Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના છોટા ઉદેપુર જિલ્લા ખાતે ₹5206 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શિક્ષણનું સ્તર વધુ ને વધુ બહેતર બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે, ત્યારે વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ₹4505 કરોડના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. આ ઉપરાંત, વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.

ગુજરાતના 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવશે

મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ₹4505 કરોડના વિકાસકાર્યો વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત ₹4505 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. આ યોજના અંતર્ગત ₹1426 કરોડના કામોનું લોકાર્પણ અને ₹3079 કરોડના કામોનું ખાતમુહુર્ત કરવામાં આવશે, જેમાં 9088 નવીન વર્ગખંડો, 50,300 સ્માર્ટ ક્લાસરૂમ્સ, 19,600 કોમ્પ્યુટર લેબ્સ, 12,622 વર્ગખંડોનું અપગ્રેડેશન તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન 22 જિલ્લાઓના 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કરશે. આ માટે ₹60 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ₹277 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ, ₹251 કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગ તેમજ ₹80 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. દાહોદ ખાતે ₹23 કરોડના ખર્ચે નવોદય વિદ્યાલય તેમજ ₹10 કરોડના ખર્ચે જ્ઞિં એફએમ રેડિયો સ્ટુડિયોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.