Abtak Media Google News

પર્યાવરણ માટે નુકસાનકારક સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરવાનું લોકો સ્વેચ્છાએ ટાળે એ માટે નાગરિકોની ટેવ બદલાવવા તેઓને પ્રશિક્ષિત કરવા ખાસ ઝુંબેશ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરુ કરેલ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકના વપરાશથી રાજકોટ શહેરને મુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧ અને ૨ ઓક્ટોબરના દિવસોને “શ્રમ દાન દિવસ” તરીકે મનાવવાનું નક્કી કરવામાં આવેલ છે. આ બંને દિવસો દરમ્યાન તમામ ૧૮ વોર્ડની વોર્ડ ઓફિસ ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનું દાન સ્વીકારવામાં આવશે.

આજે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધિકારીઓ, વોર્ડ ઓફિસરો, વોર્ડ એન્જિનિયરો, એસ.આઈ., વગેરેની એક બેઠક મળી હતી. મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં નાયબ કમિશનર  ચેતન ગણાત્રા અને ચેતન નંદાણી, પર્યાવરણ ઈજનેર એન.આર. પરમાર ઉપસ્થિત રહયા હતાં.

1 18

કમિશનરે એમ કહ્યું હતું કે, પર્યાવરણ માટે નુકસાનકારક સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરવાનું લોકો સ્વેચ્છાએ ટાળે એ પ્રકારે તેઓને પ્રશિક્ષિત કરવા ખુબ જ જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને આ વિષયમાં પુરતી સમજણ આપી તેઓની ટેવ બદલે તે માટે જનજાગૃતિના સતત પ્રયાસ થતા રહે તે આવશ્યક છે. આ પ્રયાસોના એક ભાગરૂપે જ તા.૧ અને ૨ ઓક્ટોબરના દિવસોને “શ્રમ દાન દિવસ” તરીકે મનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. જનજાગૃતિ કેળવવા માટેની આ ઝુંબેશમાં પદાધિકારીશ્રીઓ, જે તે વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, અગ્રગણ્ય નાગરિકો, શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ વગેરે સામેલ થનાર છે. નાગરિકો આ બંને દિવસો દરમ્યાન સંબંધિત વોર્ડ ઓફિસે સિંગલ યુઝ પ્લાસ્ટિકનું દાન કરી શકશે.

વિશેષમાં તેમણે એમ પણ ઉમેયું હતું કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્રીકરણની આ ઝુંબેશ દરમ્યાન તમામ વોર્ડ વચ્ચે એક આંતરિક સ્પર્ધા પણ રહેશે; જે વોર્ડ દ્વારા વધુ ને વધુ નાગરિકો પાસેથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનું દાન સ્વીકારવામાં આવ્યું હશે અને તેના માધ્યમથી પ્લાસ્ટિકના વપરાશથી દુર રહેવા માહિતગાર કરવામાં આવ્યા હશે તે વોર્ડની જાહેરાત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.