Abtak Media Google News

મર્યાદા કરતાં વધુ સમય સ્માર્ટ ફોન પર વિતાવવો ઘાતક છે આ વિષય પર મનોવિજ્ઞાન ભવને 450 વાલીઓ અને વિદ્યાર્થીઓ પર સર્વે કર્યો જેમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા

આજના યુગમાં સ્માર્ટફોન દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગયો છે, પરંતુ તેના ઉપયોગ અંગે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. સ્માર્ટફોનના સતત ઉપયોગને કારણે કિશોરોમાં આત્મહત્યા વૃત્તિ, ડિપ્રેશન, ચિંતા અને અનિદ્રા જેવી સમસ્યાઓ વધી રહી છે.  મોબાઈલના વધુ પડતા ઉપયોગને કારણે મગજ પર ખરાબ અસર પડે છે.  મનોવિજ્ઞાનના તજજ્ઞો તેને એક એક વ્યસન માને છે. જ્યારે બાળકો સ્માર્ટફોનના સંપર્કમાં આવે છે ત્યારે તેમનો માનસિક વિકાસ યોગ્ય રીતે થતો નથી.  બાળકનું મન નબળું પડી જાય છે.

મોબાઈલ કે સ્માર્ટફોનમાંથી નીકળતા તરંગો મગજ પર ઊંડી અસર કરે છે એટલું જ નહીં સાંભળવાની ક્ષમતાને પણ નબળી પાડે છે. છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓમાં મોબાઈલની ના પાડતા આત્મહત્યા કરવાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. આજકાલ દેશમાં બાળકોથી લઈને વડીલો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ વધી રહ્યો છે. કોમ્પ્યુટર અને સ્માર્ટ ફોનના વધુ પડતા ઉપયોગને કારણે કિશોરોમાં આત્મહત્યાની શક્યતાઓ વધી રહી છે.

આધુનિક ચીજવસ્તુઓના વધુ પડતા ઉપયોગને કારણે લોકો તેના વ્યસની બની રહ્યા હોવાનું જોવા મળે છે.  આજના યુવાનો સ્માર્ટફોન વગર ન તો ચાલી શકે છે કે ન તો કોઈ કામ કરી શકે છે.

સ્માર્ટ ફોનનો મર્યાદિત ઉપયોગ કરવામાં આવે તો તે નુકસાનકારક નથી, પરંતુ મર્યાદા કરતાં વધુ સમય સ્માર્ટ ફોન પર વિતાવવો ઘાતક છે. *ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા આર. દોશી અને અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ દ્વારા એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલ વિદ્યાર્થીઓએ ટ્રાફિક સિગ્નલ , બસ મુસાફરી, રેલ્વેસ્ટેશન , વગેરેથી એકત્રિત કરેલ (1080) માહિતી દ્વારા  અને કાઉન્સેલિંગમાં આવેલ 450 વાલીઓ અને વિદ્યાર્થીઓના આધારે કરવામાં આવ્યો.

આ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે

ફોનનો ઉપયોગ કરવાથી આંખો પર અસર થઈ શકે છે.  દૃષ્ટિ નબળી પડી શકે છે, ક્રોનિક ડ્રાય આઇ સિન્ડ્રોમ ની સમસ્યા થઈ શકે છે. ફોનના વધુ પડતા ઉપયોગને કારણે બાળકો આઉટડોર ગેમ્સ રમતા નથી, જેના કારણે તેમનો શારીરિક વિકાસ થતો નથી અને સ્થૂળતાની સમસ્યા વધે છે.

રાત્રે સુતા પહેલા અને સવારે ઉઠ્યા પછી સ્માર્ટફોન ચેક કરવો એ એક રોગ છે, તેને સ્માર્ટફોન બ્લાઈન્ડનેસ કહેવાય છે. ફોનને હૃદયની નજીક ન રાખો કે લાંબા સમય સુધી ખિસ્સામાં ન રાખો. સ્માર્ટફોનને તકિયા નીચે બિલકુલ ન રાખવો જોઈએ અનિદ્રા થઈ શકે છે

ફોનને લાંબા સમય સુધી પકડી રાખવાથી કાંડામાં દુખાવો થઈ શકે છે ગરદનને વધુ નમાવીને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી ગરદનમાં કરોડરજ્જુને લગતી સમસ્યા થઈ શકે છે.

સામાજિક જીવન માટે જોખમી સ્માર્ટ ફોન

મોબાઈલ સામાજિક જીવન માટે જોખમી છે. ખાસ કરીને છોકરીઓમાં ડિપ્રેશન અને આત્મહત્યાની વૃત્તિનું જોખમ વધી રહ્યું છે. કિશોરોમાં આ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો વધારો ખૂબ જ ખતરનાક છે.

મોબાઈલનો ઉપયોગ કરવાની ટેવ

બધા જ્યારે સાથે બેઠા હોઈએ ત્યારે એક વ્યક્તિ કલાકમાં સરેરાશ 18 વખત પોતાનો ફોન ચેક કરે છે. ટ્રાફિક સિગ્નલ પાસે ઉભા હોઈએ ત્યારે લગભગ 23%લોકો પોતાનો ફોન જોતા હોય છે. સ્કૂટર પર જતાં લોકોમાં પાછળ બેઠેલા લોકોમાંથી 43% લોકો મોબાઈલમાં વ્યસ્ત હોય છે. બસમાં બેઠેલ લોકોમાંથી લગભગ 56% લોકો મોબાઈલમાં વ્યસ્ત હોય છે.  18 કુટુંબના નિરીક્ષણ કરતા 9 કુટુંબમાં જમતા જમતા મોબાઈલ વાપરવાની ટેવ છે.

મોબાઈલ જોવાથી આંખોને નુકસાન

આશરે 23.23% બાળકોને આંખોની સમસ્યાઓ જોવા મળી. જેમાં બાળકો દિવસમાં 3 કલાકથી વધુ મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા હતા.

મોબાઈલ અને તેના જેવા ગેજેટ્સની આડઅસર બાળકોની આંખો પર સૌથી પહેલા દેખાય છે કારણ કે તેઓ કલાકો સુધી  સ્ક્રીન પર જોતા રહે છે.  તેને કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ પણ કહી શકાય.

બાળકો મોબાઈલ તરફ કેમ આટલા આકર્ષાય છે?

બાળકો અલગ-અલગ ચિત્રો અને રંગો જોઈને આકર્ષાય છે. આ જ કારણ છે કે બાળકોનો મોબાઈલ તરફ ઝોક વધી રહ્યો છે.  મોબાઈલમાંથી નીકળતો પ્રકાશ અને તેના પર દેખાતા ચિત્રો બાળકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.  આ સાથે મોબાઈલનો અવાજ પણ બાળકોમાં તેના વિશે જાણવા અને તેને સ્પર્શવાની જિજ્ઞાસા પેદા કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.