Abtak Media Google News

મતદાન મથકોના પુન:ગઠન અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મળી મિટિંગ: જિલ્લામાં હાલ 2242 મતદાન મથકો : જર્જરિત થઈ ગયા હોય, મતદારોને દૂર પડતા હોય તેવા મતદાન મથકો બદલવા પણ દરખાસ્ત

જિલ્લામાં મતદાન મથકોના પુન:ગઠન અને વધારા અંગે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને પરામર્શ બેઠક યોજાઈ હતી. જેમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તેમજ વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ, રિટર્નિંગ ઓફિસરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લામાં નવા 11 બૂથ વધારવા દરખાસ્ત કરાઈ હતી. જેને ચૂંટણીપંચમાં મોકલવામાં આવશે.

1500 મતદાર દીઠ એક મતદાન રાખવા ચૂંટણી પંચની સૂચના, મતદારોની સંખ્યા વધી હોય તેવી જગ્યાએ મતદાન મથકો વધારવા ચૂંટણીપંચની મંજૂરી લેવાશે

Img 20220707 Wa0007 1

આ મિટિંગમાં રાજકોટ જિલ્લાના વિવિધ વિધાનસભા મતવિસ્તારોના મતદાન મથકોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં જર્જરિત થઈ ગયા હોય, મતદારોને દૂર પડતા હોય, વગેરે જેવા કારણોવાળાં મતદાન મથકો બદલવા દરખાસ્ત કરવામાં આવી હતી. તેમજ મીટીંગમાં રજૂ થયેલી વિગતો મુજબ જિલ્લાના વિવિધ મતવિસ્તારોમાં હાલ કુલ 2242 મતદાન મથકો છે. જેની સામે જિલ્લામાં 11 નવા મતદાન મથકો વધારવા દરખાસ્ત કરાઈ હતી.

ચૂંટણી વખતે મતદારોને હાલાકી ન પડે, નાગરિકોને મતદાન કરવામાં સરળતા રહે તે રીતે મતદાન મથકોનું ગઠન કરવા કલેક્ટરે નિર્દેશ કર્યો હતો. વર્તમાન મતદાન મથકો સાથે નવા સૂચિત મતદાન મથકો અંગે વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓના પ્રતિભાવો પણ મેળવ્યા હતા.આ પ્રતિભાવોને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચની ગાઇડલાઇન મુજબ યોગ્ય પગલાં લેવા પણ કલેક્ટરે રિટર્નિંગ ઓફિસરોને જણાવ્યું હતું.

મિટિંગમાં થયેલી ચર્ચા મુજબ, ચૂંટણીપંચની ગાઇડલાઇન મુજબ, નાગરિકો સરળતાથી મતદાન કરી શકે તે માટે 1500 મતદાર દીઠ એક મતદાન રાખવાનું હોય છે. જો કોઈ બૂથ પર મતદારોની સંખ્યા વધારે હોય તો નવા બૂથ ઊભા કરવા માટે ગાઇડલાઇન અપાઈ છે. જેને અનુલક્ષીને આ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે.જી.ચૌધરી, રાજકોટ શહેર – જિલ્લાના પ્રાંત અધિકારીઓ, મામલતદારો, રાજકીયપક્ષોના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.