Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉન રાજકોટને એઈમ્સની ભેટ મળવાની પ્રબળ સંભાવના: તૈયારીઓનો ધમધમાટ

દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષો બાદ રાજકોટની ધરતી ઉપર આવી રહ્યા છે ત્યારે તેમના આગમનની અને સન્માનની તડામાર તૈયારીઓ પણ થઈ ચુકી છે. વડાપ્રધાનને વધાવવા રાજકોટવાસીઓમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે પરંતુ સૌની નજર વડાપ્રધાનના સંબોધન અને આવતીકાલે તેઓ રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે શું જાહેરાત કરશે તેના પર મંડાયેલી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે રાજકોટને એઈમ્સ આપવાની જાહેરાત કરે તેવી પ્રબળ સંભાવનાઓ થઈ રહી છે.

રાજકોટના લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી સી.એમ. બન્યા બાદ રાજકોટને એક પછી એક યોજનાઓની અને સુવિધાઓની મંજુરી મળવા લાગી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનો વિકાસ પણ જેટ ઝડપે થઈ રહ્યો છે. તાજેતરમાં જ રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટ બનવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટને સ્માર્ટસીટી તરીકે પણ જાહેર કરી દીધુંછે. ન્યુ રેસકોર્ષ, મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, નવો રીંગ રોડ સહિતના વિકાસ કામો થયા છે. ત્યારે હવે રાજકોટને એઈમ્સની ભેટ આપી વધુ એક યશકલગી ઉમેરાઈ તેવી સંભાવનાઓ પ્રવર્તી રહી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી પોતે રાજકોટના હોય તેમના હોમટાઉનમાં એઈમ્સ બને તેવી પણ શકયતાઓ પ્રવર્તી રહી છે. જયારે બીજીબાજુ રાજકોટમાં એઈમ્સની ફાળવણી કરવાનું જાણે અગાઉથી જ નકકી થઈ ગયું હોય તેમ જિલ્લા કલેકટર તંત્ર પાસેથી ખંઢેરી અને ખીરસરા પાસેની જમીનની તમામ વિગતો તાત્કાલિક મંગાવવામાં આવી છે. આ ઉપરાંત શહેરની સિવિલ હોસ્પિટલમાં પણ કેવા પ્રકારની સારવાર અને સાધન સુવિધાઓ ઉપલબ્ધ છે તેનો પણ રિપોર્ટ તાત્કાલિક કરવા જણાવાયું છે.

ઉપરોકત સમગ્ર બાબત પરથી રાજકોટને એઈમ્સ મળવાની સંભાવનાઓ દ્રઢ બની છે. ગુજરાતની સૌથી મહત્વની નર્મદા યોજનાના દરવાજાની મંજુરીથી માંડી આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ, એનએસઈ એક્ષચેન્જ સહિતની ટોચની સુવિધાઓ ગુજરાતમાં ઉપલબ્ધ કરાવ્યા બાદ હવે એઈમ્સ આપવાની તૈયારીઓનો ધમધમાટ શ‚ કરાયો છે.

કેન્દ્રિય બજેટમાં ગુજરાતમાં એઈમ્સ આપવાની જાહેરાત કર્યા બાદ વડોદરા અને રાજકોટ એમ બે શહેરોને એઈમ્સ સ્થાપવા માટે પસંદ કરવામાં આવ્યા છે પરંતુ સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હોય. સમગ્ર સૌરાષ્ટ્રને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ખુદ રાજકોટના હોય. કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટને જ એઈમ્સ અપાય તેવી શકયતાઓ જોવા મળી રહી છે. જયારે રાજકોટમાં એઈમ્સ સ્થાપવાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની જનતાને હાઈટેક સુવિધાનો લાભ મળશે.

અંગત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટને એઈમ્સ આપવાનો તખ્તો તૈયાર થઈ ગયો છે અને તે માટેની તૈયારીઓ પણ મહત્વના તબકકામાં ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. વહિવટી તંત્ર અને આરોગ્ય તંત્રને રાજકોટમાં એઈમ્સ સ્થાપવા અંગે જમીન અને તબીબી સારવાર સુવિધાઓનો રીપોર્ટ પણ આપવા આદેશ કરાયા છે. ત્યારે હવે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટમાં સભા સંબોધવાના છે. તે વેળાએ જ રાજકોટવાસીઓને એઈમ્સની જાહેરાત સ્વ‚પે ભેટ આપે તેવી સંભાવનાઓ પ્રબળ બની છે.

કલેકટર પાસેથી ખંઢેરી અને ખીરસરાની જમીનની વિગતો મંગાવાઈ: સિવિલ હોસ્પિટલમાં સારવાર, સાધન-સામગ્રી અને સુવિધાઓનો રિપોર્ટ તાકીદે મંગાવાયો

આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટ, સ્માર્ટસિટી બાદ હવે એઈમ્સ પણ રાજકોટને જ ફાળવાય તેવી દ્રઢ શકયતા: વધુ એક યશકલગી ઉમેરાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.