Abtak Media Google News

અબતક: જય વિરાણી, કેશોદ:રાજયભરમાં કાયદો વ્યવસ્થા કથળતી જય રહી હોય તેમ લૂંટ, મારામારી, ચોરીની ઘટનાઓ બની રહી છે. જૂનાગઢના કેશોદમાં પણ હાલ કઈક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. મેસવાણ ગામે ઘાતક હથીયાર સાથે ગામલોકોને ધમકાવતા યુવકનો વીડિયો વાયરલ થતાં સમગ્ર ગામમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું અને ગ્રામ્ય વિસ્તારમાં સરેઆમ લુખ્ખાગીરી કરતાં યુવાનની હરકતોથી રોષ ફેલાયો હતો. કેશોદના મેસવાણ ગામે સ્થાનિકોએ બજારો બંધ રાખી ગ્રામસભા બોલાવી હતી અને મેસવાણ ગામે ચાલતી દારૂ જુગારની બદી દૂર કરવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી હતી.

મેસવાણ ગામે દારૂ પીધેલા છાશવારે સામાન્ય ગામવાસીઓને હેરાનપરેશાન કરતાં હોય ત્યારે કાયદાનું ભાન કરાવવામાં આવે તો દિવાળીના તહેવારો શાંતિ અને સુરક્ષા વચ્ચે લોકો કરી શકશે તેમ માંગ ઉઠી હતી. મેસવાણ ગામે મહિલાઓ બાળકો એકલદોકલ ઘરવખરી કે પાણી ભરવા કે પશુઓને પાણી પીવડાવવા જાવું હોય તો ડરી રહ્યાં છે. કેશોદ પોલીસ દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતાં જનતા રેડ કરતાં દારૂડિયા રફુચક્કર થઈ ગયા હતા.

મેસવાણ ગામે ગ્રામ્યજનોની મુલાકાત લઈને રજુઆતો સાંભળી પદાધિકારીઓએ ખાત્રી આપ્યાં બાદ બજારો ખુલી

જો કે આ ઘટનાની પોલીસને જાણ થતાં મેસવાણ ગામે પહોંચી સ્થાનિક આગેવાનોની રજૂઆત સાંભળી હતી. આજરોજ સતત બીજા દિવસે મેસવાણ ગામ સતત બંધ રહેતા જુનાગઢ જિલ્લા પંચાયતનાં સદસ્ય સહિત તાલુકાના પદાધિકારીઓ પહોંચી ગામમાં મુલાકાત લઈને સ્થાનિક વેપારીઓ અને ગ્રામવાસીઓની રજુઆતો સાંભળી કાયમી ધોરણે ઉકેલ લાવવા ખાત્રી આપી હતી. પદાધિકારીઓની ખાતરી બાદ મેસવાણની બજારો ખોલવામાં આવી છે. જો કે આ ઘટના બનતા અને લૂખ્ખાઓનો ત્રાસ વધતાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા આડે આડખીલીરૂપ બનતા રાજકીય આગેવાનો અને પદાધિકારીઓ બનતાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.