Abtak Media Google News

રાજકોટની ભૌગોલિક પરિસ્થિતિ અને સ્ટાફથી વાકેફ અધિકારીને જિલ્લાનું સુકાન મળતા જ અનેક ફેરફારો આવવાની આશા

રાજકોટ 50માં કલેકેટર તરીકે પ્રભવ જોશીએ ચાર્જ સંભાળ્યો છે. રાજકોટની ભૌગોલિક પરિસ્થિતિ અને સ્ટાફથી વાકેફ અધિકારીને જિલ્લાનું સુકાન મળતા જ અનેક ફેરફારો આવવાની આશા સેવાઇ રહી છે.

Advertisement

રાજ્યના 109 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની યુજીવીસીએલના એમડી તરીકે બદલી કરવામાં આવી હતી. જયારે યુજીવીસીએલના એમડી પ્રભવ જોશીની રાજકોટ જિલ્લા કલેકટર તરીકે બદલી કરવામાં આવી હતી. આજે રાજકોટના 50માં કલેકટર તરીકે પ્રભવ જોશીએ ચાર્જ સંભાળ્યો છે. આજે ચાર્જ છોડતા સમયે અરુણ મહેશ બાબુ ભાવુક થયા હતા અને આંખમાંથી આંસુ સરી પડ્યા હતા જયારે નવા કલેકટરે અગાઉ રાજકોટમાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે કામ કર્યું હોવાથી ભૌગોલિક સ્થિતિથી વાકેફ હોવાના કારણે સારી રીતે કામ કરી શકશે તેમ કહ્યું હતું.

તેઓએ ઉમેર્યું હતું કે  ઘણા મોટા પ્રોજેક્ટ ઝડપથી પૂરાં થાય, ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં આરોગ્ય અને વિકાસ લક્ષી કામોને પ્રાધાન્ય આપવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.  વધુમાં તેઓએ ઉમેર્યું કે 2016- 2018 સુધી અહીં રાજકોટ ગ્રામ્યમાં મેં કામ કરેલ છે. અહીંના લોકોનો અગાઉની જેમ અત્યારે પણ સહકાર મળે તેવી આશા સેવું છું.

ટુંકા ગાળામાં જ  પ્રભવ જોશીએ પડધરી અને લોધિકામાં ભારે લોકચાહના મેળવી હતી

પ્રભવ જોશીએ જણાવ્યું કે તેઓ વર્ષ 2016 થી 2018 દરમિયાન રાજકોટમાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે રાજકોટમાં કામ કરી ચુક્યો છું માટે અહીંયાની ભૌગોલિક સ્થિતિ અને સ્ટાફ સાથે વાકેફ છું. ઉલ્લેખનીય છે કે પ્રભવ જોશી જ્યારે રાજકોટ ગ્રામ્યમાં આસિસ્ટન્ટ કલેકટર હતા ત્યારે તેઓએ અનેક જમીનના કેસોમાં અરજદારોને ન્યાય અપાવ્યો હતો. પડધરી અને લોધિકા પંથકમાં તેઓએ નિષ્ઠાવાન કામગીરીથી ભારે લોકચાહના મેળવી છે. હાલ આ બન્ને પંથકોના લોકો એવું કહી રહ્યા છે કે પ્રભવ જોશી જેવા કડક અધિકારીને જિલ્લાનું સુકાન મળતા હવે જિલ્લામાં અનેક જરૂરી બદલાવ આવશે.

પ્રભવ જોશી એકમાત્ર એવા આસિટન્ટ કલેકટર હતા કે જેઓ પોતાની ઓફિસનો દરવાજો હંમેશા ખુલ્લો રાખતા

પ્રભવ જોશીએ આઈએએસ બન્યા બાદ રાજકોટ ગ્રામ્યમાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે પોસ્ટિંગ મેળવ્યું હતું. એ સમયમાં પ્રભવ જોશી એકમાત્ર એવા આસિસ્ટન્ટ કલેકટર હતા જે ઓફિસનો દરવાજો હમેશા ખુલ્લો રાખીને બેસતા હતા. કોઈ પણ અરજદાર આવે એટલે તેઓ સીધા જ તેમને બોલાવીને સાંભળતા હતા. વધુમાં તેઓએ અનેક કડક કાર્યવાહીમાં નેતાઓની ભલામણોને પણ મચક દીધી ન હતી.

ચાર્જ સંભાળતી વેળાએ નવા કલેકટરે શું કહ્યું?

સ્વાસ્થ્ય ક્ષેત્રે અને પ્રજાલક્ષી પ્રોજેક્ટસ ઉપર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરાશે

પ્રભવ જોશીએ ચાર્જ સંભાળતા સમયે કહ્યું કે, પ્રજાલક્ષી મહત્વના પ્રોજેક્ટ રાજકોટમાં ચાલી રહ્યા છે આ પ્રોજેક્ટ ઝડપભેર સમયસર સારી રિતે બને તેનું ધ્યાન રાખવામાં આવશે સાથે જ સરકારની આરોગ્ય અને શિક્ષણલક્ષી યોજનાઓ સહીત લાભાર્થી સારી રીતે ઉપયોગ કરી શકે તે મારી પ્રથમ પ્રાયોરિટી રહેશે. સ્વાસ્થ્ય સેવા મારુ અંગત લક્ષ્ય છે રાજકોટમાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો સારવાર લેવા આવતા હોય છે માટે લોકોને આરોગ્યની સેવા સારી રીતે મળી રહે તે માટે કામ કરવામાં આવશે.

એઇમ્સ સાથે જૂની લાગણી જોડાયેલી છે

એઇમ્સ હોસ્પિટલ અંગે પ્રભવ જોશીએ કહ્યું કે એઇમ્સ માટે સ્થળ પસંદગી જુદી જુદી જગ્યાએ કરવામાં આવી રહી હતી ત્યારે રાજકોટમાં સ્થળ પસંદગી માટે ટીમમાં પણ હતો અને આજે એ જગ્યા પર એઇમ્સ હોસ્પિટલ નિર્માણ થતા એક લાગણી અને આંનદ થાય છે કે અમે શોધેલી જગ્યા પર એઇમ્સ હોસ્પિટલ નિર્માણ પામી રહી છે. તેઓએ ઉમેર્યું કે એઇમ્સ સાથે જૂની લાગણી જોડાયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.