Abtak Media Google News

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સેક્રેટરી હિમાંશુ શાહ, ધારાસભ્ય રિવાબા જાડેજા સહિત આગેવાનો રહ્યા હાજર

સમગ્ર ક્રિકેટ જગતમાં જામનગરનું નામ રોશન કરનાર અર્જુન એવોર્ડથી સન્માનિત મહાન ઓલ રાઉન્ડર ક્રિકેટ ખેલાડી સલીમભાઈ દુરાનીનું તાજેતરમા  નિધન થયું હતું. તેમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ બંગલાના મેદાનમા ગત તાં. 6 નાં  યોજાયો હતો. આ શ્રદ્ધાંજલિ સભામાં સલીમભાઈ દુરાનીના ભત્રીજા, અન્ય પરિવારજનો તેમજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સેક્રેટરી હિમાન્શુભાઈ શાહ, નગરના  આગેવાનો, પૂર્વ ક્રિકેટ ખેલાડીઓ, સલીમભાઈના નિકટવર્ત મિત્રો, યુવા-ક્રિકેટ ખેલાડીઓ અને ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. સભાના આરંભે પૂર્વ રણજી ખેલાડી ચંદ્રશેખર બક્ષી એ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. ના શોક સંદેશાનું વાચન કરી સલીમભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Img 20230408 Wa0006

આ શ્રદ્ધાંજલિ સભામાં ભારતના ખ્યાતનામ ક્રિકેટ ખેલાડી અને જામનગરનું ગૌરવ એવા રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની અને જામનગરનાં  ધારાસભ્ય રિવાબા જાડેજા, જામનગરના જાણીતા તબીબ પદ્મશ્રી  ડો. કે.એમ. આચાર્ય, હિમાન્શુભાઈ શાહ, પૂર્વ ડે. મેયર પ્રવિણભાઈ માડમ, પી.સી. વાણીયા તથા જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસો. ના પ્રમુખ અજયભાઈ સ્વાદીયાએ પ્રાસંગિક પ્રવચન કરી સલીમભાઈ દુરાનીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સભામાં જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ના વિનુભાઈ ધ્રુવ, ભરતસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચૌહાણ, કે.સી. મહેતા તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. સલીમભાઈના અંતગમિત્ર અને પૂર્વ ક્રિકેટર વામનભાઈ જાની ની તબીયત નાદુરસ્ત હોવા છતાં હાજર રહ્યા હતાં.

વિનુ માંકડ-સલીમ દુરાની દોસ્તીની અનોખી ગાથા

જામનગરનું ક્રિકેટ વિશ્વમાં નામ ગૌરવવંતુ કરનાર વિનુ માંકડ અને સલીમભાઈ વચ્ચેનું એટચમેન્ટ સતત જળવાયેલું રહ્યું હતું. વિનુભાઈ માંકડના નિધન પછી જામનગર મહાનગર પાલિકાના તત્કાલિન કોર્પોરેટર સોમચંદભાઈ શાહે સૌપ્રથમ વખત વિનુ માંકડનું સ્ટેચ્યુ મૂકવાની દરખાસ્ત કરી હતી. તે વખતના મનપાની સાંસ્કૃતિક અને રમતગમત સમિતિના ચેરમેન વિનુભાઈ ધ્રુવે જનરલ બોર્ડમાં આ મુદ્દો રજુ કર્યો હતો. તત્કાલિન મ્યુનિ. કમિશ્નર પ્રદીપ શર્માએ વિનુ માંકડનું સ્ટેચ્યુ મૂકવા તૈયારી દર્શાવી હતી.

સલીમભાઈ દુરાનીએ આ બાબતમાં ખૂબ જ અંગત રસ લઈ મ્યુનિ. કમિશ્નરને મળી ક્રિકેટ બંગલા પાસે જ વિનુ માંકડની પ્રતિમા મૂકવા ભાર પૂર્વક ભલામણ કરી હતી. અમદાવાદના શિલ્પીબેનને સ્ટેચ્યુ બનાવવાનું કામ સોંપાયુ ત્યારે વિનુભાઈ ધ્રુવ, સલીમભાઈ દુરાની અને કોર્પોરેટર પ્રવિણભાઈ માડમ રૂ અમદાવાદ ગયા હતા અને સુધારા સૂચવ્યા હતાં.

જામનગરની નાગર જ્ઞાતિના આગેવાનોએ પણ વિનુ માંકડની પ્રતિમા મૂકવા રજુઆત કરી હતી અને અંતે વર્ષ ર006 માં જામનગરમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.