Abtak Media Google News

પરીક્ષામાં ગેરરીતિ રોકવા સરકાર એક્શનમાં, તમામ જિલ્લાઓને સૂચનાઓ અપાઈ

પરીક્ષામાં થતી ગેરરીતિઓ રોકવા રાજ્ય સરકાર આકરા પગલાં લઈ રહી છે. સરકારે નિર્ણય કર્યો છે કે જો વિદ્યાર્થી પાસેથી મોબાઈલ મળે તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે. આ માટે તમામ જિલ્લાઓમાં સૂચના પણ આપી દેવામાં આવશે.

Advertisement

જુનિયર ક્લાર્ક સહિતના પેપર લીકની ઘટનાઓ બાદ રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે. આગામી સમયમાં શરૂ થનારી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે. ત્યારે આ પરીક્ષાઓમાં કોઈ ગેરરીતીના થાય અને પરીક્ષાની ગોપનીયતા જળવાય તે માટે સરકારે સૂચનાઓ આપી દીધી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાર મહાનગરોના પોલીસ કમિશ્નર, તમામ જિલ્લા કલેક્ટર, પોલીસ વડાને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં  જણાવવામાં આવી રહ્યું છે કે, પરીક્ષામાં ગેરરીતી ના થાય અને પરીક્ષાની ગોપનીયતા જળવાય તેમજ કોઈ પણ વિદ્યાર્થી પાસેથી મોબાઈલ મળે તો પોલીસ ફરિયાદ કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે.

પરીક્ષા કેન્દ્ર નજીક ઝેરોક્ષની દુકાનો બંધ કરાવી દેવાશે

બોર્ડની પરીક્ષા આગામી 14મી માર્ચથી શરૂ થનાર છે જે 29 માર્ચ સુધી ચાલશે. આ પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આગામી સૂચનાઓ વીડિયો કોન્ફરન્સ થકી આપવામાં આવશે. પરીક્ષા સ્થળની આસપાસ ઝેરોક્ષ મશીનો ચાલુ નહીં રાખી શકાય. કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ પણ સાથે નહીં રાખી શકાય. જેથી જો પરીક્ષા ખંડમાં આવી કોઈ પણ વસ્તુ મળશે તો પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.