Abtak Media Google News

ભાઈ ઈન્દ્રનીલ પ્રજાએ તમને શરાફી સમજયા પણ તમે નિકળ્યા શરાબી, જનતાએ આપ્યો મત પણ તમે કર્યો જનતાદ્રોહ, કયાં છે કોંગ્રેસના ભાગેડુ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુ જેવા પોસ્ટરો લાગતા સર્વત્ર ચર્ચા

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે બપોરે રાહુલનું રાજકોટમાં આગમન થવાનું છે તે પૂર્વે રાજકોટમાં પોસ્ટર વોર જામ્યું છે. એક તરફ કોંગ્રેસે ઠેર-ઠેર રાહુલને આવકારતા મહાકાય પોસ્ટરો લગાવ્યા છે તો બીજી તરફ રાતો-રાત ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુ વિરુધ્ધ બેનરો લાગી જતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. શહેરના સામા કાંઠા સહિતની અનેક વિસ્તારોમાં કોંગી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુ વિરુધ્ધ મહાકાય બેનરો લાગી ગયા છે. ભાઈ ઈન્દ્રનીલ પ્રજાએ તો સમજયા’તા શરાફી પણ તમે તો નિકળ્યા શરાબી, ભાઈ ઈન્દ્રનીલ જનતાએ આપ્યા મત પણ તમે કર્યો જનતાનો દ્રોહ, કયાંથી કોંગ્રેસી ભાગેડુ ધારાસભ્ય, ભાઈ ઈન્દ્રનીલ વિધાનસભા-૬૮ને તો તમે છેતરી હવે વિધાનસભા-૬૯ પ્રજા કાઢશે તમારી રેકડી જેવા પોસ્ટરો રાતો-રાત લાગી જતા કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં ઈન્દ્રનીલ રાજયગુરુ ૬૮-રાજકોટ વિધાનસભા પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજેતા બની ધારાસભ્ય બન્યા છે. તેઓએ છેલ્લા ૨ વર્ષથી રાજકોટ પૂર્વની જનતાને નોધારી છોડી દીધી છે અને આગામી વિધાનસભાની ચૂંટણી ૬૯-રાજકોટ પશ્ર્ચિમ બેઠક પરથી લડવાનું નક્કી કર્યું છે. આ મામલાને જનતા દ્રોહગણાવી રાતો રાત ઈન્દ્રનીલ વિરુધ્ધ બેનરો લગાવી દેવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.

એક તરફ કોંગ્રેસે શહેરભરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષને આવકારતા મહાકાય બેનરો ખડકી દીધા છે તો બીજી તરફ શહેર કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રનીલ રાજયગુરુ વિરુધ્ધના બેનરો લાગતા શહેરમાં એક રીતસર પોસ્ટર વોર જામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.