Abtak Media Google News

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન મારામારીની ઘટના સામે આવી રહી છે.ત્યારે ગઈકાલે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે.જેમાં નવાગામમાં શાપર રોડવેઝ પાસે જૂની અદાવતનો ખાર રાખી એસ્ટેટ બ્રોકર પર ચાર શખ્સોએ છરીથી હિંચકારો હુમલો કરી તેમની થાર કારમાં તોડફોડ કરતા પ્રોઢને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે બનાવ અંગે બી. ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

અજાણ્યો શખ્સ ઘરમાં ઘૂસવાની કોશિષ કરતો હતો તેને પ્રોઢે પકડી લીધાનો ખાર રાખી કર્યો હુમલો કરી કારમાં તોડફોડ કરી

બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી

બનાવની વિગતો મુજબ આણંદપરમાં શેરી નં.1 માં રહેતાં વિભાભાઈ ઉર્ફે વિજયભાઈ કરણાભાઈ માટીયા (ઉ.વ.58) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપીમાં ભાર્ગવ ડાંગર અને તેની સાથેના અજાણ્યાં શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ જમીન લે-વેચનું કામ કરે છે. ચારેક દીવસ પહેલા રાત્રીના સમયે સોસાયટીમાં કોઈ અજાણ્યો શખ્સ વિસ્તારમાં રહેતા લોકોના ઘરમાં ઘુસવાની કોશીષ કરતો હોય તેઓએ તેને પકડી રાખેલ અને બાદમાં ભાર્ગવ ડાંગર ત્યાં ઘસી આવેલ તેની સાથે બોલાચાલી થયેલ હતી. ત્યારબાદ ભાર્ગવ અજાણ્યાં શખ્સને છોડાવી ત્યાંથી તેને મોકલી આપેલ હતો.

બાદમાં ગઈકાલે સવારના તેઓ તેની થાર કાર લઈ તેમના કામ અર્થે કુવાડવા રોડ પુજારા ટેલીફોનની સામે આવેલ ઓફિસે જતાં હતાં ત્યારે નવાગામ મેઇન રોડ પર આવેલ શાપર રોડવેઝ પાસે પહોંચતા સામે રોડની સાઈડ ઉપર ભાર્ગવ અજાણ્યા બાઇક ચાલક બે શખ્સો સાથે ઉભો હતો અને મારી ગાડીને જોઈ સાઈડમાં ડીવાઈડર પાસે આવી તેઓની ગાડી રોકાવી આરોપીએ બેફામ ગાળો આપી કહેવા લાગેલ કે, તે દીવસે કેમ તમે મને માર્યો હતો. જેથી તેમને કહેલ કે, તમે શું કામ પહેલાં શખ્સને છોડાવવા આવેલ હતા.જેથી ઉશ્કેરાયેલા ભાર્ગવે છરી કાઢી હાથના ભાગે ઘા ઝીંકી દેતાં તેઓ લોહીલુહાણ થઈ ગયાં હતાં. તેમજ બીજા છરીના ઘા ઝીંકતાં આંગળીઓ પર ઇજા પહોંચી હતી. તેમજ કારમાં પણ છરીના ઘા મારતાં ગાડીમાં નુકશાની થયેલ હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ સમયે ત્યારે લોકોના ટોળા એકઠાં થઈ જતાં આરોપીઓ બાઇકમાં નાસી છૂટ્યા હતાં. હાલ પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.