Abtak Media Google News

રાજ્ય સરકારના નવા નિયમ અનુસાર ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડને નવા સબ સ્ટેશન બનાવવા અલગ-અલગ ચાર સ્થળોએ 21,194 ચો.મી. જમીન રૂ.73.81 કરોડમાં આપવા સ્ટેન્ડિંગની બહાલી

રાજકોટ મહાનગર પાલિકામાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ 45 દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. વિકાસ કામો માટે રૂ.77 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. જ્યારે જમીન વેંચાણ થકી કોર્પોરેશનને રૂ.73.81 કરોડની આવક થવા પામશે. અલગ-અલગ ટીપી સ્કિમમાં અનામત રાખવામાં આવેલી જમીન વેંચાણ માટે રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને મંજૂરી આપવામાં આવતી નથી. બીજી તરફ સરકારી વિભાગોને પાણીના ભાવે એટલે કે બજાર કિંમત કરતા અડધા ભાવે જમીન આપવાની દરખાસ્તને ધડાધડ મંજૂરી આપી દેવામાં આવી હતી. જેના કારણે તંત્રએ આર્થિક નુકશાની સાથે આર્થિક સંકડામણ પણ ભોગવવી પડે છે.

Advertisement

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લીમીટેડને સબ સ્ટેશન બનાવવા માટે અલગ-અલગ 6 જગ્યાએ જમીનની માંગણી કરી હતી. જે અંતર્ગત ચાર સ્થળોએ જમીન ફાળવવા માટે કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ટીપી સ્કિમ નં.24 રાજકોટના વાણિજ્ય હેતુના અનામત પ્લોટ નં.9/એ ની રાજકોટ-રોણકીની હદમાં આવેલી 4,952 ચો.મી. જમીન, ટીપી સ્કિમ નં.13 રાજકોટના વાણિજ્ય હેતુ માટેના અનામત પ્લોટ સી-7ની મોરબી રોડ પર ગીરીરાજ ફાર્મની સામે આવેલો 4,209 ચો.મી. પ્લોટ, ટીપી સ્કિમ નં.12 (કોઠારીયા)નો વાણિજ્ય હેતુ માટેનો અનામત પ્લોટ નં.35/એ નો કોઠારીયા વિસ્તારમાં મિત્તલ પાર્કની પાસે આવેલો 6,585 ચો.મી.નો પ્લોટ અને ટીપી સ્કિમ નં.26 (મવડી)નો વાણિજ્ય હેતુ માટેના અનામત પ્લોટ નં.22/એ ની મવડી પોલીસ હેડ ક્વાર્ટર સામેનો 5448 ચો.મી.નો પ્લોટ એમ કુલ અલગ-અલગ સ્થળે ચાર પ્લોટ કે જેનું ક્ષેત્રફળ 21,194 મીટર થવા પામે તેનું વેંચાણ કરવામાં આવશે. લેન્ડ ડિસ્પોઝલ કમિટિ દ્વારા આ ચારેય પ્લોટની બજાર કિંમત રૂ.147.62 કરોડની નિયત કરવામાં આવી હતી. દરમિયાન શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના તા.25/5/2021ના નોટિફિકેશન મુજબ સરકારી વિભાગને જમીનનું વેંચાણ નક્કી કરાયેલ કિંમત કરતા 50 ટકા ભાવે આપવાનો ઠરાવ કરાયો હોય મહાપાલિકા દ્વારા મહામૂલી જમીન બજાર કિંમત કરતા અડધા ભાવે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડને આપવામાં આવશે.

એક તરફ ટીપીના અનામત પ્લોટનું વેંચાણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી. બજાર કિંમત કરતા પણ વધુ ભાવ ઉપજતા હોવા છતાં સરકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને મંજૂરી આપતી નથી. બીજી તરફ સરકારી વિભાગને મૂળ કિંમત કરતા 50 ટકા ભાવે જમીનની લ્હાણી કરી દેવામાં આવે છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ 45 દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.1માં નવો કોમ્યુનીટી હોલના નિર્માણ માટે 12 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. જ્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કોઠારીયા ખાતે નવા ગાર્બેજ સ્ટેશન માટે વિવિધ પ્રકારની મશીનરી અને ઇક્વીપમેન્ટ, વાહનો ખરીદી કરવા માટે રૂ.22.89 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

વોર્ડ નં.2 અને 7ના રસ્તાઓ ડામરથી મઢવા રૂ.3.79 કરોડનો ખર્ચ મંજૂર

શહેરના વોર્ડ નં.2 અને 7ના અલગ-અલગ આઠ રસ્તાઓને ડામરથી મઢવા માટે રૂ.3.79 કરોડનો ખર્ચ આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. વોર્ડ નં.7ના મુખ્ય રસ્તા જેવા કે મોટી ટાંકી ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધીનો રસ્તો, ગોંડલ રોડ, મક્કમ ચોક, ઢેબર રોડ, ફૂલછાબ ચોકથી જિલ્લા પંચાયત સુધીનો રસ્તો, યાજ્ઞિક રોડ અને પરાબજાર સહિત કુલ 6 રસ્તાઓ પર ડામર કરવા માટે રૂ.2.52 કરોડ જ્યારે વોર્ડ નં.2 કસ્તૂરબા રોડ અને ચિનોય રોડને ડામર રિ-કાર્પેટ કરવા માટે રૂ.1.27 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.