Abtak Media Google News

સંગ્રહખોરી અને કાળાબજાર ન થાય તે માટે ખાસ તકેદારી લેવાઇ રહી છે: અધિક કલેક્ટર કેતન પી. જોષી

અત્યાર સુધીમાં ૧૫ ટ્રકો અસરગ્રસ્ત જિલ્લામાં રવાના કરાયા

તાઉ’તે વાવાઝોડાની અસર રાજ્યના અમરેલી, ગીરસોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. આ જિલ્લાઓમાં કાચા, ઝુપડા બાંધીને કે નળીયાવાળા ઘરોમાં રહેતા પરિવારોને ઘણુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લઇ સીરામીક સીટી તરીકે જાણીતા મોરબી જિલ્લામાં નળીયાનું ઉત્પાદન વધારી દેવાયું છે. વાવાઝોડા પહેલા મોરબીના નળીયા ઉદ્યોગકારોને જોઇએ તેટલા નળીયાના નવા ઓર્ડર નહોતા મળતાં પરંતુ વાવાઝોડા બાદ નળીયા વાળા મકાનોને વધુ નુકસાન થયેલ હોવાથી મોરબીના નળીયા ઉદ્યોગકારોને ફરીથી ધંધામાં તેજી દેખાઇ રહી છે.

જોકે આપત્તિને અવસરમાં પલટાવવા મોરબીના નળીયા ઉદ્યોગકારોએ માનવતા દાખવીને અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહતદરે અને પુરતા પ્રમાણમાં નળીયાઓ મોકલવા માટેની તૈયારી દર્શાવી છે.આ અંગે મોરબી જિલ્લાના અધિક કલેક્ટર કેતન પી. જોષીના અધ્યક્ષસ્થાને નળીયા ઉદ્યોગ સાથે સંકળાયેલ ઉદ્યોગકારો સાથે બેઠક કરી અતિ અસરગ્રસ્ત જિલ્લાઓમાં વાજબી ભાવથી નળિયા પૂરા પાડવા જરૂરિયાત મુજબનું દૈનિક ઉત્પાદન કરવા તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓને રાહત દરે નળીયા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

મોરબી હર હંમેશા લોકોની સેવા માટે આગળ રહે છે ત્યારે ફરી એક વખત મોરબીનો નળીયા ઉદ્યોગ ગરીબોના ઘર બનાવવા આગળ આવ્યો છેમોરબી સ્થિત નળીયા ઉદ્યોગકાર ચંદુભાઇ પટેલે જણાવ્યું હતું કે, વાવાઝોડા બાદ નળીયાનું પ્રોડક્શન વધારી દેવાયું છે.

અમે કોઇ વેપારી કે ટ્રેડર્સને વેંચાણ કરવાના બદલે જરૂરતમંદ લોકોને વ્યાજબી અને ઓછા ભાવે સહાયરૂપે નળીયા આપીએ છીએ. તો મોરબીમાંથી જિલ્લા પુરવઠા અધિકારીના લાયઝનીંગ હેઠળ અત્યાર સુધીમાં ૧૫ જેટલા મોટા ટ્રક અસરગ્રસ્ત જિલ્લાઓના વિસ્તારોમાં મોકલી આપવામાં આવ્યા હોવાનું અધિક કલેક્ટર કેતન પી. જોષીએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યું કે, નળીયા ત્વરીત અને વ્યાજબીભાવે મળી રહે ઉપરાંત હાલના સમયમાં કાળા બજાર અને સંગ્રહખોરી ન થાય તે માટે પણ યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.