Abtak Media Google News

ગાંધીનગરમાં યોજાયેલા પ્રજાપતિ સમાજના ચિંતન સંમેલનમાં  આગેવાનોની વિશાળ ઉપસ્થિતી

ગુજરાતના સર્વેશાખા , ગોળ પ્રજાપતિ સમાજનું તાજેતરમાં ગાંધીનગર ખાતે પ્રજાપતિ સમાજના છેવાડાના , ગામડામાં રહેતા જ્ઞાતિજનો સુધી પહોંચવા જનજાગૃતિ અભિયાન અંતર્ગત ચિંતન સંમેલન યોજાઈ ગયું , જેમાં મુખ્યત્વે ગુજરાતમાં માટીકામ કરતાં , રોજિંદા જીવન વપરાશ માટે માટીની વપરાતી ચીજવસ્તુઓના કારીગરો , ઈંટોના ભઠ્ઠા તથા જાતે ઘંટો પાડતા નાની ભઠ્ઠીવાળાઓને પડતી મુશ્કેલીઓ , ગુજરાત વિધાનસભાની આગામી 202 ની ચૂંટણીઓમાં હંમેશા ભાજપને વફાદાર પ્રજાપતિ સમાજને માંગણી મુજબનું રાજકીય પ્રતિનિધિત્વ આપવા , ગુજરાત સરકારના વહીવટમાં ભાગીદાર થવા , ગુજરાત માટીકામ કલાકારી બોર્ડને સ્વતંત્ર દરજજો આપી નિગમ બનાવવું તથા ગાંધીનગરમાં શૈક્ષણિક હેતું માટે રાહત દરે જમીન ફાળવવા બાબતની સંમેલનમાં ઉપસ્થિત પ્રજાપતિ સમાજના આગેવાનોએ ભાજપના પરિવારજન તરીકે માંગણીઓ મુકી હતી.

આ ચિંતન સંમેલનમાં ગુજરાત પ્રદેશ ભાજપના સી . આર . પાટીલ , પ્રતિનિધિ તરીકે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયા , નિરાંત ધામ મહેસાણાના સંત મહેન્દ્રરામ મહારાજ , આપા ગીગાનો ઓટલોના મહંત નરેન્દ્રબાપુ સોલંકી ,  ગુજરાત સરકારના રાજયકક્ષાના મંત્રી મુકેશભાઇ પટેલ , ભાજપના પ્રદેશ મહામંત્રીઓ પ્રદિપસિંહ વાઘેલા , ભાર્ગવભાઇ ભટ્ટ , રજનીભાઇ પટેલ , રાજયસભાના સાંસદ દિનેશભાઇ અનાવડીયા , ગુજરાત પ્રદેશના મંત્રી શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ , અખિલ ભારતીય કુંભકાર મહાસંઘ , ન્યુ દિલ્હીના મનહરભાઇ પ્રજાપતિ , મુકેશભાઇ પ્રજાપતિ , ઇન્દર પ્રજાપતિ , જગદિશ પ્રજાપતિ , રાજકોટના પ્રજાપતિ આગેવાનો ગોરધનભાઇ કાપડિયા , મોહનભાઇ વાડોલીયા , યોગેશભાઇ ઉનાગર , અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના સૌરાષ્ટ્ર – કચ્છના પ્રભારી હસમુખભાઇ લાઠીયા વગેરે આગેવાનોએ તેઓના મિત્ર – મંડળ સાથે વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી .

ચિંતન સંમેલનના પ્રારંભમાં અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના આદ્યસ્થાપક દલસુખભાઇ પ્રજાપતિએ સમગ્ર એજન્ડાની વિગતો વર્ણવતા કહ્યું હતું કે ,  પ્રજાપતિ સમાજને ભવિષ્યમાં પગભર ઉભા રહેવા માટેનું આ સંમેલન છે, સરકાર આપણી છે છતાં સાંભળતી નથી , સાંભળે એટલે આપ સૌને બોલાવ્યા છે.  દલસુખભાઇએ અફસોસ વ્યકત કરતા કહ્યું કે , આઝાદી પછી કોઇ સરકારે પ્રજાપતિ સમાજને રાજકીય પ્રતિનિધિત્વનું વળતર આપ્યું નથી , એકમાત્ર નરેન્દ્રભાઇ મોદીના સાશનમાં તેમણે અંગત રસ લઇને સ્થાનિક સરકારો , ધારાસભા અને રાજયસભામાં પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે . આગામી ચૂંટણીમાં ગુજરાતના પાંચ પ્રજાપતિઓને ટીકીટ આપવા માટે આપણા સૌની સામૂહિક માંગણી છે.

આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી . આર . પાટીલના પ્રતિનિધિ તરીકે હાજર રહેલા ગોરધનભાઈ ઝડફિયાએ પ્રજાપતિ સમાજની તમામ પ્રમાણિક માંગણીઓ પૂર્ણ કરવાની ખાત્રી આપીને જણાવ્યું હું કે , આપ સૌનો આ સંદેશો પાટીલ , અમીત શાહ અને મોદી સાહેબ સમક્ષ ગંભીરતાથી રજુ કરીશ , પ્રજાપતિઓ ભાજપના પરિવારજનો છે એટલે વહેલી મોડી તમામ માંગણીઓ સંતોષાશે એમાં શંકા રાખશો નહિ.

સંમેલનના મોટાભાગના ઉદ્દેશો પૂર્ણ થતાં સંમેલનમાં ઉપસ્થિત પ્રજાપતિઓએ ઝડફિયાના નિર્ણાયક વકતવ્યને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું . ગુજરાતમાં 50 લાખથી વધુ વસ્તી ધરાવતો સમજુ અને સંગઠિત પ્રજાપતિ સમાજ આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ સાથે રહેશે એવી પ્રતિજ્ઞાને તમામ પ્રજાપતિઓએ હાથ ઉંચા કરીને સમર્થન આપ્યું હતું . b

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.