Abtak Media Google News
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયા પણ એક દિવસ વહેલા આવી એઇમ્સ સહિતના પ્રોજેકટની સમીક્ષા કરશે
  • વડાપ્રધાન મોદીને રાજકોટથી લંચ પેક કરીને અપાશે, ફ્લાઈટમાં તેઓ જમશે : તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

Rajkot News

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.25ના રોજ રાજકોટ આવી રહ્યા છે. તેઓ એઇમ્સની મુલાકાત લીધા બાદ રેસકોર્ષ ખાતે સભા સંબોધવાના છે. આ કાર્યક્રમને લઈને કેન્દ્રીય સચિવો અગાઉથી જ આવીને રાજકોટમાં ધામા નાખવાના છે અને તમામ તૈયારીઓની સમીક્ષા કરવાના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તાં.24 અને 25માં રોજ સૌરાષ્ટ્ર પ્રવાસે આવવાના છે. વડાપ્રધાન મોદી તા.24ના રોજ દેવભૂમિ દ્વારકા ખાતે બનેલા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવાના છે. ત્યારબાદ તેઓ રાત્રી રોકાણ પણ દ્વારકા જ કરવાના હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાથી સીધા રાજકોટની ભાગોળે પરાપીપળીયા નજીક આવેલ એઇમ્સ ખાતે હેલિકોપ્ટર મારફત આવવાના છે.

એઇમ્સના લોકાર્પણ સાથે તેઓ દ્વારા અન્ય 4 એઇમ્સનું પણ ઇ લોકાર્પણ કરવામાં આવનાર છે. જેમાં પશ્ચિમ બંગાળના કલ્યાણી, આંધ્રપ્રદેશના મંગલાગીરી, પંજાબના ભટીંડા, ઉતરપ્રદેશના રાયબરેલીને પણ વડાપ્રધાન ખુલ્લી મુકશે. ત્યાંથી વડાપ્રધાન મોદી રેસકોર્ષ ખાતેના સભા સ્થળે પહોંચવાના છે. વડાપ્રધાન મોદી અહીંથી વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે.

વડાપ્રધાન મોદીની સભા માટે રેસકોર્ષમાં 5 જર્મન ડોમ તૈયાર કરવામાં આવશે. આ સાથે 10 એલઇડી મુકવામાં આવશે. આ માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં 26 કમિટીની રચના કરવામાં આવી છે. વડાપ્રધાનની સુરક્ષાને લઈને પણ તમામ તૈયારીઓ થઈ રહી છે.

રાજકોટમાં 3 જગ્યાએ પીએમનું સેફ હાઉસ બનશે. આ સેફ હાઉસ એઇમ્સ, રેસકોર્ષ અને સર્કિટ હાઉસ ખાતે બનાવવામાં આવશે. વડાપ્રધાનની મુલાકાત પૂર્વે કેન્દ્રીય સચિવો સહિતના અધિકારીઓ રાજકોટમાં ધામા નાખશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ એક દિવસ વહેલા આવી એઇમ્સ સહિતના પ્રોજેકટની સમીક્ષા કરશે. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજકોટથી રવાના થશે ત્યારે રાજકોટથી લંચ પેક કરીને અપાશે. આ લંચ ફ્લાઈટમાં તેઓ જમશે.

વડાપ્રધાનના કાર્યક્રમની 4.50 લાખ પત્રિકાઓ ઘેર-ઘેર વિતરણ કરશે કોર્પોરેશન

પ્રથમવાર નવત્તર પ્રયોગ: ચૂંટણીલક્ષી આયોજન

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી રવિવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓના હસ્તે કોર્પોરેશન અને રૂડાના 495 કરોડના વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરવામાં આવનાર છે. દરમિયાન કોર્પોરેશન દ્વારા પ્રથમવાર નવત્તર પ્રયોગ હાથ ધરવામાં આવશે. પીએમના હસ્તે કોર્પોરેશન અને રૂડાના જે પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવનાર છે. તેની 4.50 લાખ પત્રિકાઓ છપાવવામાં આવશે અને તેનું ઘેર-ઘેર વિતરણ કરવામાં આવશે. કાલથી વિતરણ શરૂ કરી દેવાશે. ટૂંકમાં લોકસભાની ચૂંટણીમાં એકપણ લાભ ખાટવામાં ભાજપના શાસકો કચાશ રાખવા માંગતા નથી. સામાન્ય રીતે થોડી ઘણી પત્રિકાઓ છપાવવામાં આવતી હોય છે અને તેનું વિતરણ સરકારી ઓફિસો, રાજકીય આગેવાનો, સામાજીક સંસ્થાઓમાં કરવામાં આવતું હોય છે. પરંતુ પ્રથમવાર કોર્પોરેશન દ્વારા પીએમના કાર્યક્રમની 4.50 લાખ પત્રિકાઓનું ઘેર-ઘેર વિતરણ કરવાનું ચૂંટણીલક્ષી આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.