Abtak Media Google News

જામનગર સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના સક્ષમ માર્ગદર્શન તળે ‘જનજાતીય ગૌરવ દિવસ’ થી સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 30 લાખ જેટલા નાગરિકો સહભાગી બન્યા છે, અને વિવિધ યોજનાઓ વિષે જાણકારી મેળવી શક્યા છે. જે અંતર્ગત, સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકાના ઠેબા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

કાર્યક્રમના અધ્યક્ષ અને સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં 15 દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 30 લાખ લોકો જોડાયા છે, અને તેઓ વિવિધ સરકારી યોજનાઓથી લાભાન્વિત બની રહ્યા છે. કાર્યક્રમમાં સમાવિષ્ટ સંકલ્પ રથનું નામ બદલીને તેને ” ગેરેન્ટી વાળી ગાડી” આવા નવા નામથી નાગરિકો તેને ઓળખી રહયા છે. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું સપનું સૌએ ભેગા મળીને સાકાર કરવાનું છે.

કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમ થકી દેશભરના નાગરિકો સાથે જોડાયા હતા. તેમજ દેશભરમાંથી વિવિધ યોજનાઓના 5 લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાન ના હસ્તે દેશભરમાં 25,000 નવા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનું ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, અને 10,000મા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનો ઝારખંડ રાજ્યના દેવઘર જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન દ્વારા નમો ડ્રોન દીદી કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે, જેના થકી મહિલા ખેડૂતોને ડ્રોન ચલાવવા અંગે તાલીમ આપવામાંં આવશે.

સાંસદ અને અન્ય મંચસ્થ મહાનુભાવોના હસ્તે ઠેબા ગ્રામ પંચાયતને હર ઘર જલ યોજના અંતર્ગત હર ઘર જલ અભિનંદન પત્ર અને સ્વામિત્વ યોજના હેઠળ રેકોર્ડ ડીઝીટલાઈઝેશનના પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ મહાનુભાવો દ્વારા વિવિધ યોજનાઓની જાણકારી આપતા સ્ટોલ્સની મુલાકાત લેવામાં આવી હતી.

કાર્યક્રમમાં ઠેબા પ્રાથમિક શાળાના વિધાર્થીઓ દ્વારા ” કરે પુકાર- પ્રાકૃતિક કૃષિ” વિષય પરનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું.
સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મેરી કહાની મેરી જુબાની સાફલ્ય ગાથા કાર્યક્રમમાં લાભાર્થીઓએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ થકી તેઓને મળેલા લાભો અંગે પોતાના અનુભવ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, શ્રમિક અન્નપૂર્ણા યોજના અને અન્ય યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સમારોહના અંતે આભારવિધિ જામનગર તાલુકા વિકાસ અધિકારી સરવૈયાભાઈએ કરી હતી. આ કાર્યક્રમમાં, જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, જિલ્લા કલેકટર બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગઢવી, પ્રાંત અધિકારી (ગ્રામ્ય) ડોબરીયા, જામનગર તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન દુધાગરા, કારોબારી સમિતિના ચેરમેન ચંપાબેન પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા, નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લ, આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીઓ, લાભાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.