મંગળ ગ્રહ પરનું કાયમી સરનામું

આપણાં સરનામાના અંતે આપણે રાજ્ય અને દેશ વર્ણવીએ છીએ પરંતુ એ સમય પણ આવવાનો છે જ્યારે આપણે દેશ સાથે ગ્રહનું નામ પણ લખવું પડશે

ટારડીગ્રેડસ નામના જનીન શૂન્યાવકાશમાં પણ રહી શકે છે: જો આ જનીનદ્રવ્યથી મનુષ્યને શૂન્યાવકાશ માટે અનુકૂળ બનાવી શકાય તો આપણે કોઈ પણ ગ્રહમાં વસવા અનુકૂળ બની શકીએ

એવું કહેવાય છે કે પૃથ્વી નો છેડો એટલે ઘર. લાખો કે કદાચ કરોડો વર્ષો થી પૃથ્વી પર મનુષ્ય ની વસાહત વસેલી છે. હજુ સુધી આપણે મનુષ્ય ના સાચા ઉદ્ભવ વિશે જાણી શક્યા નથી. સમગ્ર સૌર મંડળ માં ફક્ત પૃથ્વી જ એવો ગ્રહ છે જેમાં મનુષ્ય ને વસવા માટે અનુકૂળ સંજોગો અને વાતાવરણ ઉપલબ્ધ છે. વર્ષો થી મનુષ્ય ના મન માં એ પ્રશ્ન થતો જ રહ્યો છે કે શા માટે ફક્ત પૃથ્વી જ મનુષ્ય ના વસવાટ માટે અનુકૂળ છે?

આજ થી લગભગ ૭-૮ દાયકાઓ પહેલા મનુષ્ય નું પૃથ્વી ની બહાર જવું એ એક કાલ્પનિક વાર્તા માત્ર હતી. આજે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માં મનુષ્ય પૃથ્વી ની બહાર લાંબા સમય સુધી વસી શકે છે. ચંદ્ર પર મનુષ્ય પગલાં પાડી ચૂક્યો છે. સંખ્યાબંધ ઉપકરણો અવકાશી સમુદ્ર માં રહસ્ય નું મોતી શોધી રહ્યા છે.

અસંખ્ય તારાઓ તથા ગ્રહો થી ખચોખચ ભરેલ બ્રહ્માંડ  ફક્ત એક જ જીવન વસવાટ ધરાવે એ થોડું શંકાસ્પદ છે. જો પૃથ્વી જીવન ધારણ કરી રહી છે તો એવા બીજા ઘણા ગ્રહો હોવા જ જોઈએ જ્યાં જીવન શક્ય છે. આ સાથે એ પણ સંભવિત છે કે કોઈ દૂરના ગ્રહ મંડળ પર વર્તમાન સમય માં દુનિયા વસેલી હોય શકે. દાયકાઓ પહેલાના કાલ્પનિક અવકાશયાત્રી આજે વાસ્તવિક સમાચાર બન્યા છે. જો એ કલ્પના શક્ય બની છે તો પરગ્રહ પર વસવાટ અથવા પરગ્રહવાસીઓ સાથે મુલાકાત પણ હકીકત નું રોચક સ્વરૂપ લઈ શકે.

ફરી એક વખત એ જ પ્રશ્ન કે શા માટે પૃથ્વી જ જીવન ના વસવાટ માટે અનુકૂળ છે? શું કોઈ બીજા ગ્રહ પર જીવન શક્ય છે? જવાબ આપવા વર્તમાન સમય માં નાસા તથા સ્પેસએક્સ ૨૦૩૦ સુધી માં મંગળ પર માનવતા ના પગલાં પાડવા કાર્યરત છે. મંગળ ગ્રહ પર વર્ષો થી સંશોધન થઈ રહ્યા છે. તેના વાતાવરણ તથા બંધારણ વિશે આપણે ખાસ્સો એવો અભ્યાસ કરી શક્યા છીએ. મંગળ ગ્રહ પર ના અતિ ઠંડા અને કિર્ણોસ્તર્ગી વાતાવરણ માં મનુષ્ય રહી જ ન શકે. પરંતુ તેમ છતાં સૌર મંડળ ના બીજા ગ્રહો કરતાં મંગળ પૃથ્વી થી સૌથી વધુ સામ્યતા ધરાવે છે.

મંગળ ગ્રહ નું પૃથ્વીકરણ કે પછી મનુષ્ય નું હાઇબ્રિડ વર્ઝન?

આપણાં સરનામા ના અંતે આપણે રાજ્ય અને દેશ વર્ણવીએ છીએ. પરંતુ એ સમય પણ આવવાનો છે જ્યારે આપણે દેશ સાથે ગ્રહ નું નામ પણ લખવું પડશે. પૃથ્વી નો છેડો ઘર બોલવા વાળા લોકો દૂર ના ભવિષ્યમાં મંગળ નો છેડો ઘર એવું પણ બોલી શકે! જે ગતિ થી સ્પેસ ટ્રાવેલ તથા પરગ્રહ વસાહતો પર સંશોધન થઈ રહ્યા છે તે ગતિ થી આપણાં સરનામા માં કંટ્રી વાળા બોક્સ સાથે હવે ગ્રહ દર્શાવતુ બોક્સ પણ આવી જાય એમાં નવાઈ નથી. આ વાત હવે કોઈ કાલ્પનિક કથા નો ભાગ નથી.

મંગળ ગ્રહ પર ના પ્રતિકૂળ વાતાવરણ માં વસાહત બાંધવા માટે ત્રણ રસ્તાઓ છે. એક તો મંગળ ના વાતાવરણ ને મનુષ્ય માટે અનુકૂળ બનાવવું. બીજું, એવી વસાહતો બનાવવી કે જે મંગળ ના વાતાવરણ માં આપણને રહેવા માટે અનુકૂળતા પૂરી પાડે. આ સાથે આ લાલ ગ્રહ ને આપણાં માટે અનુકૂળ બનાવવા કરતાં મનુષ્ય ને ત્યાં રહેવા અનુરૂપ બનાવવાનો પણ એક વિકલ્પ છે.

પહેલા વિકલ્પ ને થોડું વિસ્તૃત રીતે જોઈએ તો વિવિધ જૈવિક ઉર્જા ના ઉત્પાદન થી મંગળ ગ્રહ પર ઓક્સિજન નું પ્રમાણ વધારી શકાય. આ સાથે વિવિધ ગ્રીન હાઉસ ગેસ(એવા વાયુઓ જે વાતાવરણ માં તાપમાન નો વધારો કરે છે) મંગળ ગ્રહ ના અતિ નીચા તાપમાન નો પારો મનુષ્ય માટે અનુકૂળ બનાવી શકે. ક્લોરોફ્લોરોકાર્બન એવા ગ્રીન હાઉસ વાયુઓ છે જે આ કામ પાર પાડી શકે. પરંતુ ક્રિસ્ટોફર પી મેકેય ના એક સંશોધનપત્ર મુજબ આ પ્રક્રિયા માં ૧૦૦,૦૦૦ વર્ષ લાગી શકે! આ પ્રક્રિયા મંગળ પર નદીઓ તથા સમુદ્ર ને વહેતા કરી શકે. વધુ માં આપણી પૃથ્વી ની જેમ વાતાવરણ નું સ્તર બનતા હજુ બીજા લાખો વર્ષ લાગી શકે! મંગળ ગ્રહ પાસે ઓઝોન જેવા વાયુઓ નું સ્તર છે જ નહીં જે આપણને સૂર્ય ના અલ્ટ્રાવાયોલેટ કિરણો થી બચત આપે. એક આશંકા એવી પણ છે કે જો જૈવિકવિજ્ઞાન વિના મંગળ ગ્રહ પર રહેલા પુષ્કળ કાર્બન ડાયોક્સાઈડ ને ઓક્સિજન માં રૂપાંતરિત કરી શકાય તો આ સમય ૧૦૦૦૦ વર્ષ સુધી ઘટી જાય. મંગળ ગ્રહ ના પૃથ્વીકરણ પ્રક્રિયા ની શરૂઆત આર્કટિક અને અલ્પાઈન તુન્દ્ર ઈકો સિસ્ટમ ના ઉદભવ થી થશે.

મંગળ ગ્રહ ને પૃથ્વી જેવા ગ્રહ માં પરિવર્તિત કરવાની આ લાખો વર્ષ ની પ્રક્રિયા જો ટૂંકી કરવી હોય તો એવી વસાહતો બનાવવી પડશે જે આપણને મંગળ ગ્રહ ના પ્રતિકૂળ વાતાવરણ થી રક્ષણ આપે. આ માટે નાસા દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ મુજબ મંગળ ગ્રહ ના વિષુવવૃત પર પાણી નું બરફ સ્વરૂપ જેવી સામ્ય સપાટી હોવાનું અનુમાન છે. હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા પણ મંગળ ગ્રહ પર વસવાટ માટે સંશોધન કરાયું હતું. આ મુજબ એરોજેલ નામના એક પદાર્થ થી મંગળ ગ્રહ પર એવી વસાહત બનાવી શકાય જે ત્યાં ના તાપમાન અને વિકરણ થી આપણું રક્ષણ કરી શકે. એરોજેલ એક એવો પદાર્થ છે ૯૯ ટકા વાયુ સ્વરૂપ ધરાવે છે. આ પદાર્થ ઉષ્મા અને સૂર્ય ના અલ્ટ્રાવાયોલેટ કિરણો ને રોકી શકે છે. જો મંગળ ગ્રહ પરની વસાહત આ પદાર્થ થી ઢંકાયેલ હોય તો ત્યાં પૃથ્વી ની જેમ દરેક જૈવિક પ્રક્રિયાઓ શક્ય બની શકે. જે વિષુવવૃત પર બરફ સામ્ય સપાટી મળી છે ત્યાં એરોજેલ ના અવાહક પડ થી ઢાંકી દેવામાં આવે તો આ બરફ પાણી માં પરિવર્તિત કરી શકાય. આ સાથે ઓક્સિજન, ઓઝોન અને બીજા જરૂરી વાયુઓ ની પણ ઉત્પત્તિ થઈ શકે.

મનુષ્ય જૈવિક વિજ્ઞાન માં ખૂબ જ વિકાસ કરી ચૂક્યો છે. જેનેટિક એંજીન્યરિંગ ના માધ્યમ થી હવે મનુષ્ય ના બંધારણ માં પણ ફેરફાર કરવા અથવા અલગ અલગ પ્રકાર ના સજીવો ઉત્પન્ન કરવા શક્ય બની રહ્યા છે. આ જ વિજ્ઞાન જો મનુષ્ય ને મંગળ પર જીવિત રહેવા સક્ષમ બનાવી શકે તો આપણે બહુગ્રહ વાસી બની શકીએ. ટારડીગ્રેડસ નામના જનીન શૂન્યાવકાશ માં પણ રહી શકે છે. જો આ જનીનદ્રવ્ય થી મનુષ્ય ને શૂન્યાવકાશ માટે અનુકૂળ બનાવી શકાય તો આપણે કોઈ પણ ગ્રહ માં વસવા અનુકૂળ બની શકીએ. ઘણા એવા કિરણોત્સર્ગપ્રતિકારક બેક્ટેરિયા છે જે આપણને મંગળ ગ્રહ પર રહેલા કિરણોત્સર્ગ થી બચાવી શકે.

મંગળ ગ્રહ પર વસવાટ વિકસાવની આ યોજના ખૂબ જ લાંબા સમય બાદ જ સફળ થઈ શકે. સૌપ્રથમ મંગળ ગ્રહ પર ખૂબ જ ઝડપ થી પહોંચવા માટે આધુનિક વાહન આપણી પાસે નથી. ત્યાં વસવાટ કરવા જંગી પ્રણાલીઓ નું સ્થાનાંતર કરવું અતિ મુશ્કેલ કામ છે. આ કારણે આપણે મંગળ ગ્રહ પર જ ઉર્જા ના તથા જરૂરી પદાર્થો ના ઉત્પાદન ની પ્રક્રિયા કરવી પડશે. સંખ્યાબંધ પ્રયોગો આ દિશા માં કાર્યરત છે.

પૃથ્વી પર લાખો વર્ષો થી વિકસી રહેલ જીવન ને મંગળ પર સ્થિત થવા માં કેટલો સમય લાગશે એ ચોક્કસપણે કહી શકાય એમ નથી. પરંતુ જો વિજ્ઞાન થી દૂર એક સંસ્કૃતિ ના માધ્યમ થી જોઈએ તો જેમ પૃથ્વી પર એક મનુષ્ય સંસ્કૃતિ વસી છે તેમ મંગળ ગ્રહ પર પણ એક નવી સંસ્કૃતિ નું નિર્માણ થઈ શકશે. જો મંગળ ગ્રહ ને પૃથ્વી નો જોડિયો ભાઈ બનાવવા નું જ કામ કરવાનું હોય તો એ ફક્ત મનુષ્ય નું સામ્રાજ્ય વિસ્તરણ હશે. પરંતુ જો મનુષ્ય બહુગ્રહ વાસી બનવા સાથે નવી સંસ્કૃતિ નું નિર્માણ કરશે તો એ સાશક ની જગ્યાએ સૃષ્ટિકર્તા બની શકશે. અત્યાર સુધી આપણે વિજ્ઞાન ના માધ્યમ થી ગ્રહો પર મનુષ્ય ના વસવાટ માટે ની આશંકાઓ તપાસી છે. પરંતુ કોઈ સંશોધન મંગળ ગ્રહ પર કદાચ લાખો વર્ષ પહેલા વિનાશ પામી ગયેલ સંસ્કૃતિ વિશે અવલોકન કરતું નથી.

જો બ્રહ્માંડ ના બધા જ ગ્રહો ને પૃથ્વી જ બનાવી દેવા હોય તો એ માનવજાતિ ના વિકાસ કરતાં સાશન વધુ ગણાશે. પરંતુ જો બ્રહ્માંડ ના અલગ ગ્રહો પર સંસ્કૃતિ નો વિકાસ કરવામાં આવશે તો એક નવા વિવિધતાસભર બ્રહ્માંડ નું નિર્માણ થશે.

તથ્ય કોર્નર

  • મંગળ ગ્રહ નું ક્ષેત્રફળ ૧૪૪.૮ મિલિયન સ્કવેર કિલોમીટર છે.
  • મંગળ ગ્રહ પર દર કલાક ૩૦ માઇક્રો સિવેર્ટ જેટલું રેડીએશન નું પ્રમાણ હોય ચ્હે જ્યારે મનુષ્ય આખા વર્ષ માં ૫૦ મિલીસિવેર્ટ કરતાં વધારે રેડીએશન સહન કરી શકતો નથી.
  • મંગળ ગ્રહ પર તાપમાન -૮૧ ડિગ્રી ફેરનહિટ જેટલું હોય છે.
Loading...