Abtak Media Google News

જેલના કેદીઓએ બનાવેલા શુદ્ધ ઘીના અડદિયાંનો સ્વાદ રાજકોટની જનતાનાદાઢે વળગ્યો

દૈનિક ૪૦ થી ૫૦ કિલો શુદ્ધ ઘીના ડ્રાયફ્રૂટ્સ અડદિયાં કરાય છે તૈયાર

Adadiya

રાજકોટની જેલના કેદીઓ છેલ્લા ૧૦ વર્ષથી રાજકોટવાસીઓને ફરસાણની સ્વાદિષ્ટ વાનગી પીરસી રહ્યા છે ત્યારે જેલના કેદીઓની વધુ એક વાનગી રાજકોટિયનના દાઢે વળગી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજકોટ જેલના કેદીઓ શિયાળામાં અડદિયાં બનાવી વહેંચી રહ્યાં છે. માત્ર રાજકોટ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રભરમાં તેમનાં અડદિયાં વેચાય છે અને વખણાય છે.  ફક્ત એટલું જ નહીં પરંતુ જેલના કેદીઓ દ્વારા ગાંઠિયા, મીઠાઈ સહિતની વાનગીઓ પણ બનાવાઈ રહી છે જે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની સ્વાદરસિક જનતાના દાઢે વળગ્યો છે.

દર વર્ષે શિયાળાની ઋતુમાં જેલના કેદીઓ દ્વારા અડદિયા બનાવીને વેંચાણ કરવામાં આવે છે. ગત વર્ષે જેલના કેદીઓએ રૂ. ૮.૨૧ લાખના અડદિયાનું વેંચાણ કર્યું હતું. ત્યારે ચાલુ વર્ષે પણ અડદિયાનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ કામ માટે જેલના કેદીઓ સવારના ૯ વાગ્યાથી જ કામે લાગી જાય છે.

શુદ્ધ ઘીમાં બનાવવામાં આવતા અડદિયા બનાવવા માટે  જેલમાં પાકા કામના ૩૦ જેટલા કેદીઓ દ્વારા રોજ ૪૦ થી ૫૦ કિલો અડદિયાં બનાવવામાં આવે છે. શુદ્ધ ઘીના અડદિયા બજારમાં રૂા. ૩૦૦ ના કિલો વેચાય છે. સામાન્ય રીતે બજારમાં અન્ય અડદિયાં ૪૦૦ થી ૫૦૦ ના કિલો વેચાય રહ્યા છે. જેલના કેદીઓ દ્વારા શુદ્ધ ઘીના ડ્રાયફ્રૂટ્સથી ભરપૂર અડદિયાં બનાવવામાં આવી રહ્યા છે.

શિયાળાની શરૂઆતથી લઈ ફેબ્રુઆરીના અંત સુધી કેદીઓ અડદિયાં બનાવે છે ત્યારે ૭ વાગ્યે ઊઠી પોતાની દિનચર્યા પૂર્ણ કર્યા બાદ ૯ વાગ્યે કામ પર લાગી જાય છે.૯ થી ૧૨ સુધી અને બપોરે ૩ થી ૫:૩૦ સુધી અડદિયાં બનાવવાનું કામકાજ કરે છે. આ કામ બદલ તેમને વળતર પણ ચૂકવવામાં આવે છે. અત્યારસુધીમાં આ સીઝનના ૧૦૦૦ કિલોથી વધુ અડદિયાં બની ચૂકયા છે. હાલ સુધીમાં અંદાજે ૩ લાખથી વધુનું વેચાણ કરી લેવામાં આવ્યું છે.

અડદિયાંમાં ગુંદ, કાજુ બદામ, અડદિયાંનો મસાલો, અડદનો લોટ જેવી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત શહેરની કોઈ વ્યક્તિના ખાસ ઓર્ડર પર પણ બનાવી આપવામાં આવે છે. ગત વર્ષે ૮.૨૧ લાખના અડદિયાં વેચાયાં હતાં. અત્યારસુધીના આ સીઝનના ૧૬૦૦ કિલો અડદિયાંનું વેચાણ થઈ ચૂકયું છે. હજુ ફેબ્રુઆરીના અંત સુધીમાં ૫૦૦ કિલોથી વધુનું વેચાણ થઈ જશે. કેદીઓ પણ હોંશે હોંશે આ કાર્ય કરી રહ્યા છે.

જેલમાં કેદીઓ પોતાની આવડત મુજબ કામગીરી કરે છે, જેનું વળતર તેમને આપવામાં આવે છે. આ વળતરમાંથી કેદીઓ પોતાના રોજબરોજની વસ્તુ ખરીદવા માટે અડધો પગાર પોતાની પાસે રાખે છે અને વધેલું અડધું વળતર પરિવારજનોને મોકલે છે. જેલમાં કામ કરતા કેદીઓનું પોસ્ટમાં ખાતું હોય છે, જેમાં તેમનો અડધો પગાર જમા કરવામાં આવે છે. જે-તે સમયે કેદીઓ જેલમાંથી છૂટે ત્યારે એ પગાર વાપરી શકે છે અથવા પોતાનાં પરિવારજનોને મોકલી શકે છે. આ રીતે કેદીઓ જેલમાં રહીને પોતાના પરિવારની મદદ કરી શકે છે અને પોતે પણ કામગીરી કરી આવડત વિકસાવે છે.

અડદિયા બનાવવા બદલ અપાતું વેતન કેદીઓ પરિવાને મોકલી દે છે !!

અડદિયા બનાવવા બદલ કેદીઓને વેતન ચુકવવામાં આવે છે. પ્રતિ કિલો રૂ. ૮ના દરથી કેદીઓને વેતન ચુકવવામાં આવે છે. કેદીઓ જે વસ્તુ બનાવે છે તેનો ખર્ચ સરકાર તરફથી અપાતી ગ્રાન્ટમાંથી લેવામાં આવે છે. આવાં કાર્યોથી કેદીઓનો માનસિક અને શારીરિક વિકાસ થાય છે અને એના બદલામાં તેમને કમાવાનો મોકો પણ મળે છે, જેના થકી તેઓ પોતાના જીવન જરૂરી ખર્ચા કરી શકે છે અને પોતાનાં પરિવારજનોને પણ રકમ ઘરે મોકલી શકે છે. કાલાવડ રોડ પર આવેલ ભજિયાં હાઉસ અને પોપટપરાના નાલા પાસે આવેલી સેન્ટ્રલ જેલના મેઈન ગેટ પાસે જાહેર જનતા માટે અડદિયાં વેચાણ માટે મૂકવામાં આવે છે.

અડદિયા બનાવતા કેદીઓને અપાય છે વેતન

રાજકોટની જેલમાં અંદાજે ૩૦ જેટલા પાકા કામના કેદીઓ અડદિયાં બનાવવાનું કામ કરી રહ્યા છે. તેમને પ્રતિ કિલો અડદિયાં પર રૂા. ૮ વેતન ચૂકવવામાં આવે છે. રોજ અંદાજે ૪૦-૫૦ કિલો ચોખ્ખા ઘીના અડદિયાં બનાવવામાં આવે છે. એક કેદી મહિનાનું ૫ હજાર રૂપિયા જેટલું વેતન પાળી લે છે. અત્યારસુધીમાં આ સીઝનના ૧૬૦૦ કિલો બનાવી ચૂકયાં છે. હજુ આગામી દિવસોમાં ઠંડી નહીં જાય ત્યાં સુધીમાં ૫૦૦ થી વધુ કિલો અડદિયાંનું વેચાણ કરી લેવાય તેવો લક્ષ્યાંક છે.

કેદીઓ ૧૭ પ્રકારના ફરસાણ પણ કરે છે તૈયાર !!

હાલ કેદીઓ અડદિયાં બનાવવાનું પણ શરૂ કર્યું છે. ત્યારે ૧૭ જાતનાં ફરસાણ પણ બનાવે છે, જેમાં મોહનથાળ, મીઠી બુંદી, ગાંઠિયા, લાડુ, સમોસા, ભાવનગરી ગાંઠિયા, ચંપાકલી ગાંઠિયા, તીખા ગાંઠિયા, સકકરપારા, ફૂલવડી, સેવમમરા, ચવાણું, તીખી બુંદી, સમોસાં, જલેબી, ફાફડા, પફ ખારી જેવી અનેક વસ્તુઓ બનાવે છે. આ ઉપરાંત સુથારી, બેકરી, દરજી, ધોબીકામ કરે છે, જેમાં કેદીઓનાં કપડાં સીવવાનું કામ પણ કેદીઓ જ કરે છે. અંદાજે ૧૦૦ જેટલા કેદીઓ વિવિધ કામગીરી કરી રોજગારી મેળવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.