Abtak Media Google News

અમૂકના તો અવસાન  પણ થઈ ચૂકયા છે, ભાજપનાં વહિવટનો નમૂનો: મનિષ દોશીનો પ્રહાર

ભાજપના 20 વર્ષના વિશ્વાસ ને ઉજાગર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે સરકારી મેડીકલ કોલેજના 6 પ્રોફેસર અને 11 સહપ્રાધ્યાપકના 20-25 વર્ષે બઢતી નીમણુંક પત્રો પાછલી અસરથી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના શિરમોર વહીવટના નમુનારૂપે  જાહેર થયા છે જેમાં કોઈ અવસાન થયું છે કે ઘણા બધા દસ-દસ વર્ષથી નિવૃત થઇ ગયા. અને તે પણ તદ્દન હંગામી ધોરણે. રાજ્યમાં સરકારી મેડીકલ કોલેજમાં તબીબી શિક્ષણ આપતા પ્રાધ્યાપક-સહપ્રાધ્યાપકોને મળવા પાત્ર બઢતી, પે સ્કેલ અને અન્ય લાભો માટે છેલ્લા 25 વર્ષમાં આંદોલન, હડતાલ સહીત અનેક રજુઆતો સચિવાલયમાં બિરાજમાન મંત્રીથી લઈને સંત્રી સુધી કરવામાં આવી હતી. તેમ છતાં તેમનો કાર્યકાળ પૂરો થઇ જાય, મંત્રીઓના વિભાગો બદલાઈ જાય પણ મળવા પાત્ર લાભોથી સતત રાજ્યના તબીબી શિક્ષણ આપતા પ્રાધ્યાપકોને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં વિવિધ સરકારી મેડીકલ કોલેજમાં 1995, 1997, 1998, 2000, 2001, 2003માં જે તે સમયે એડ-હોક બઢતીના આદેશ કરવામાં આવ્યા હતા. એટલે કે એડ-હોક બઢતી જ્યાં સુધી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નિયમ મુજબ પસંદગી ન થાય અથવા તો સમય મર્યાદામાં વિભાગીય બઢતી થાય આવી કોઈ પણ વ્યવસ્થા છેલ્લા 25 વર્ષમાં આરોગ્ય વિભાગ દ્વારા અમલવારી ન કરીને આજે પણ જે બઢતીના આદેશ કરવામાં આવ્યા તે તદ્દન હંગામી ધોરણે થયા એ કેટલા અંશે વ્યાજબી? પ્રાધ્યાપકો અવસાન પામ્યા, નિવૃત્તિના દસ વર્ષ પૂર્ણ થઇ ગયા ત્યાં સુધી આરોગ્ય વિભાગ જાણી જોઇને ઊંઘી રહ્યું. જેતે  સરકારી મેડીકલ કોલેજમાં ખરીદી, બાંધકામ સહીત અનેક પ્રકારની ગેરરીતીઓ આચરવા માટે મંત્રીઓને અધિકારીઓને છુટો દોર મળે તે માટે કાયમી બઢતી-નિમણુકને બદલે પ્રાધ્યાપકોને હંગામી ધોરણે જ લટકાવી રાખવું સુનિયોજિત કાવતરું તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

Advertisement

રાજ્યની સરકારી મેડીકલ કોલેજમાં કાર્યરત પ્રાધ્યાપકો અને કર્મચારી પ્રત્યે ઓરમાયું અને તુમારશાહી વર્તન કરનાર ભાજપાના શાસકોએ રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થાને મોટાપાયે નુકશાન કરી રહ્યા છે. ત્યારે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ આરોગ્ય વિભાગ- ભાજપ સરકાર જવાબ આપે કે, મેડીકલ કોલેજના પ્રાધ્યાપકોને 25-25 વર્ષ સુધી કેમ એડ-હોક જ બઢતી?,  મેડીકલ કોલેજના પ્રાધ્યાપકને નિવૃત થઇ જાય, અવસાન પામે, ત્યાં સુધી કુંભકરણની નિદ્રામાં સુઈ ગયેલ આરોગ્ય વિભાગ કેમ જાગતું નથી ? મેડીકલ કોલેજ ના પ્રાધ્યાપકોને હક્ક અને અધિકાર આપવામાં 20-25 વર્ષનો વિલંબ માટે જવાબદાર કોણ ?  ગુજરાત જાહેર સેવા આયોગની જવાબદારી બને છે કે 20-25 વર્ષ સુધી બઢતી-નીમણુંક કાયમી ન થવા છતાં આ પ્રકારની ગંભીર અનિયમિતા અંગે વિધાનસભામાં કેમ અહેવાલ રજુ ન કર્યો? તેની પણ તપાસ થવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.