Abtak Media Google News

સુરતના નામચીન શખ્સ સહિત ચાર શખ્સોએ ફાળદંગના યુવાનનું અપહરણ કરી રૂા.3.85 લાખની ખંડણી પડાવ્યાની કબુલાત

પ્લાસ્ટીકની બંદુક, કાર અને રોકડ મળી રૂા.13.95 લાખનો મુદામાલ કબ્જે

શહેરની ભાગોળે આવેલા કુવાડવા નજીકના ફાળદંગના એસ્ટેટ બ્રોકરનું અપહરણ કરી રૂા.3.85 લાખની ખંડણી વસુલ કરવાના ગુનામાં સંડોવાયેલા સુરતના નામચીન શખ્સ સહિત ચાર શખ્સોને ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. પોલીસે ચારેય શખ્સો પાસેથી કાર, રોકડા અને પ્લાસ્ટીકની ગન કબ્જે કર્યા છે.

Screenshot 3 6

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ફાળદંગ ગામે રહેતા જમીન મકાનના ધંધાર્થી વલ્લભ ભગવાનભાઇ ખૂંટ નામના પટેલ યુવાનનું ગત તા.3 જુલાઇએ અપહરણ કરી ખંડણી વસુલ કરવાના ગુનામાં સંડોવાયેલા ફાળદંગના શિવરાજ ધીરૂ વાળા, મુળ બગસરાના અને હાલ સુરત રહેતા સૌરવ બાલુ હિરાણી, કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયા ગામના અને હાલ સુરત રહેતા લાલજી ઉર્ફે આર્મી બોય ગોવિંદ સોજીત્રા અને એક સગીર શખ્સને રફાળા ગામ નજીકથી ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ. પી.એમ.ધાખડા, હેડ કોન્સ્ટેબલ મયુરભાઇ પટેલ, સિધ્ધરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, નગીનભાઇ ડાંગર, પ્રદિપસિંહ જાડેજા અને સાયબર ક્રાઇમના મહેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી ઝડપી લીધા છે.

સુરત નજીક આવેલી જેડી હોટલમાં મારામારી થતા સૌરવ હીરાણી અને લાલજી ઉર્ફે આર્મી બોય તેમજ એક સગીર શખ્સ ફાળદંગ ગામે શિવરાજ વાળાની વાડીએ આશરો લીધો હતો ત્યારે પોતાને પૈસાની જરૂર હોવા અંગેની ચર્ચા થતા શિવરાજ વાળાએ પોતાના જ ગામના વલ્લભભાઇ પટેલને જમીન વેચાણની દલાલીની મોટી રકમ આવ્યાની જાણ હોવાથી તેનું અપહરણ કરી ખંડણી પડાવવા અંગેનો પ્લાન બનાવ્યો હતો.

ગત તા.3 જુલાઇના રોજ વલ્લભભાઇ પટેલ ફાળદંગ ગામેથી હનુમાનજીના મંદિરે જવા નીકળ્યા ત્યારે શિવરાજ વાળાએ તેમને ફોન કરી પોતાની વાડી નજીક બોલાવી રિવોલ્વર જેવું હથિયાર બતાવી કારમાં અપહરણ કરી જુદી જુદી જગ્યાએ લઇ જઇ જાનથી મારી નાખવાની ધમકી દઇ રૂા.15 લાખની ખંડણીની માગણી કરી હતી. રકઝકના અંતે રૂા.9 લાખ આપવા પડશે તેમ કહી રૂા.3.85 લાખ બળજબરીથી કઢાવી લઇ વલ્લભભાઇ પટેલને મુક્ત કર્યા હતા. વલ્લભાઇ પટેલ મુક્ત થયા બાદ કુવાવાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય શખ્સોને ઝડપી તેની પાસેથી પ્લાસ્ટીકની ગન, રોકડ અને કાર મળી રૂા.13.95 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

શિવરાજ વાળા સામે ખૂનની કોશિષ અને દારૂનો ગુનો નોંધાયો છે. જ્યારે સૌરવ હીરાણી સામે સુરતમાં લૂંટ, મારામારી અને ધમકી દેવા અંગેના ત્રણ ગુના નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.