Abtak Media Google News

ખાલિસ્તાનની આંતકવાદી નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા છે. આ દરમિયાન હાલમાં જ એનઆઈએ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં 19 ખાલિસ્તાની આંતકવાદીની યાદી જાહેર કરી ઉપરાંત  ખાલિસ્તાનની આંતકવાદી પન્નુની પંજાબ અને ચંડીગઢ સ્થિત મિલકતો જપ્ત કરવામાં આવી હતી. હવે સરકાર વધુ એક કડક એક્શન લેવાના મુડમાં જોવા મળી રહી છે.

પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદીઓને અંકુશમાં લેવા માટે દેશની તમામ સુરક્ષા એજન્સીઓ એક થઈ ગઈ છે. આ અંતર્ગત એનઆઈએએ ખાલિસ્તાની ગતિવિધિઓ, આતંકવાદી ગતિવિધિઓ, ટેરર ફંડિંગ અને ગેંગસ્ટરોને નષ્ટ કરવા માટે દિલ્હીમાં આગામી 5-6 ઓક્ટોબરે એક મોટી બેઠક બોલાવી છે. એનઆઈએ ચીફ, આઈબી ચીફ, આરએડબ્લ્યુ ચીફ અને રાજ્યોના એટીએસના પ્રમુખઓ આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેશે. આ બેઠકનો મુખ્ય એજન્ડા ખાલિસ્તાની આતંકવાદની કમર તોડવાનો છે.

આ બેઠકમાં વિદેશથી ખાલિસ્તાની-આતંકવાદી અને ગેંગસ્ટરની સાંઠગાંઠ સામે કાર્યવાહી કરવા માટે મજબૂત રણનીતિ બનાવવામાં આવશે. બેઠકમાં પંજાબ, રાજસ્થાન, હરિયાણા, જમ્મુ કાશ્મીર, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હી એનસીઆરમાં ખાલિસ્તાની આંતકવાદીઓને ખતમ કરવા માટે સંપૂર્ણ આયોજન કરવામાં આવશે.

બીજી તરફ ખાલિસ્તાન મુદ્દે ભારત સાથેના વિવાદ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની મુશ્કેલીઓ હવે ઘણી વધી ગઈ છે. કેનેડાના વિપક્ષી નેતા પિયર પોઈલીવરે પીએમની ટીકા કરતા કહ્યું છે કે બીજા વિશ્વયુદ્ધમાં નાઝી વિભાગ સાથે સંકળાયેલા આરોપીનું સન્માન કરવું એ મોટી ભૂલ છે અને પીએમએ માફી માંગવી જોઈએ.

વાસ્તવમાં શું થયું કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીની મુલાકાત દરમિયાન, કેનેડિયન સાંસદોએ બીજા વિશ્વ યુદ્ધમાં નાઝી વિભાગ સાથે સંકળાયેલા હોવાના આરોપમાં એક વ્યક્તિનું સન્માન કર્યું. જે બાદ તેની આકરી ટીકા થઈ હતી. આ સમગ્ર ઘટના બાદ કેનેડાના યહૂદી સંગઠનોએ રવિવારે પીએમ પાસે માફી માંગવાની માંગ કરી છે.

આ ઉપરાંત કેનેડા ભારત  વચ્ચે વધી રહેલા તણાવ દરમિયાન કેનેડિયન સેનેટમાંથી ભારતીય મૂળના સરબજીત સિંહ મરવાહે રાજીનામાની જાહેરાત કરી દેતાં ટ્રુડો સરકારને મોટો આંચકો લાગ્યો છે. કેનેડિયન સેનેટમાં નિમણૂક પામનારા મરવાહ પ્રથમ શીખ હતા અને તેમનો કાર્યકાળ 2026 સુધીનો હતો. જસ્ટિન ટ્રુડો એ તેમની સેનેટમાં નિમણૂક કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.