Abtak Media Google News

સામાકાંઠા વિસ્તાર, ગ્રીનચોક, સો ઓરડી સહિતના વિસ્તારોમાં વિજતંત્રની લાપરવાહી છતી

૨૦ કલાકથી જીવતો વિજવાયર પડ્યો હોવા છતાં લાપરવાહ વિજતંત્ર સમારકામ નથી કરતી !

વરસાદના બે છાંટા પડતા જ મોરબીના લાપરવાહ પીજીવીસીએલ તંત્રની ઘોરબેડરકારી છતી થઈ છે અને વિજતંત્રને પાપે છેલ્લા ૨૦ કલાકથી મોરબીનો વીજપુરવઠો ખોરવાયો હોવા છતાં નિમ્ભર અધિકારીઓના પેટનું પાણી ન હલતા હવે લોકો રસ્તા ઉપર ઉતરી આવવા મજબૂર બન્યા છે.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ લબાડ, લાપરવાહ મોરબીના પીજીવીસીએલ તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના નામે દાઠીયા મારી કાગળ ઉપર જ કામગીરી દેખાડી દેતા વરસાદના બે છાંટા પડતા જ આળસુ વિજતંત્રની પોલ ખુલી ગઈ છે અને મોરબીના અનેક વિસ્તારોમાં ગઈકાલે રાત્રે અંધારપટ્ટ છવાયો હતો.

વધુમાં ગઈકાલે બપોરથી મોરબીના સામાકાંઠે સો – ઓરડી વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાઈ ગયા બાદ હજુ સુધી વિજતંત્ર ફોલ્ટ શોધી શકી નથી કે વીજપુરવઠો પૂર્વવત ન કરી શકતા લોકોને રાત ઉજાગર કરવા પડ્યા હતા.

ઉપરાંત મોડી રાત્રીના આ વિસ્તારમાં વરસાદી ઝાપટા બાદ જીવતો વિજવાયર તૂટી પડ્યો હોવાની ઘટના ઘટવા છતાં રાજશાહીમાં જીવતા પીજીવીસીએલના બાબુઓ આ વિજવાયરને રીપેર કરવા ન આવતા કોઈ નિર્દોષ પશુ કે માનવીનો ભોગ લેવાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

દરમીયાન સામાકાંઠા વિસ્તારની જેમ જ મોરબીની માધ્યમ આવેલા ગ્રીન ચોક, દરબારગઢ સહિતના વિસ્તારોમાં પણ વીજપુરવઠો ખોરવાઈ જતા વિજતંત્રની લાપરવાહી અને રીપેરીંગ કરવા ન આવવાની દાદાગીરીને કારણે લોકોમાં રોષની લાગણી જન્મી છે અને હવે પીજીવીસીએલના બાબુઓની શાન ઠેકાણે લાવવા લોકો રસ્તા પર ઉતરી આવે તેટલી હદે લોકો કંટાળ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.