માસ્કના દંડની વસૂલાત માટે રેલવે પોલીસ ભાન ભૂલી: મુસાફરને લાફા ઝીંકતો વીડિયો વાયરલ

મેં આઇ હેલ્પ યુ ના સૂત્રથી વિરૂધ્ધ ખાખીના વર્તનથી સોશિયલ મિડીયા પર ભારે તાયફો

પોલીસ પ્રજાનો મિત્ર ગણાય છે ત્યારે ગોધરાના રેલવે સ્ટેશન પર મુસાફર સાથે થયેલી ખાખીની બળજબરીના વાયરલ થયેલાં વિડિયોએ વ્યવસ્થાના નામે પ્રશાસન દ્વારા પ્રજા પર કેવી સિનાજોરી થાય છે તેનું ચિત્ર પ્રજા સમક્ષ ઉભું કરી દીધું હતું. ડીજીટલ ક્રાંતિના સમયમાં હવે ત્રીજી આંખની હાજરી અનેકની પોલ ખોલી દે છે. ઘટના ઘટી હોય ત્યારે સહેજ પણ અણસાર હોતો નથી કે આ બિના મોટી હલચલ મચાવશે. વાયરલ વિડિયોના માધ્યમથી ઉજાગર થતી ઘટનાઓ સમગ્ર વિશ્ર્વમાં ચિત્તાકર્ષક, ધ્યાન આકર્ષક અને ચકચારી બની જાય છે.

ગોધરા રેલવે સ્ટેશન પર મુકાયેલા સીસીટીવી કેમેરા ફૂટેજમાં કેદ થયેલી એક ઘટનાનો વાયરલ વિડિયો સોશિયલ મિડીયા પર ધૂમ મચાવી રહ્યો છે. રેલવે સ્ટેશન પર માસ્ક પહેરવાના નિયમનો ભંગ કરનાર મુસાફર પાસેથી દંડ વસૂલવાનો નિયમ છે. માસ્ક વગર પકડાયેલાં એક મુસાફર પાસેથી દંડ વસૂલ કરવાની પોતાની ફરજ દરમિયાન રેલ્વે પોલીસ ફોર્સના કર્મચારીએ મુસાફરને લાફા ઝીંકી દીધા હતાં. દંડ વસૂલવા માટે ખાખીની આ લાફાવાળીનો વિડિયો વાયરલ થયા બાદ ભારે ધૂમ સોશિયલ મિડીયા પર મચી જવા પામી છે. આ વિડિયોમાં માસ્ક વગર પકડાયેલા મુસાફરને દંડ ભરવાની ચેતવણી, વિનવણી અને છેલ્લે દંડ ભરવાની આનાકાની કરનાર મુસાફરને પોલીસ કર્મચારીએ લાફો ઝીંકી દીધાનું દેખાઇ રહ્યું છે.

ગોધરા રેલ્વે સ્ટેશન પર બનેલી આ ઘટનાના વાયરલ વિડિયો બાદ જો કે રેલવે પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. ત્રીજી આંખની હાજરી વિડિયો વાયરલ થયાં પછી જાય છે. જો પહેલાં સર્તકતા રાખવામાં આવે તો….