Abtak Media Google News

ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન બાદ રાજકોટના વિકાસ માર્ગ પર જાણી જોઇને સ્પીડ બ્રેકર ઉભા કરવામાં આવી રહ્યા છે?

  • નવી સરકારે આઠ માસમાં રાજકોટની માત્ર એક જ ડ્રાફ્ટ ટીપી સ્કીમને બહાલી આપી: આવાસ યોજના માટે 187 કરોડના લક્ષ્યાંક સામે માત્ર 27 કરોડની ગ્રાન્ટ ફાળવાય: જન ભાગીદારીના કામો માટેની ગ્રાન્ટ ફાળવવામાં પણ સરકારની ભેદી ઢીલ
  • શાસકો છાશવારે ખોળો પાથરે છે પણ સરકાર માત્ર આશ્ર્વાસન આપે છે: રાજકોટ સાથે આવા વર્તન પાછળ માસ્ટર માઇન્ડ કોણ?

મુખ્યમંત્રી તરીકે વિજયભાઇ રૂપાણીના પાંચ વર્ષના કાર્યકાળમાં રાજકોટનો અદ્વિતીય વિકાસ થયો હતો. એઇમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બસ પોર્ટ, રેસકોર્ષ-2 સહિતના અનેકાનેક પ્રોજેક્ટ મળતા સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટનો વિકાસ સાતમા આસમાને પહોંચ્યો હતો. આકાશમાં એક સ્થિર ચગી રહેલા રાજકોટના વિકાસના પતંગને કાંપવા કોઇ ભુંકી રીતે સક્રિય થયું હોવાની શંકા ઉભી થઇ રહી છે. રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન બાદ છેલ્લા આઠ માસમાં રાજકોટને “સરકાર” દ્વારા ભારોભાર અન્યાય કરવામાં આવી રહ્યો છે. એકમાત્ર નર્મદાના નીર ફાળવવા સિવાય શહેરનું ભલુ થાય તેવું એકપણ કામ વર્તમાન સરકાર દ્વારા કરવામાં આવ્યુ નથી.

ગત સપ્ટેમ્બર માસમાં ભાજપ દ્વારા ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનનો શંખ ફૂંકવામાં આવ્યો હતો બસ આ દિવસથી વિકાસના માર્ગ પર પુરપાટે દોડી રહેલા રાજકોટની માઠી બેસી ગઇ હતી. છેલ્લા આઠ માસથી શહેરનો વિકાસ અટકી ગયો છે તેવું કહેવામાં આવે તો પણ જરા અમથી પણ અતિશિયોક્તિ નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા રાજ્યનો વણથંભ્યો વિકાસ અવિતરત ચાલતો રહે તે માટે ધડાધડ ટાઉન પ્લાનીંગ સ્કીમોને બહાલી આપવામાં આવી રહી છે.

રાજ્યના તમામ શહેરની પેન્ડિંગ ટીપી સ્કીમો ધડાધડ મંજૂર થઇ રહી છે. પરંતુ છેલ્લા આઠ માસમાં રાજ્ય સરકાર દ્વારા રાજકોટની માત્ર એક જ ડ્રાફ્ટ ટીપી સ્કીમને મંજૂર કરવામાં આવી છે. સરકારમાં આજની તારીખે રાજકોટની 22 ટીપી સ્કીમો પેન્ડિંગ છે. આઠ માસમાં માત્ર એક જ ટીપી સ્કીમને બહાલી આપવી તે સાબિત કરે છે કે રાજ્યની વર્તમાન સરકાર રાજકોટ સાથે કેટલુ ઓરમાયુ વર્તન દાખવી રહી છે.

વર્ષ-2021-22ના વર્ષમાં આવાસ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ મહાનગર પાલિકાને રૂા.187 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે તેવો લક્ષ્યાંક બજેટમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ સરકાર દ્વારા માત્ર 27 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવાસ માટે ફાળવવામાં આવી રિવાઇઝડ લક્ષ્યાંક 41 કરોડનો કરી નાંખવામાં આવ્યો છતા સરકાર આ આંકડા સુધી પણ ન પહોંચી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ-2022 અર્થાત ચાલુ સાલના અંત સુધીમાં ઘર વિહોણા તમામ નાગરિકોને ઘરનું ઘર મળી રહે તેવો સંકલ્પ કરવામાં આવ્યો છે. ગુજરાત અને ખાસ કરીને રાજકોટમાં પીએમનો આ સંકલ્પ અધૂરો રહે તે માટે ખૂદ રાજ્ય સરકારે જ મન બનાવી લીધુ હોય તેવું દેખાય રહ્યુ છે.

ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે હાલ રાજકોટમાં વેસ્ટ ઝોન વિસ્તારમાં અલગ-અલગ ચાર સ્થળોએ 241 કરોડના ખર્ચે ઓવરબ્રિજ અને મલ્ટીલેવલ બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા 237 કરોડ રૂપિયાની ગ્રાન્ટ અલગ-અલગ યોજના હેઠળ આપવાની થાય છે. સરકાર દ્વારા બ્રિજ માટે અત્યાર સુધીમાં માત્ર 70 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. રાજ્યના તમામ શહેરોને એક સમાન વિકાસ થાય કોઇને અન્યાય ન થાય તેની ખેવના કરવાની જવાબદારી સરકારના શીરે રહેલી છે. ગુજરાતની આઠ માસ જૂની પટેલ સરકાર રાજકોટ સાથે ભારોભાર અન્યાય કરી રહી છે અને પુરપાટ ઝડપે દોડતા રાજકોટના વિકાસની આડે સ્પીડ બ્રેકરો ઉભા કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.