Abtak Media Google News

રાજકોટ શહેરના સદર વિસ્તારમાં આવેલી પ્રખ્યાત ભારત બેકરીમાંથી જો તમે ટોસની ખરીદી કરતા હોય તો ચેતી જજો. કારણ કે ટોસની સ્વાદિષ્ટ અને આકર્ષક બનાવવા માટે સ્વાસ્થ્ય માટે હાનિકારક ફૂડ કલર અને સેકરીનની ભેળસેળ કરવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ લેબોરેટરીના પરિક્ષણમાં થયો છે.

પરિક્ષણ દરમિયાન સ્પેશિયલ એલચી રસમાં સેકરીન સિન્થેટીક ફૂડ કલર ટાટ્રાઝીન અને સનસેટ યેલોની ભેળસેળ જણાતા નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના સદર બજારમાં ભીલવાસ ચોકમાં ઇગલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલી હિતેશભાઇ દયાળજીભાઇ બુધ્ધદેવની માલિકીની ભારત બેકરી પ્રાઇવેટ લીમીટેડમાંથી 250 ગ્રામ પેકેટમાં આવતા સ્પેશિયલ એલચી રસ (ટોસ)નો નમૂનો લેવામાં આવ્યો હતો. લેબોરેટરી પરિક્ષણ દરમિયાન સ્પેશિયલ એલચી રસમાં ગળપણ માટે સેકરીન તથા ટોસને આર્કષક બનાવવા માટે સિન્થેટીક ફૂડ કલર ટાટ્રાઝીન અને સનસેટ યલો એફસીએફની હાજરી મળી આવતા નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. હવે તેઓની સામે એજ્યુડીકેશનની કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ શાખા દ્વારા શહેરના પેડક રોડ વિસ્તારમાં ખાણીપીણીની 21 દુકાનોમાં ચકાસણી કરવામાં આવી હતી. 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરાઇ હતી. અક્ષર ગાંઠીયા, શક્તિ કોઠી આઇસ્ક્રીમ, જય સોમનાથ પુરી-શાક, ચિલ્ડ હાઉસ, કનૈયા દાળ-પકવાન, વિસોત ર્માં સોડા, સાહેબ ખમણ અને જે ભગવાન ભુંગળાને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી. સંતકબીર રોડ પર સરદાર સ્કૂલ પાસે શ્રી ચામુંડા ટી સ્ટોલમાંથી લૂઝ ચાની ભુક્કી અને પ્રિપેડ ચાનો નમૂનો લેવાયો હતો. જ્યારે શક્તિ ટી સ્ટોલમાંથી ચાની ભૂક્કી અને લૂઝ બ્લેક ફોરેસ્ટ કેકનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.