ત્રીજી લહેર સામે લડવા: રાજકોટ ભાજપ દ્વારા વોર્ડવાઈઝ ડોકટર સાથે ત્રણ સભ્યોની સ્વાસ્થ્ય સ્વયં સેવક ટીમ બનાવાઈ

શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રશિક્ષણ વર્ગમાં કમલેશ મિરાણી, કિશોર રાઠોડ,ડો.લાલસેતા, ડો.મયંક ઠક્કર તથા ડો.જય ધીરવાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન પર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાજીના માર્ગદર્શન હેઠળ સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન અંતર્ગત સ્વાસ્થ્ય સ્વયંસેવકો માટે પ્રશિક્ષણ વર્ગ દેશભરમાં યોજાઈ રહયા છે. તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ મહાનગરના સ્વાસ્થ્ય સ્વયંસેવકો માટે પ્રશિક્ષણ શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ હતો.આ સ્વાસ્થ્ય સ્વયંસેવક પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, ડો. અતુલભાઈ પંડયા, જશુમતીબેન વસાણી,ડો. ચેતન લાલસેતા, ડો. મયંક ઠકકર, ડો. જય ધીરવાણી સહીતના ઉપસ્થિત અગ્રણીઓ હસ્તે દીપ પ્રાગટય  કરીને કરવામાં આવેલ હતો.

આ પ્રશિક્ષણ વર્ગમાં વંદે માતરમ ગાન શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષીએ કરેલ. ત્યારબાદ રાજકોટ મહાનગરના સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાનના ઈન્ચાર્જ અને શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડે સ્વાગત પ્રવચન અને કાર્યક્રમની માહિતી આપતા જણાવેલ કે કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટે પૂર્વતૈયારીના ભાગરૂપે શહેર ભાજપ દ્વરા વોર્ડવાઈઝ ત્રણ સભ્યોની સ્વાસ્થ્ય સ્વયંસેવકની ટીમ બનાવવામાં આવી છે.

આ પ્રશિક્ષણ સત્ર-1 માં શહેર ભાજપ ચિકીત્સા સેલના સંયોજક ડો. ચેતન લાલસેતાએ જણાવેલ કે, સૌએ કોરોના વૈશ્ર્વિક મહામારી સામેની લડાઈ એકજૂથ  થઈને લડવાની છે. સોંપાયેલ વોર્ડમાં લોકોને કોરોના અંગે માહિતગાર કરે. ઘેર-ઘેર જઈ ઘરના સભ્યોના આરોગ્યની માહિતી મેળવે અને તાવ, પલ્સ રેટ, ઓક્સીજનની માત્રા વગેરે બાબતો પર નજર રાખે.

ત્યારબાદ સત્ર-રમાં ડો. મયંકભાઈ ઠકકરે કોરોના સામાન્ય માહિતી વિષય અંતર્ગત જણાવેલ કે, કોવિડ-19 નામના વાયરસથી થતા કોરોનાએ વૈશ્ર્વિક મહામારી બની ગઈ છે અને કોરોનાએ દુનિયાભરના લાખો લોકોના જીવ લીધા છે અને લઈ રહયો છે ત્યારે આ બીમારીને અટકાવવા આ કાર્યમાં સ્વાસ્થ્ય સ્વયંસેવકની ભુમિકા મહત્વની રહેશે. આ તકે સત્ર-3માં ડો. જય ધીરવાણીએ કોવિડને અનુકૂળ વ્યવહાર વિષય અંતગર્ત જણાવેલ કે કોરોના વાઈરસને સંક્રમિત વ્યક્તિમાંથી  સ્વસ્થ વ્યક્તિ સુધી પહોંચતો રોક્વા માટે સાવધાની રાખવી જરૂરી છે. તે માટે સ્વાસ્થ્ય સ્વયંસેવકની ટીમ જાગૃતતા ફેલાવે. વેકસિન સેન્ટર પર જઈ વેકસિન લઈ પોતાની જાતને કોરોના થી સુરક્ષીત બનાવે. આ  પ્રશિક્ષણ વર્ગનું સંચાલન સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાનના સહઈન્ચાર્જ ડો. અતુલભાઈ પંડયાએ તેમજ અંતમાં આભારવિધિ જશુમતીબેન વસાણીએ કરેલ હતી.

આ સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન પ્રશિક્ષણ વર્ગમાં  આઈ.ટી. અને સોશ્યલ મીડીયાની જવાબદારી મનોજ ગરૈયા અને હાર્દીક બોરડે સંભાળેલ હતી.