Abtak Media Google News

જામનગરના સુભાષ શાક માર્કેટમાંથી એલસીબી અને એનસીબીએ મહારાષ્ટ્રના એક શખ્સને ચરસના પાંચ કિલોના જથ્થા સાથે પકડી પાડયો છે. અંદાજે પચ્ચાસ લાખની કિંમતનો ચરસનો જથ્થો ઝબ્બે લેવાયો છે.

જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારથી સાતરસ્તા વિસ્તારમાં આવેલા એક શખ્સ પાસે કેફી પદાર્થ હોવાની વિગતો મળતા એસપી સિંઘલની સુચનાથી એલસીબી પીઆઈ આર.એ. ડોડિયા તથા એન.સી.બી.ના ઓફિસર સુનિલ તથા અન્ય પોલીસ કાફલા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી તે દરમ્યાન મૂળ મહારાષ્ટ્રના પુનાનો વતની અરૃણ માંજરે નામનો શખ્સ પોલીસની ચકોર નજરમાં કેદ થયો હતો.

આ શખ્સને આંતરી લઈ તેની તલાશી લેવાતા તેના કબજામાંથી પાંચ કિ.ગ્રા. વજનનું ચરસ જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત પ૦ લાખ આકારવામાં આવે છે તે જથ્થો મળી આવતા આ શખ્સને અટકાયતમાં લઈ જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. એલસીબીએ હાલમાં આ શખ્સની ઘનિષ્ટ પૂછપરછ હાથ ધરી છે જેમાં એનસીબીની ટૂકડી પણ જોડાઈ છે. આટલા મોટા જથ્થામાં ચરસ ઝડપી લેવા અંગે એસપી સિંઘલે એલસીબી તથા એનસીબીની ટૂકડીને અભિનંદન પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.