ગુજસીટોકના ગુનામાં ગુજરાતમાં પ્રથમ ગોંડલની નિખીલ દોંગા ગેંગની મિલકત  જપ્ત કરતી પોલીસ

જીતુભાઈ આચાર્ય, ગોંડલ:

ગોંડલની સબ જેલમાં બેઠા બેઠા તંત્રની મીઠી નજર હેઠળ ખંડણી પડાવવી મિલ્કત લખાવી લેવી ધાક ધમકી આપવા સહિતના ગુનાઓનું નેટવર્ક ચલાવતા નામચીન નિખીલ દોંગાની ગેંગના ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કરી ગુજસીટોકની કલમ હેઠળ ગુનો નોંધ્યા બાદ આજે તપાસનીશ અધિકારી એ.એસ.પી. સાગર બાગમારે દ્વારા ધાકધમકી આપી ઉભી કરવામાં આવેલી બે મિલ્કતો જપ્ત કરી લેતા ગુનેગારોની આલમમાં સોપો પડી ગયો છે.

ગોંડલ સબ જેલમાંથી ધાકધમકી ખંડણી મિલ્કત પડાવી લેવાના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કરી જેલમાં બેઠા બેઠા ગુનાહીત નેટવર્ક ચલાવતા નામચીન નિખિલ દોંગાની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ૧૫ શખ્સોની ધરપકડ કરી સૌરાષ્ટ્ર ગુજરાતની અલગ અલગ જેલમાં આરોપીઓને મોકલીદેવામં આવ્યા હતા.રાજય સરકાર દ્વારા સંગઠીત ગુનેગારોની કમર તોડી નાખવા માટે તાજેતરમાં ગુજસીટોકનો કાયદો બનાવ્યો હતો.

ગુજસીટોકના કાયદા હેઠળ ૬૪.૫૦ લાખની કિંમતની મિલકત કબ્જે કરવાનો ગુજરાતમાં પ્રથમ કિસ્સો, ગોંડલનું મકાન અને શાપરનો પ્લોટ પોલીસે જપ્ત કર્યો,હજુ વધુ મિલકતો ટાંચમાં લેવામાં આવશે: એ.એસ.પી. સાગર બાગમારે

જેના આધારે રાજયમાં અનેક ગુના નોંધાયા છે. ત્યારે ગોંડલમાં નીખીલ દોંગા ગેંગ સામે નોંધાયેલ ગુજસીટોકના ગુનાની તપાસ ચલાવી રહેલા જેતપૂર એએસપી સાગર બાગમારે દ્વારા જીણવટભરી તપાસ કરતા નીખીલ દોંગાએ ધાક ધમકી આપી પડાવેલા પૈસામાથી ગોંડલમાં પોતાના સાગ્રીત પિયુષ કોટડીયાના નામે એક મકાન લીધું હતુ.

આ ઉપરાંત શાપર વેરાવળમાં પણ કિંમતી પ્લોટ લેવામાં આવ્યો હોવાની માહિતી મળતા ગુનેગારોની કમર તોડી નાખવા તેમની મિલ્કત સીઝ કરવા માટે રાજય સરકાર ગૃહ વિભાગની મંજૂરી માંગવામા આવી હતી જે મંજૂર થતા આજે એએસપી સાગર બાગમારે સહિતના સ્ટાફે ગોંડલ અને શાપર વેરાવળની નિખીલ દોંગાના સાગ્રીત પિયુષ કોટડીયાના નામનું મકાન અને પ્લોટ મળી ૬૪.૫૦ લાખની મિલ્કત જપ્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં ગુજસીટોકના કાયદા હેઠળ ગુનેગારોની મિલ્કત જપ્ત કરવામાં આવી હોવાનો આ પ્રથમ કિસ્સો છે ત્યારે આવનારા સમયમાં નીખીલ દોંગા ગેંગની હજુ વધુ મિલ્કત જપ્ત કરવામાં આવશે.તેવા નિર્દેશો એએસપી સાગર બાગમારેએ આપ્યા છે.પોલીસના જણાવ્યા પ્રમાણે નીખીલ દોંગા ગેંગ સામે અત્યાર સુધીમાં હત્યા, ખંડણી, જમીન પડાવી લેવી, ધાકધમકી આપવા સહિતના ૧૧૭ જેટલા ગુના પોલીસ ચોપડે નોંધાયા છે.