Abtak Media Google News

અમદાવાદથી ૧૦૦ વેન્ટિલેટર ફાળવાયા: કેન્સર હોસ્પિટલમાં ૨૦૦ બેડની વ્યવસ્થા કરાઈ

રાજકોટ જિલ્લામાં કોરોનાની કપરી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે સ્થાનિક તંત્ર તથા સરકાર સતત કમરકસી રહી છે. જેના ભાગરૂપે સરકાર દ્વારા રાજકોટ જિલ્લાને નવી પાંચ ૧૦૮ એમ્બ્યુલન્સ ફાળવી છે અને આ સાથે જ અન્ય ૧૦ પણ ફાળવવામાં આવનાર છે. ઉપરાંત અમદાવાદથી ૧૦૦ વેન્ટિલેટર મળવાના છે અને કેન્સર હોસ્પિટલમાં નવા ૨૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યાં હોય તંત્ર દ્વારા દર્દીઓની વ્યવસ્થા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. હાલ જિલ્લામાં વેન્ટિલેટર પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તેમ છતાં જો વેન્ટિલેટરની જરૂર પડે અને સમય આવ્યે દોડા દોડી ન કરવી પડે તે માટે સરકાર દ્વારા અમદાવાદથી ૧૦૦ વેન્ટિલેટર રાજકોટને ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત પાંચ ૧૦૮ એમ્બ્યુલન્સ રાજકોટ જિલ્લાને આપવામાં આવી છે. ઉપરાંત થોડા દિવસો બાદ વધુ દસ ૧૦૮ એમ્બ્યુલન્સ પણ ફાળવવામાં આવનાર છે. એટલે હવે જિલ્લામાં ૧૦૮ની સંખ્યા ૪૦ થઈ જશે.

વધુમાં અધિક કલેકટર પરિમલ પંડ્યાએ જણાવ્યું છે કે, રાજકોટ જિલ્લામાં હાલ પુરતા બેડ ઉપલબ્ધ છે. તેમ છતાં કોરોનાના દર્દીની સંખ્યા વધે તો તેને ધ્યાને રાખી તંત્ર દ્વારા પુરતી તૈયારીઓ કરવામાં આવી છે. જેના ભાગરૂપે કેન્સર હોસ્પિટલમાં ૨૦૦ બેડની વ્યવસ્થા કરી તેને પુન: જીવીત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.