Abtak Media Google News

ગાંધીનગરમાં નીતિ આયોગના મુખ્ય સચિવની તાકીદની બેઠક, કલેકટર ઉપરાંત સિટી-2 અને સિટી-1 પ્રાંત આજે ગાંધીનગર દોડી ગયા

ગાંધીનગરમાં નીતિ આયોગના મુખ્ય સચિવની કાલે તાકીદની બેઠક યોજાનાર છે. જેને પગલે આજે કલેકટર ઉપરાંત સિટી-2 અને સિટી-1 પ્રાંત ગાંધીનગર દોડી ગયા છે. જ્યાં તેઓ રાજકોટના મેગા પ્રોજેકટસનું  પ્રેઝન્ટેશન કરશે.

વિધાનસભાની ચૂંટણી પત્યા બાદ તુરંત જ રાજકોટ જિલ્લાના પેન્ડિંગ પ્રોજેકટને વેગ આપવાનું તંત્રએ ચાલુ કરી દીધું હતું. હવે કેન્દ્ર કક્ષાએથી પણ વિકાસ કામોને ઝડપી બનાવવાના પ્રયાસો કરવામા આવી રહ્યા છે. જેના ભાગ રૂપે કેન્દ્રના નીતિ આયોગ દ્વારા ગાંધીનગરમાં આવતીકાલે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવનાર છે. નીતિ આયોગના મુખ્ય સચિવ દ્વારા આ બેઠકની અધ્યક્ષતા કરવામાં આવનાર છે.

આ બેઠકમાં ઉપસ્થિત રહેવા જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, ગ્રામ્ય પ્રાંત અધિકારી વિવેક ટાંક અને સિટી-2 પ્રાંત સંદીપકુમાર વર્મા આજે ગાંધીનગર દોડી ગયા હતા. તેઓ આવતીકાલની બેઠકમાં રાજકોટના મેગા પ્રોજેકટ અંગેનું પ્રેઝન્ટેશન આપવાના છે.

Screenshot 1 14

સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાજકોટના બે મોટા પ્રોજેકટનું કામ ક્યાં પહોંચ્યું છે અને હવે કેટલુ બાકી છે તે અંગેનો અહેવાલ આ બેઠકમાં રજૂ કરવામાં આવનાર છે. રાજકોટની ભાગોળે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જે કામ જાન્યુઆરીમાં પૂર્ણ થવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

બીજી તરફ એઇમ્સનું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. હાલ ત્યાં ઓપીડી અને આઇપીડી ચાલી રહી છે. એઇમ્સ હજુ સંપૂર્ણ રિતે કાર્યરત થઈ નથી.

જેથી બાકી કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે. નીતિ આયોગ સાથેની બેઠકમાં કલેકટર દ્વારા આ બે મુખ્ય પ્રોજેકટ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે.

આ ઉપરાંત રાજકોટ કાનાલુસ રેલવે ડબલ લાઈનનું કામ પણ ચાલી રહ્યું છે. જેમાં હાલ ડીઆઈએલઆર દ્વારા માપણી કરવામાં આવી રહી છે.

આ કામ અંગે પણ અહેવાલ રજૂ કરવામાં આવે તેવી શકયતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે અહેવાલ રજૂ કરાયા બાદ નીતિ આયોગ દ્વારા જિલ્લા અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપવામાં આવનાર છે.

હડાળામાં સરકારી જમીનનો વિવાદ: અધિકારીઓ દોડી ગયા

2000 ચો.મી. જમીન ઉપર ડો.બાબા સાહેબની પ્રતિમા મૂકી દેવાય, હવે  કોમ્યુનિટી હોલ બનાવવાની માંગ : બીજી તરફ ગ્રામજનોએ વિરોધ કરીને પાણીનો સંપ બનાવવાની માંગ ઉઠાવી

રાજકોટના હડાળામાં સરકારી જમીનનો વિવાદ થતા અધિકારીઓ દોડી ગયા હતા. જેમાં એક જૂથ બાબા સાહેબની પ્રતિમા પાસે કોમ્યુનિટી હોલ બનાવવાની માંગ કરી રહ્યું છે તો બીજું જૂથ ત્યાં પાણીનો સંપ બનાવવાની માંગ કરી રહ્યું છે. હાલ અધિકારીઓ મામલો થાળે પાડવાના પ્રયાસો કરી રહ્યા છે.

રાજકોટ તાલુકાના હડાળા ગામે આવેલ 2000 ચોરસ મીટર જેટલી સરકારી જમીનનો વિવાદ આજે વકર્યો હતો. આ સરકારી જમીન ઉપર અનુસુચિત જાતિ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકવામાં આવી છે. આ ઉપરાંત તેઓ દ્વારા અહીં કોમ્યુનિટી હોલ બનાવવાની પણ માંગ કરવામાં આવી છે. જેની સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. આ સરકારી જમીનનો વિવાદ વકરતા મામલતદાર કરમટા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

ત્યારબાદ ગ્રામજનોએ એવી પણ માંગ કરી હતી કે આ સરકારી જમીન ઉપર પાણીનો સંપ બનાવવામાં આવે. હાલ બન્ને જૂથની વાતો સાંભળી મામલતદાર સહિતના અધિકારીઓ મામલો થાળે પાડવાના પ્રયાસ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

બીજી તરફ જાણવા મળતી વિગત અનુસાર આ સરકારી જમીન ઉપર દબાણ થયું હોય, તંત્ર તેને હટાવવું કે નહીં તે અંગે અવઢવની સ્થિતિમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.