Abtak Media Google News
  • એઈમ્સ, રેલવે, વીજ વિતરણ નેટવર્ક સહિત આંતરમાળખાકીય સુવિધાઓના કામોથી આર્થિક વિકાસ બનશે વેગવાન

Rajkot News

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 25મી ફેબ્રુઆરીએ રાજકોટ આવી રહ્યા છે, ત્યારે તેઓ વિવિધ વિકાસ-કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ સાથે રાજકોટ શહેર તથા જિલ્લાને રૂપિયા 3291 કરોડના વિકાસ-કામોની ભેટ આપવાના છે. જેમાં એઈમ્સ, ડબલ રેલવે ટ્રેક, વીજ વિતરણ વ્યવસ્થા તેમજ આંતરમાળખાકીય સુવિધાને લગતા વિકાસ કામોનો સમાવેશ થાય છે. આ કામોથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના આર્થિક વિકાસને વધુ વેગ મળશે.

મહત્વનું છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટ જિલ્લામાં ઊર્જા અને પેટ્રોલિયમ વિભાગના 66 કે.વી.ના પાંચ સબ સ્ટેશનનું લોકાર્પણ કરવાના છે. આશરે રૂપિયા 40 કરોડના ખર્ચે સાકાર થયેલ આ સબ સ્ટેશનોથી ખેતી, ઉદ્યોગ તથા ઘરેલુ વપરાશ માટે ગુણવત્તાયુક્ત અવિરત વીજપૂરવઠો મળશે. આ સબ સ્ટેશનોનો લાભ રાજકોટ ઉપરાંત પોરબંદર પંથકના ગામોને પણ થશે.

વડાપ્રધાન રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર માટે આરોગ્ય સેવાના ક્ષેત્રે નવો અધ્યાય કહી શકાય, તેવી એઈમ્સનું પણ લોકાર્પણ કરવાના છે. આશરે રૂ. 1195 કરોડના ખર્ચે બનેલી આ એઈમ્સ રાજકોટ, સૌરાષ્ટ્રના લોકોને સાવ નજીવા ખર્ચે ઉત્તમ સારવાર પૂરી પાડવા સાથે મેડિકલ ક્ષેત્રના વિકાસ તેમજ સ્થાનિક રોજગારીને પણ વેગ આપશે.

રાજકોટને અમદાવાદ તથા દેશના અન્ય વિસ્તારો સાથે ઝડપી રેલ સેવાથી જોડતા પ્રકલ્પ, રાજકોટ-સુરેન્દ્રનગર ડબલ રેલવે ટ્રેકનું પણ વડાપ્રધાન લોકાર્પણ કરવાના છે. આશરે રૂ. 1399 કરોડના ખર્ચે સાકાર થયેલો આ રેલ ટ્રેક રાજકોટ-સૌરાષ્ટ્રના રેલ નેટવર્કને ઝડપી બનાવશે. રાજકોટની અન્ય રાજ્યો સાથે રેલ કનેક્ટિવિટી વધુ સુગમ અને ઝડપી બનશે. અમદાવાદ અને રાજકોટ વચ્ચે વધારે સંખ્યામાં વધુ ઝડપથી ટ્રેનો ચલાવી શકાશે. આ ટ્રેકથી માળખાગત ક્ષમતા વધતાં વધુ રેલવે ટ્રાફિક ચલાવી શકાશે, જેને લીધે વધારે ગુડ્સ ટ્રેનો દ્વારા રેલવેની આવકમાં વધારો થશે.

વડાપ્રધાન માર્ગ અને મકાન વિભાગ હેઠળના, સૌરાષ્ટ્રના આંતરમાળખાકીય રોડ નેટવર્કને વધુ સુદ્રઢ કરતાં પ્રકલ્પનું પણ લોકાર્પણ કરવાના છે. જેમાં રાજકોટ-પોરબંદર વચ્ચે સુપેડી, ચિત્રાવડ, માત્રાવડ, જામદાદર રોડના રૂ.42 કરોડના કામોનો સમાવેશ થાય છે. આ રોડથી કૃષિ કાર્ય સાથે જોડાયેલા ગામોને વધુ સારી રોડ કનેક્ટિવિટી મળવા લાગશે. જેના કારણે લોકોને મુસાફરી સાથે ખેડૂત ભાઈઓને પોતાના ખેત ઉત્પાદનોને ખેતરથી બજાર કે તાલુકા મથક સુધી લઈ જવાનું વધુ સરળ બનશે. તેમના સમય, શક્તિ, ઈંધણની સાથે નાણાની બચત થશે. ઝડપી, સુવિધાજનક મુસાફરી સ્થાનિક અર્થતંત્રને પણ વેગ આપશે.

વડાપ્રધાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમૃત સ્કીમ હેઠળ કુલ રૂ.108.47 કરોડના વિવિધ વિકાસ પ્રોજેકેક્ટનું લોકાર્પણ કરીને શહેરને મોટી ભેટ આપવાના છે. જેમાં  જેટકો ચોકડી ખાતે નિર્માણ પામેલ 50 એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૈયાધાર સ્માર્ટ સિટી ખાતે નિર્માણ પામેલ 8 એમએલડી ક્ષમતાના ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ન્યારી ડેમથી જેટકો સુધી અને પુનિતનગર, 80 ફૂટ રોડથી વાવડી હેડ વર્કસ સુધીની પાઇપલાઈનના બે પ્રોજેક્ટ અને જુદા-જુદા 6 પમ્પિંગ સ્ટેશનની મશીનરીના ઓગમેન્ટેશન પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ રૂડા દ્વારા કુલ રૂ.95.14 કરોડના ખર્ચે પૂર્ણ કરાયેલી 22 ગામો માટેની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ વડાપ્રધાનશ્રીના હસ્તે કરવામાં આવશે. આ સાથે  અમૃત મિશન 2.0 અંતર્ગત રૂ.291.49 કરોડના 22 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં અમૃત 2.0 સ્કીમ હેઠળ કુલ રૂ.259.76 કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટ પૈકી રૈયાધાર ખાતે 23 એમએલડી ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,  ઘંટેશ્વર ખાતે 15 એમએલડી ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, તેમજ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન,  ડ્રેનેજ પાઈપલાઈન નેટવર્ક, હાઉસ કનેક્શન ચેમ્બર,  ઉપરાંત પીવાના પાણી માટેની ડી.આઈ. પાઈપલાઈન નેટવર્ક, અને બે વોટર સપ્લાય હેડ વર્કસ સહીત કુલ 22 પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.