Abtak Media Google News

માંડવીયાને સ્વતંત્ર પ્રભારનાં રાજયમંત્રી બનાવાયા જયારે રૂપાલા માત્ર રાજયકક્ષાના મંત્રી ગુજરાતનાં ૩ સાંસદોને જ મોદી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું: વિભાગોની ફાળવણી આજે કરાશે

લોકસભાની ચુંટણીમાં પ્રચંડ જનાદેશ સાથે ચુંટાયા બાદ નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે સાંજે બીજી વખત દેશનાં વડાપ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા હતા તેઓની સાથે અન્ય ૫૮ મંત્રીઓએ પદ અને ગોપનીયતાનાં શપથ લીધા હતા. ગુજરાતે ફરી એક વખત રાજયની તમામ ૨૬ બેઠકો પર કમળ ખીલવી દીધું હોવા છતાં રાજયનાં માત્ર ૩ સાંસદોને જ મોદી મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, રાજયસભાનાં સાંસદ મનસુખભાઈ માંડવીયા અને પરસોતમભાઈ રૂપાલાનો સમાવેશ થાય છે. માંડવીયા અને રૂપાલાને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં માંડવીયાને પ્રમોશન અપાયું છે ત્યારે રૂપાલાને ઠેરને ઠેર રાખવામાં આવ્યા છે.

મોદી સરકારની પ્રથમ ટર્મમાં મનસુખભાઈ માંડવીયા હાઈવે, પોર્ટ, કેમીકલ્સ એન્ડ ફર્ટીલાઈઝર્સ વિભાગનાં રાજયકક્ષાનાં મંત્રી તરીકે જવાબદારી નિભાવતા હતા તેઓને મોદી સરકારની બીજી ટર્મમાં પ્રમોશન આપવામાં આવ્યું છે. ગઈકાલે તેઓએ સ્વતંત્ર પ્રભારનાં રાજયકક્ષાનાં મંત્રી તરીકે શપથ લીધા હતા જોકે હજી સુધી તેઓને વિભાગની ફાળવણી કરવામાં આવી નથી. મોદી સરકારનાં ૫૮ મંત્રીઓએ શપથ લીધા છે જેમાં ૯ મંત્રીઓને સ્વતંત્ર પ્રભાર આપવામાં આવ્યા છે તે તમામ ભાજપનાં જ છે. ગુજરાતથી રાજયસભાનાં સાંસદ બની દિલ્હી ગયેલા પરસોતમભાઈ રૂપાલા મોદી સરકારની પ્રથમ ટર્મમાં રાજયકક્ષાનાં કૃષિ મંત્રી અને ખેડુત કલ્યાણ મંત્રાલયમાં ફરજ બજાવતા હતા. તેઓને બીજી ટર્મમાં મંત્રીપદે રીપીટ કરવામાં આવ્યા છે પરંતુ કોઈપણ પ્રકારનું પ્રમોશન આપવામાં આવ્યું નથી. તેઓએ ગઈકાલે રાજયકક્ષાનાં મંત્રી તરીકે શપથ લીધા હતા. ગુજરાતમાંથી લોકસભાનાં ૨૬ સાંસદો અને રાજયસભાનાં ૫ સાંસદો હોવા છતાં મોદી મંત્રીમંડળમાં અમિત શાહ સહિત માત્ર ૩ સાંસદોનો જ સમાવેશ કરવામાં આવ્યો છે.

શપથવિધિ પૂર્વે એવું માનવામાં આવતું હતું કે, દેશમાં સૌથી વધુ લીડ સાથે ચુંટાયેલા નવસારી બેઠકનાં સાંસદ સી.આર.પાટીલને આ વખતે મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. જયારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લીડ સાથે ફરી સાંસદ બનેલા મોહનભાઈ કુંડારીયાને પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે. જો રાજયમાંથી મહિલા પ્રતિનિધિની પસંદ કરવામાં આવે તો પૂનમબેન માડમનું નામ જોરશોરથી ચર્ચામાં હતું પરંતુ આ તમામ નામો પર ગઈકાલે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. પ્રથમ ટર્મમાં મંત્રી રહેલા જસવંત ભાભોરનું પતુ પણ કપાયું છે.જોકે મંત્રીમંડળમાં માત્ર ૫૮ મંત્રીઓએ જ શપથ લીધા હોય આગામી દિવસોમાંમંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે અને તેમાં ગુજરાત સહિતનાં રાજયો અને સાથી પક્ષોને વધારે પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી પણ શકયતા હાલ નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.