Abtak Media Google News

રાજકોટમાં સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા ઉદ્યોગકારો-અધિકારીઓ માટે યોજાયો વર્કશોપ: જિલ્લા કલેક્ટર અરૂણ મહેશબાબુએ આપ્યું માર્ગદર્શન

રાજકોટ જિલ્લામાં સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે રોકાણકારો અને સરકારી અધિકારીઓને સંવેદનશીલ બનાવવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા એક વિશેષ વર્કશોપ યોજાયો હતો. જેમાં ક્ષમતાવાન રોકાણકારો તેમજ સરકારી અધિકારીઓને સ્ટાર્ટઅપ્સના વિવિધ પાંસાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને, કલેકટર કચેરી ખાતે આયોજિત આ વર્કશોપ બે ભાગમાં યોજાયો હતો. જેમાં પ્રથમ ભાગમાં ક્ષમતાવાન રોકાણકારોને ગુજરાતની ઈકો સિસ્ટમ, વેન્ચર ફંડિંગ, સ્ટાર્ટ અપ્સમાં રોકાણના અવસરો, સ્ટાર્ટઅપ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની તકો, ઇન્ક્યુબેટર્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારી વિષય પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું હતું.

આ તકે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ કહ્યું હતું કે, સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા રાજકોટના ઉદ્યોગકારો અદભૂત કામ કરી રહ્યા છે. તેમણે નાના અને મોટા તમામ ઉદ્યોગકારોને એક મંચ પર આવવા અને આઈડિયા શેર કરવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ માટે અનુકૂળ માહોલ છે અને સરકાર પણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રહી છે.

વડાપ્રધાનના વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ જિલ્લામાંથી એન્જિનિયરિંગની પસંદગી થઈ છે. તેમણે તમામ ઇન્ડસ્ટ્રીઝને એકમંચ પર આવીને સ્ટાર્ટઅપ્સની ઇકો સિસ્ટમને વધુ મજબૂત બનાવવા પર ભાર મુ્ક્યો હતો. ઉદ્યોગ કમિશનરની કચેરી તેમજ સ્ટાર્ટઅપ ગુજરાત અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાના ઉપક્રમે આયોજિત આ વર્કશોપના બીજા ભાગમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ જોડાયા હતા. જેમાં સરકારી અધિકારીઓને સ્ટાર્ટઅપની ઇકો સિસ્ટમને વધુ મજબૂત બનાવવા અને તેને પ્રોત્સાહન આપવા માર્ગદર્શન અપાયું હતું, તેમજ નવા ઉદ્યોગકારો, નવા આઇડિયાઝને પ્રોત્સાહન આપવા સંવેદનશીલ અભિગમ રાખવા જણાવાયું હતું.

આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.વી. મોરીના સંકલનમાં યોજાયો હતો. જેમાં ગુજરાત સ્ટાર્ટ અપ સેલના અધિકારી, બાલાજી વેફર્સ, આઈ.એ.સી.ઈ, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન, લઘુઉદ્યોગ ભારતી, શક્તિમાન, આઈ.આઈ.સી.એમ.એ., અદિતિ ટોય્ઝ, જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન, કાસ્ટિંગ, ફોર્જીંગ, ટેક્સ્ટાઈલ, ડાયસ્ટફ, સીએનસી મશીન્સ વગેરે ઉદ્યોગોના પ્રતિનિધિઓ તેમજ યંગ ઈન્ડિયા રાજકોટ ચેપ્ટરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.