Abtak Media Google News
  • નશીલા પદાર્થનો મોટો જથ્થો ઈરાનના મૂર્તજાએ મોકલ્યો’તો : આજે 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે

ગીર-સોમનાથ પોલીસે 350 કરોડ કિંમતનું હેરોઇન ઝડપી પાડ્યું છે. વેરાવળ બંદર પરથી એક બોટમાંથી 50 કિલોનું સીલબંધ ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો, જ્યારે 3 આરોપીની ધરપકડ અને 6ને રાઉન્ડ અપ કરાયા છે. ત્યારે આ નવમાંથી એક આરોપીનું રાજકોટ કનેક્શન ખૂલ્યું છે. આસિફ નામનો શખસ રાજકોટ- જામનગર વચ્ચે ઈકો કાર ચલાવતો હતો. તે બંદરે ડિલિવરી લેવા ગયો હતો. તેને વ્હોટ્સએપ પર ડિલિવરી ઓર્ડર મળ્યો હતો. રાજકોટ કનેક્શનમાં ચોંકાવનારી બાબત એ છે કે, આસિફને એક રાજકોટનો શખ્સ બાયપાસ પર પહોંચ્યા બાદ ડિલિવરી ક્યાં આપવાની છે તેની જાણ કરવાનો હતો ત્યારે હવે આ શખ્સ કોણ તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સમગ્ર તપાસમાં હેરોઇનનો જથ્થો ઈરાનના શખ્સે મોકલ્યો હતો અને મૂળ જોડિયાના ઈશાકે આ નશીલો પદાર્થ મંગાવ્યાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર ગીર સોમનાથ પોલીસે રૂ. 350 કરોડની કિંમતનો હેરોઇન, મોર્ફીન અને કોકેઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સાથોસાથ એક સેટેલાઇટ ફોન, એક બોટ અને એક વાહન સાથે જામનગરના આસિફ ઉર્ફે કારા સમા, અરબાજ પમા, ધર્મેન્દ્ર કશ્યપની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત અનુજકુમાર કશ્યપ, અમનકુમાર કશ્યપ, રજ્જનકુમાર મિસાર, વિષ્ણુ નિસાર, રોહિત નિસાર અને રાહુલ કશ્યપને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. તેમની પાસેથી પોલીસે હાલ 50 કિગ્રા 015 ગ્રામ હેરોઇન જથ્થો તેમજ ફિશિંગ બોટ, મોટર કાર અને ચાર મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યાં છે.

હવે સમગ્ર મામલામાં નવો ઘટસ્ફોટ એ થયો છે કે, હેરોઇનનો જથ્થો ઈરાનના મૂર્તજાએ ઓમાન બંદરથી મોકલ્યો હતો અને મૂળ જોડિયાનો અને હાલ દક્ષિણ આફ્રિકામાં રહેતો ઈશાક ઉર્ફે મામોએ જથ્થો મંગાવ્યો હતો અને સતત લોકેશન મોકલીને દેશની બહાર બેઠા બેઠા કંસાઇમેન્ટ હેન્ડલ કરી રહ્યો હતો. તેમાં પણ ખાસ ડ્રગ્સનો જથ્થો રાજકોટ બાયપાસ પર પહોંચ્યાં બાદ એક રાજકોટનો શખ્સ ડિલિવરીનું સ્થળ આપવાનો હતો. જે આસિફને કોલ કરીને ડિલિવરીનું સ્થળ આપવાનો હતો. ઉલ્લેખનીય બાબત છે કે, જોડિયાનો ઇશાક ઉર્ફે મામો મોરબીના એનડીપીએસના ગુન્હામાં ફરાર આરોપી છે.

આરોપી આસિફ જામનગરથી રાજકોટ ઇકો ચલાવી ડ્રાઇવિંગનો ધંધો કરતો હોય, એ દરમિયાન તેની ઇકો ગાડીમાં એક ઇસમ પેસેન્જર તરીકે આવતો. બે વર્ષ પહેલાં આરોપી આસિફને એક પાર્સલ માળિયા (મિંયાણા) ખાતે ડિલિવરી કરવા માટે આપેલું, જેના બદલામાં 20 હજાર રૂપિયા આપ્યા હતા. બાદમાં આ ઇસમે ગઇ તા.22.2.2024ના રોજ આસિફને વ્હોટ્સએપ કોલ મારફત કોન્ટેક્ટ કરી વેરાવળ પાર્સલ લેવા જવાનું અને ત્યાંથી રાજકોટ પાર્સલ મૂકવાનું જવાનું જણાવી ટ્રિપના રૂ.50,000 આપવાની વાત કરી હતી. બાદમાં આરોપી અનુજકુમાર કશ્યપ, આસિફ તથા તેનો મિત્ર અરબાઝ વેરાવળ પોતાના શેઠની ફોર-વ્હીલ ગાડી ઉછીની લીધી હતી. અજાણ્યા ઇસમે આસિફને ચોક્કસ જગ્યાનું લોકેશન વ્હોટ્સએપ મારફત મોકલ્યું હતું. આ બંને આરોપીઓ ત્યાં પહોંચતાં ત્યાં પોતાની કાર થોડે દૂર રાખી જતા રહ્યા હતા.

કારમાં પાર્સલ આરોપી ધર્મેન્દ્રભાઇ બુદ્ધિલાલ કશ્યપે મૂકી દીધું હતું. બાદમાં જતો રહેલો અને પાર્સલ મુકાઇ ગયેલાનો વ્હોટ્સએપ કોલ આવ્યો હતો. પાર્સલ લઇ વેરાવળ ગોદીથી બહાર નીકળતાં પોલીસને મળેલી બાતમી આધારે પકડી પાડયા હતા. બાદમાં આરોપી આસિફ ઉર્ફે કારાની પૂછપરછ દરમિયાન વધુ ડ્રગ્સનો જથ્થો બંદરમાં બોટોની આડમાં રાખેલો હોવાનું જણાવ્યું હતું.

બંદરમાં આરોપી આસિફે કલેક્ટ કરેલા ડ્રગ્સના જથ્થાવાળી જગ્યાએ જઇ પોલીસે તપાસ કરી હતી, જેમાં આરોપી ધર્મેન્દ્રભાઇ બુદ્ધિલાલ કશ્યપના કબજામાંથી એક પ્લાસ્ટિકના બચકામાં કુલ 24 કિલોના પેકેટ મળી આવ્યાં હતાં, જે બાબતે આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછ કરી હતી. પોલીસે કરેલી પૂછપરછમાં ફિશિંગ દરમિયાન ઓમાન દેશની દરિયાઇ હદમાં પોતે ફિશિંગ કરવા જતા હોય એ દરમિયાન અન્ય એક અજાણ્યો ઇસમ પરિચયમાં આવ્યો હતો.ઓમાનની દરિયાઇ હદમાં અજાણ્યો ઈસમ મળ્યો બંને વ્હોટ્સએપના માધ્યમથી એકબીજાના કોન્ટેક્ટમાં રહેલા અને તા.26.01.2024ના રોજ આરોપી ધર્મેન્દ્ર તથા તેમની સાથે અન્ય ખલાસીઓ ફિશિંગમાં ગયા હતા.

આ દરમિયાન ઓમાન દેશની દરિયાઇ હદમાં જતા અજાણ્યા ઇસમે આરોપી ધર્મેન્દ્રનો કોન્ટેકટ કરી આશરે 1500થી 1700 કિલો મચ્છી મફતમાં આપી પાર્સલનાં બે બાચકાં ગુજરાત બંદરે પહોંચાડવા માટે રૂ.50,000 આપવાની લાલચ આપી હતી, જેથી આરોપી ધર્મેન્દ્ર લાલચમાં આવી ગયેલો અને બે બાચકાં પાર્સલ પોતાની બોટમાં લઇ લીધાં હતાં અને તા.22.02.2024ના રોજ સવારમાં વેરાવળ બંદર ખાતે બોટ લઇ આવી હતી. વ્હોટ્સએપથી આરોપી આસિફની કારમાં એક બાચકું ભરાવી આપ્યું હતું અને રૂ. 50,000 મળેલા નહી, જેથી એક બાચકું આરોપી ધર્મેન્દ્ર બોટની આડમાં અંધારામાં સંતાડી દીધેલું હતું.

આજે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને કુલ 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે. રિમાન્ડ દરમિયાન વધુ મોટા ખુલાસા થવાના એંધાણ છે.

ગૃહમંત્રીએ ગીર સોમનાથ પોલીસની પીઠ થાબડી : રૂ. 10 લાખના ઇનામની જાહેરાત

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સુચનાથી ગુજરાતમાં ડ્રગ્સ મુક્તિ માટે જંગ છેડી દેવામાં આવી છે. એટલુ જ નહિ, ગંભીર ગુનાઓમાં આરોપીઓને ખુબ જ ઝડપી અને કડક સજા મળે તે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈરાનથી દરિયાઈ માર્ગે ગુજરાતના વેરાવળ ખાતે હેરોઇન લાવવામાં આવી રહ્યુ હોવાની બાતમી મળતા ગીર સોમનાથ એસઓજી દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોદી કાંઠે દરોડો પાડી આશરે રૂ.350 કરોડની કિંમતના હેરોઈન ડ્રગ્સનો 50 કિલોનો જથ્થો પકડી પાડ્યો હતો. જેમાં ત્રણ મુખ્ય આરોપીઓ સહિત કુલ 9 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગીર સોમનાથ પોલીસને આ પ્રશંસનીય કામગીરી બદલ રૂ.10 લાખ ઇનામની જાહેરાત કરી છે.

આસિફને ડિલિવરી માટે લોકેશન આપનાર રાજકોટનો શખ્સ કોણ?

ઇકો કારના ચાલક આસિફને વેરાવળથી હેરોઇનનો જથ્થો લઈને રાજકોટ બાયપાસ પર આવવાની સૂચના અજાણ્યા વ્યક્તિએ આપી હતી. બાયપાસ ખાતે પહોંચ્યા બાદ ડિલિવરીનું લોકેશન જે શખ્સ આપવાનો હતો તે રાજકોટનો છે તેવી માહિતી પોલીસ વર્તુળોમાંથી મળી છે. ત્યારે રાજકોટનો આ શખ્સ કોણ છે તે અત્યંત મહત્વપૂર્ણ સવાલ છે અને શું આ હેરોઇનનો જથ્થો રાજકોટમાં જ રાખવાનો હતો કે અન્ય કોઈ શહેર કે જિલ્લામાં લઇ જવાનો હતો તે પણ મોટો સવાલ છે. હવે આ સમગ્ર બાબત પરથી પડદો ઊંચકવા આરોપીઓના મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.