Abtak Media Google News

ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદીનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર: હિંમતનગર, સુરેન્દ્રનગર, આણંદમાં ગઈકાલે જંગી ચૂંટણી સભા સંબોધ્યા બાદ આજે અમરેલીમાં સભા ગજવી

ગુજરાતની ૨૬ બેઠકો માટે યોજાનારા મતદાનના આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે રાજયમાં મહતમ બેઠકો હાંસલ કરવા માટે રાષ્ટ્રીય નેતાઓ અને સ્ટાર પ્રચારકોને ગુજરાતમાં ઉતારી દીધા છે. આજે બીજા તબકકાના મતદાનમાં ૧૨ રાજયોની ૯૫ બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે અમરેલીમાં સવારે જંગી ચુંટણીસભા સંબોધી હતી અને કોંગ્રેસને આડે હાથ લેતા આકરા પ્રહારો કર્યા હતા. ગઈકાલે પણ વડાપ્રધાને હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદ ખાતે જંગી ચુંટણીસભા સંબોધી હતી અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

અમરેલીની કમાણી ફોરવર્ડ હાઈસ્કુલ ખાતે આજે સવારે ૧૦ કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જંગી ચુંટણીસભા સંબોધી હતી. જેમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કેન્દ્રમાં ભાજપ પ્રેરિત એનડીએ સરકારે કરેલા કાર્યોની સિદ્ધિઓ મતદારો સમક્ષ વર્ણવી હતી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ફરી કમળ ખીલે તે માટે જંગી મતદાન કરવા વડાપ્રધાને મતદારોને આહવાન કર્યું હતું. સાથોસાથ કોંગ્રેસને આડે હાથે લીધા હતા.

દરમિયાન ગઈકાલે હિંમતનગરમાં ચુંટણીસભા સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે, મારા સિવાયના નિકટના ભવિષ્યમાં એવો પ્રધાનમંત્રી દેખાય છે જે હિંમતનગરનાં, અરવલ્લીનાં, પંચમહાલનાં અને સાબરકાંઠાના ગલી-રસ્તાઓ અને સમસ્યા વિશે માહિતગાર હોય. જેટલાઓએ પણ દેશને લુંટયો છે તેઓને બક્ષવામાં આવશે નહીં. પાંચ વર્ષમાં આ ભ્રષ્ટ પરિવારને જેલના દરવાજા સુધી લઈ ગયો છું. હવે બીજા પાંચ વર્ષ માટે આશીર્વાદ આપો તો આ પરીવારને જેલના સળીયા પાછળ જવાના દિવસો પણ આવી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ જયારે ગુજરાતી પ્રધાનમંત્રી વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે તે ગુજરાતથી કેવી રીતે સહન થાય. કોંગ્રેસ અને મહામિલાવટી નેતાઓ જયારે પાકિસ્તાન તરફી નિવેદન આપે છે ત્યારે તે પાકિસ્તાન અખબારોની હેડલાઈન બને છે.

સુરેન્દ્રનગરમાં ચુંટણીસભાને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, જે વંશવાદીઓએ ૭૦ વર્ષ આ દેશને બરબાદ કર્યો તેને દેશનું સુકાન હવે ૭૦ મિનિટ પણ ન આપી શકાય. દેશને બરબાદ કરનાર પરીવારવાદને સમર્થન કરનાર, આતંકવાદને સમર્થન કરનાર, લોકોની જમાનત જપ્ત કરાવી ગુજરાતની જનતા સાચા અર્થમાં રાષ્ટ્રભકત સાબિત થાય તેવું હું ઈચ્છું છું. કોંગ્રેસ એટલી બધી નીચે જઈ રહી છે કે તેને ઉભા થવાના પણ હવે ઠેકાણા નથી. કોંગ્રેસ ચોકીદાર ઉપર ગમે તેટલો કાદવ ઉછાડે પરંતુ તેનાથી વધારેમાં વધારે કમળ ખીલશે.

આણંદ ખાતે ચુંટણીસભાને સંબોધતા વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા કે, મોદીનો વિરોધ કરતા કરતા ભારત વિરોધી બની ગયેલી કોંગ્રેસને દેશની ૧૩૦ કરોડની જનતા માફ નહીં કરે. પાંચ વર્ષ પહેલા દેશની જનતાએ એક-એક વોટથી દિલ્હીની શર્તનત પર એક ચોકીદારને પ્રધાનસેવક તરીકે બેસાડયો છે. કોંગ્રેસે ગરીબીને માનસિક અવસ્થા ગણાવીને ગરીબોનું અપમાન કર્યું છે. ઉતર-પૂર્વીય રાજયોના પોશાકને વિચિત્ર પોશાક કહી તેનું અપમાન કર્યું છે. દસકાઓ સુધી શાસન કરનારી કોંગ્રેસે ખાવો અને ખીલાવોની રાજનીતિ કરી દેશને ખોખલો બનાવી દીધો છે. દેશની ૧૩૦ કરોડની જનતાના આશીર્વાદથી દેશને લુંટનારાઓ પાસેથી હું પાઈ પાઈનો હિસાબ માંગીશ તેવો હુંકાર કર્યો હતો. અમરેલીમાં આજે સવારે ચુંટણીસભા સંબોધતા વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.