે ભારત પહોંચ્યા હતા. બિલાવલે કહ્યું કે તેમણે સભ્ય દેશો સામે કાશ્મીર  પર સૈદ્ધાંતિક સ્થિતિ રજૂ કરી. કાશ્મીર પર અમારા વલણમાં કોઈ ફેરફાર આવ્યો નથી. જ્યાં સુધી ભારત પોતાનો એકતરફી નિર્ણય પાછો ન લે ત્યાં સુધી વાત બનશે નહીં. અત્રે જણાવવાનું કે ઓગસ્ટ 2019માં ભારત દ્વારા જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો લેવાયો અને રાજ્યના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાના નિર્ણય બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં ખુબ અંતર આવી ગયું.

બિલાવલ ભુટ્ટોએ વિદેશમંત્રી એસ જયશંકર ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ભારતીય મંત્રી બીજેપીની ભાવનાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા જે મુસલમાનો વિરુદ્ધ નીતિઓને પ્રોત્સાહન આપે છે અને કહ્યું કે ભારતીય સત્તાધારી પાર્ટી અને આરએસએસ મને અને દરેક પાકિસ્તાનીને ’આતંકવાદી’ જાહેર કરવા માંગે છે.

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે ગોવામાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને અરીસો બતાવતા વિદેશ મંત્રીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હતો, છે અને રહેશે. દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જેમ જમ્મુ-કાશ્મીરમાં પણ જી-20ની બેઠકો થઈ રહી છે, તેમાં કંઈ અસામાન્ય નથી.

તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાન-ચીન કોરિડોરને લઈને એસસીઓની બેઠકમાં એક કે બે વાર સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે વિકાસ માટે કનેક્ટિવિટી જરૂરી છે. એસસીઓની બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, એસસીઓ સભ્ય દેશના વિદેશ મંત્રી તરીકે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી સાથે અન્ય સભ્ય દેશોના વિદેશ મંત્રી જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો. પરંતુ આતંકવાદના પ્રમોટર, સંરક્ષક અને પ્રવક્તા તરીકે તેમની પોઝિશનનો વિરોધ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.