Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ-2024-2025નું અંદાજપત્ર બનાવવા માટેની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. મ્યુનિ.કમિશનર આનંદ પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરનું પ્રથમ બજેટ હોય નવા અંદાજપત્રમાં રાજકોટવાસીઓ પર એકપણ રૂપિયાનો નવો કરબોજ લાદવામાં આવે તેવી સંભાવના ખૂબ જ નહિવત છે. બજેટ તૈયાર કરવા માટે છેલ્લા એકાદ પખવાડીયાથી બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. શહેરીજનોના સૂચનોને આવરી લઇ બજેટ તૈયાર કરવામાં આવે તેવું હાલ દેખાઇ રહ્યું છે.

Advertisement

સંભવત: 29મી જાન્યુઆરીએ મ્યુનિ.કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટ રજૂ કરી દેવાશે

ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં પાણીવેરો બમણો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ અને મિલકત વેરામાં વધારો ઝીંકવામાં આવ્યો છે. 40 કરોડનો કરબોજ લોકો પર લાદવામાં આવ્યો છે. ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની હોય જો સતત બીજા વર્ષે કરબોજ લાદવામાં આવે તો તેની અસર મતદાન પર થાય તેવો ડર કોર્પોરેશનના ભાજપના શાસકોને સતાવી રહ્યો છે. મ્યુનિ.કમિશનર દ્વારા પણ દરખાસ્ત સ્વરૂપે રજૂ કરવામાં આવનાર બજેટમાં કરબોજ સૂચવવામાં આવે તેવી સંભાવના ખૂબ જ નહિવત છે.

છતાં જો વેરો વધારવા માટેની દરખાસ્ત કરવામાં આવશે તો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તેને ફગાવી દેવામાં આવશે. કારણ કે તાજેતરમાં જે રિતે સ્ટેન્ડિંગ કમિટીએ પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પ્રવેશ દરમાં વધારો કરવા, સ્વિમીંગ પુલ, જીમ અને એથ્લેટીકના સભ્ય ફીમાં વધારો કરવાની દરખાસ્ત નામંજૂર કરી તે જોતા એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે નવું બજેટ કરબોજ વિહોણું હળવુફૂલ અને વિવિધ યોજનાઓથી ભરેલું હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.