Abtak Media Google News

 નવનિર્માણ સેના અને શિવસેના વચ્ચેની જંગમાં ભાજપનું સ્ટેન્ડ અતિ મહત્વપૂર્ણ: દેવેન્દ્ર ફડણવીસનું સૂચક નિવેદન 

મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એકતરફ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અધ્યક્ષ રાજ ઠાકરે દ્વારા મસ્જિદમાં લાઉડસ્પીકર મામલે અપાયેલી ચીમકી ત્યાં બીજી બાજુ ઔરંગાબાદમાં રાજ ઠાકરે વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કરાઈ રહેલા શિવસેના પર આક્ષેપોએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. જે રીતે દેવેન્દ્ર ફડણવીસે રાજ ઠાકરે તેમજ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના  સાંસદ અને ધારાસભ્યો વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ અંગે ટિપ્પણી કરી છે અને રાજ ઠાકરેના સમર્થનમાં આવ્યા છે તેને જોતા ચોક્કસ એવું લાગી રહ્યું છે કે, સ્થાનિક ચુંટણી પૂર્વે મહારાષ્ટ્રમાં નવા જૂનીના એંધાણ છે.
મહત્વપૂર્ણ બાબત છે કે, હાલ સુધી મહારાષ્ટ્રમાં મુખ્યત્વે બે સ્થાનિક પક્ષો શિવસેના અને એનસીપી વચ્ચે જંગ લડાતો હતો પરંતુ આ બંને પક્ષોએ ગઠબંધન કરતા હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સ્થાનિક પક્ષ તરીકે બહાર આવે અને ભાજપ સાથે ગઠબંધન રચી મહારાષ્ટ્રના રાજકારણની કુકરી ગાંડી કરે તો પણ નવાઈ નહીં.
ઔરંગાબાદ પોલીસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના વડા રાજ ઠાકરે વિરુદ્ધ બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવા બદલ ફોજદારી કેસ નોંધ્યો છે.  તેમણે ૧ મેના રોજ ઔરંગાબાદમાં યોજાયેલી રેલીમાં ચેતવણી આપી હતી કે જો ૪ મેથી લાઉડસ્પીકર પર અઝાનનો અવાજ સંભળાશે તો રાજ્યભરની મસ્જિદોની સામે હનુમાન ચાલીસા બેવડા અવાજમાં પઢવામાં આવશે.
સાંગલી જિલ્લાની એક કોર્ટે 14 વર્ષ જૂના કેસમાં રાજ ઠાકરે વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે, જે તેમની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.
આ મામલામાં રાજ ઠાકરે વિરુદ્ધ મંગળવારે ઔરંગાબાદના સિટી ચોક પોલીસ સ્ટેશનમાં આઈપીસી અને મહારાષ્ટ્ર પોલીસ એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમના પર બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવાનો આરોપ છે.  આ સાથે મુંબઈના શિવાજી પાર્કમાં રાજ ઠાકરેના ઘરની બહાર પણ પોલીસ તૈનાત કરવામાં આવી છે.
અગાઉ મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક રજનીશ સેઠે રાજ્યના ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટીલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.  બાદમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે પોલીસ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.  તેમણે એમ પણ કહ્યું કે ઔરંગાબાદ પોલીસ કમિશનર ૧ મેના રોજ રાજ ઠાકરેના ભાષણની સમીક્ષા કરી રહ્યા છે.  તે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરશે.
શિવસેનાના નેતા સંજય રાઉતે રાજ ઠાકરે સામે કેસ નોંધાવ્યા બાદ કહ્યું હતું કે, ઉશ્કેરણીજનક ભાષણ આપનારાઓ વિરુદ્ધ આખા દેશમાં આવા કેસ નોંધવામાં આવે છે, આ કોઈ મોટી વાત નથી.  ઔરંગાબાદની રેલીમાં રાજ ઠાકરેએ આપેલી ચેતવણી વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે અહીં ઉદ્ધવ ઠાકરેની સરકાર છે.  અહીં કોઈ ચેતવણીનું રાજકારણ ચાલી શકે નહીં.  અહીં ઠાકરે સરકારનો આદેશ જ ચાલશે. મનસે ઔરંગાબાદના વડા સુમિત ખામ્બેકરે કહ્યું છે કે તેમની પાર્ટીના વડા (એટલે ​​કે રાજ ઠાકરે) દ્વારા આપવામાં આવેલા આદેશોનું પાલન કરવામાં આવશે.
803 મસ્જિદોએ લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની છૂટ આપી હતી
લાઉડસ્પીકર અંગે વધી રહેલા વિવાદ વચ્ચે, મુંબઈની ૧૧૪૪ મસ્જિદોમાંથી ૮૦૩ એ લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની પોલીસ પરવાનગી મેળવી છે.  તકેદારી લેતા, મુંબઈ પોલીસે મનસે કાર્યાલયમાંથી લાઉડસ્પીકર જપ્ત કર્યું છે અને પાર્ટીના ચાંદીવલી યુનિટના પ્રમુખ મહેન્દ્ર ભાનુશાલી અને અન્ય લોકોની અટકાયત કરી છે.  એટલું જ નહીં પોલીસે આ એપિસોડમાં મનસે નેતા નીતિન સરદેસાઈ અને બાલા નંદગાંવકર સહિત ઓછામાં ઓછા સો લોકોને નોટિસ ફટકારી છે.
પોલીસે કાર્યવાહી માટે પરવાનગીની રાહ જોવી જોઈએ નહીં: ઉદ્ધવ
દરમિયાન, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પોલીસને આદેશ આપ્યો છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોઈની પરવાનગીની રાહ ન જુઓ.  તેમણે કહ્યું કે પોલીસ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે.
હિંદુત્વની શક્તિ બતાવોઃ રાજ ઠાકરે
તેમની સામે થયેલી કાર્યવાહી બાદ રાજ ઠાકરેએ લોકોને હિંદુત્વની શક્તિ બતાવવાનું આહ્વાન કર્યું છે.  તેમણે કહ્યું કે મસ્જિદોની સામે જ્યાં અઝાનનો અવાજ આવે છે, ત્યાં લાઉડસ્પીકર દ્વારા હનુમાન ચાલીસા વગાડો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.