Abtak Media Google News

ધોરાજીના વેગડી ગામે આવેલ જી.આઇ.ડી.સી.માંથી છોડવામાં આવતા પ્લાસ્ટીકના પ્રદૂષણના કારણે ઉભા પાકને ભારે નુકશાન થઇ રહ્યું છે. જે સંદર્ભે ગામના સરપંચની આગેવાની હેઠળ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યાતા ચાર દિવસ બાદ પાક નિષ્ફળ જતા ચાર પુત્રીના પિતાએ પોતાની વાડીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેના પગલે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળતા આપઘાત કરનાર ખેડૂતને ન્યાય આપવા આજે સમગ્ર વેગડી ગામે સજ્જડ બંધ પાડી ગ્રામજનો ધરણાં પર બેસી જતા મામલતદાર અને પોલીસ કાફલો વેગડી ગામે દોડી ગયો હતો.

ધોરાજી નજીક આવેલ વેગડી ગામે પ્લાસ્ટીકની જી.આઇ.ડી.સી.માંથી છોડવામાં આવતા પ્રદૂષણના કારણે ખેડૂતોના ઉભા મોલ સુકાઇ જતા હોય એક સપ્તાહ પહેલા ગામના સરપંચની આગેવાની હેઠળ ગ્રામજનોએ પ્રદૂષણના મુદ્ે મામલતદારને આવેદન આપી રજૂઆત કરી હતી.

આ ઘટનાના ચાર દિવસ બાદ વેગડી ગામે રહેતા ખેડૂત ભનુભાઇ મેરામભાઇ ઝરીયા (ઉ.40) નામના યુવાને પોતાની વાડીમાં લીંબડાના ઝાડ પર દોરડું બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.ખેડૂત યુવાનના પરિવારજનોએ કપાસનો પાક નિષ્ફળ જતા આપઘાત કર્યો હોવાનું જણાવી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ન્યાય અપાવવા માંગણી કરી હતી.

પોલીસની તપાસમાં આપઘાત કરનાર ખેડૂતોને સંતાનમાં ચાર પુત્રી, પત્ની અને માતાની ભરણ પોષણની જવાબદારી તેના પર હોય અને સતત બીજા વર્ષે પાક નિષ્ફળ જતા ભાંગી ગયેલા ખેડૂત યુવાને આપઘાત કરી લેતા માતા-પત્ની અને ચાર-ચાર પુત્રી નિરાધાર બની ગઇ હતી.

વેગડી ગ્રામજનોએ ખેડૂત યુવાનને ન્યાય અપાવવા ગામબંધનું એલાન આપ્યું હતું. જેનાભાગરૂપે આજે સમગ્ર વેગડી ગામે જડબેસલાક બંધ પાળ્યો હતો અને આજે સવારથી ગામના પાદરમાં 500થી વધુ ગ્રામજનો ધરણાં પર બેસી ગયા હતાં. ગ્રામજનોના વિરોધની જાણ થતાં ધોરાજી મામલતદાર પી.આઇ. જાડેજા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઇ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.