Abtak Media Google News

મહિલા સંચાલિત ર૦ અને દિવ્યાંગો સંચાલિત ૪ મતદાન બુથ ઉભા કરાશે

આગામી લોકસભા ચૂંટણી માટે ગીર સોમનાથ જિલ્લા ચૂંટણીતંત્ર સજજ છે. ગીર સોમનાથ જિલ્લામાં આવતા ૪-વિધાનસભા મત વિસ્તારમાં (તાલાળા, ઉના,કોડીનાર અન. સોમનાથ) ચૂંટણી વ્યવસ્થા અંગે  આજે જિલ્લા સેવાસદન, ઇણાજ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજયપ્રકાશનાં અધ્યક્ષસ્થાને  યોજાએલ પ્રેસ કોન્ફરન્સ તેમણે કહયુ કે, પ્રત્યેક વિધાનસભા વિસ્તારમાં ૫ મુજબ એમ જિલ્લામાં કુલ ૨૦ મહિલા સંચાલિત સખી મતદાન મથક તૈયાર કરવામાં આવશે. અને વન વોટર બુથ  ધરાવતા બાણેજ મતદાન મથકમાં પણ ચૂંટણીતંત્ર ધ્વારા તમામ વ્યવસ્થા ગોઠવાશે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટણી કામગીરી સંદર્ભે વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. ૧૦ માર્ચથી આચારસંહિતા અમલમાં આવી છે. સમગ્ર દેશની સાથે ગીર-સોમનાથ જિલ્લામાં તા. ૨૮ માર્ચ નાં રોજ ચૂંટણીનું નોટીફીકેશન, તા. ૪ એપ્રીલ સુધી ઉમેદવારી પત્રક ભરી શકાશે.

તા. ૫ એપ્રીલ નાં રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાશે, તા. ૮ એપ્રિલ નાં રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે, તા. ૨૩ એપ્રિલ નાં રોજ મતદાન થશે અને તા. ૨૩ મે નાં રોજ મતગણતરી કરવામાં આવશે. ગીર-સોમનાથ જિલ્લાની ચારેય વિધાનસભા બેઠક વિસ્તારમાં કુલ ૯,૦૭,૯૪૯ મતદારો નોંધાયેલા છે.

તેઓશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, જિલ્લાનાં કુલ ૧૦૭૫ બુથ લેવલ ઓફીસર દ્વારા મતદારોનાં ઘરે-ઘરે મુલાકાત લઇ ચકાસણી કરી ચૂંટણીલક્ષી કામગીરી કરવામાં આવશે. મતદારોનાં ફોટાવાળી મતદારયાદી તૈયાર કરવામાં આવી છે. ફોટાવાળી વોટર સ્લીપ મતદાનનાં પાંચ દિવસ પહેલા બી.એલ.ઓ. દ્વારા મતદારોને વિતરણ કરવામાં આવશે. વિશેષમાં દિવ્યાંગ મતદારો માટે બ્રેઇલ લાક્ષણીકતા વાળી વોટર સ્લીપ વિતરણ કરવામાં આવશે.

જિલ્લામાં કુલ ૧૫૩૯ શારીરિક રીતે અક્ષમ વ્યક્તિઓ મતદારયાદીમાં નોંધાયેલ છે. તેઓ માટે મતદાન મથકે વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ કરવા માટે ૧૪૪ સહાયક મદદ કરશે. જિલ્લાની દરેક વિધાનસભા દીઠ પાંચ મહિલા સંચાલિત અને એક દિવ્યાંગો(ઙઠઉ) સંચાલિત મતદાન બુથ કાર્યરત કરવામાં આવશે. જિલ્લામાં કુલ ૨૦ મહિલા સંચાલિત અને ૪ દિવ્યાંગો સંચાલિત બુથની રચના કરવામાં આવશે. જિલ્લામાં ૨૬૧ શહેરી વિસ્તારમાં અને ૮૧૪ ગ્રામ્ય વિસ્તાર મળી કુલ ૧૦૭૫ મતદાન મથકો છે.

ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદારોની સરળતા માટે ઓનલાઇન ગુગલ પ્લેસ્ટોરમાં પાંચ એપ્સ તૈયાર કરવામાં આવી છે. જેમાં એપ, પી.ડબલ્યુ. ડી. એપ, વોટર હેલ્પલાઇન એપ, સુવિધા કેન્ડીડેટ એપ અને સમાધાન એપ ઉપલબ્ધ છે. આ એપનાં માધ્યમથી મતદારો તેમની મતદારયાદીની જાણકારી, માહિતી, સુચનાઓ, પ્રતિસાદ, આચારસંહિતા ભંગની ફરીયાદ પણ કરી શકશે.

આચારસંહિતાનો ભંગ ન થાય અને ન્યાયી તેમજ ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણી પૂર્ણ થાય તે માટે ગીર-સોમનાથ જિલ્લામાં કુલ ૧૨ ફ્લાઇંગ સ્કોડની, ૩૬ સ્થાયી દેખરેખ ટીમ, ૬ વીડિયો નીરીક્ષણ અને ૪ વિડીયી દેખરેખ ટીમની  ચૂંટણીલક્ષી પારદર્શક કામગીરી માટે રચના કરવામાં આવી છે.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વિનોદ પ્રજાપતિ ફરીયાદ નિવારણ હેલ્પલાઇન સહિતની ચૂંટણીલક્ષી કામગરીની વિગતો આપી હતી. નાયબ જિલ્લાપોલીસવડાશ્રી અમીત વસાવા, જિલ્લા માહિતી અધિકારીશ્રી અર્જૂન પરમાર તેમજ પ્રેસ પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.