Abtak Media Google News

૮ એકર ખાનગી જમીનના સંપાદનનો માર્ગ પણ મોકળો: ટૂંક સમયમાં સંપાદનની પ્રક્રિયા હાથ ધરાશે

પરાપીપળીયા નજીક નિર્માણ પામનાર એઈમ્સ સંકુલનું ખાતમુહૂર્ત લોકસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે થાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ અંગે તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. હાલ વહીવટી તંત્ર દ્વારા એઈમ્સ માટે ૩૦૦ એકર સરકારી જમીન ફાળવવા માટે રાજય સરકારને દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ૮ એકર જેટલી ખાનગી જમીનના સંપાદનનો માર્ગ મોકળો થતાં ટૂંક સમયમાં સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

Aims 1

રાજકોટની ભાગોળે પરાપીપળીયા નજીક એઈમ્સ સંકુલના નિર્માણની તાજેતરમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ માટે વહીવટી તંત્ર દ્વારા ૩૦૮ એકર જગ્યા નિશ્ર્ચિત કરવામાં આવી છે. જેમાંની ૩૦૦ એકર જેટલી જમીન સરકારી ખરાબાની છે. ખંઢેરી સર્વે નં.૧૬ પૈકી ૩ની ૬૬૫૯૦૮ હેકટર ચો.મી., પરાપીપળીયાની સર્વે નં.૧૯૭ પૈકીની ૫૪૩૫૯૨ હેકટર ચો.મી. એટલે કે, કુલ ૩૦૦ એકર જેટલી સરકારી જમીન વહીવટી તંત્રએ એઈમ્સ સંકુલના નિર્માણ માટે નિશ્ર્ચિત કરી છે ત્યારે આ જમીન ફાળવવા માટે વહીવટી તંત્રએ રાજય સરકાર સમક્ષ દરખાસ્ત કરી છે. થોડા જ દિવસોમાં રાજય સરકાર આ જમીન એઈમ્સ સંકુલને ફાળવવા માટે મંજૂરીની મહોર મારી દેશે એટલે એઈમ્સ સંકુલના ખાતમુહૂર્તની તૈયારી શ‚ કરવામાં આવશે.

વધુમાં એઈમ્સ સંકુલના નિર્માણ માટે ખંઢેરી સર્વે નં.૨૭ની ૧૦૩૧૯ હેકટર ચો.મી., પરાપીપળીયાની સર્વે નં.૧૭૦ની ૨૧૩૪૭ હેકટર ચો.મી. તેમજ પરાપીપળીયાની ૧૬૭ની ૨૯૩૪ હેકટર ચો.મી. મળી કુલ ૮ એકર જેટલી ૩ ખેડૂતોની જમીનનું સંપાદન કરવામાં આવનાર છે. આ સંપાદનનો માર્ગ મોકળો થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે તેથી ટૂંક સમયમાં વહીવટી તંત્ર દ્વારા આ ખાનગી જમીનના સંપાદનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

ખીરસરામાં નવી જીઆઈડીસીના નિર્માણ  માટે ૨૪૦ એકર જગ્યાનો રૂ.૨૫૦૦ પ્રતિ ચો.મી. ભાવ નકકી કરાયો

તાજેતરમાં રાજય સરકારે જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરી હતી જેમાં રાજકોટના ખીરસરા ખાતે પણ નવી જીઆઈડીસીના નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી. ખીરસરા ખાતે નિર્માણ પામનાર આ જીઆઈડીસી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૪૦ એકર જગ્યા ફાળવવામાં આવી છે. છેલ્લા થોડા સમયથી જંત્રી દર મુજબ નકકી કરાયેલા ભાવમાં મડાગાંઠ ચાલી રહી હતી ત્યારે ભાવ ઓછા કરવા માટે રાજય સરકાર સમક્ષ દરખાસ્ત મોકલવામાં આવી હતી. અંતે આ જમીનના ભાવ રૂ.૨૫૦૦ પ્રતિ ચો.મી. નકકી કરવામાં આવ્યા હોવાનું જિલ્લા વહીવટી તંત્રમાંથી જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.